ઉત્સવ

મહારાણા રાજસિંહે ક્ષત્રિયને છાજે એવો સાથ દુર્ગાદાસને આપ્યો

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૪૯)
વીર દુર્ગાદાસ રાઠોડ વિશે વધુ ખોખાખોળા કરતાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીએ ૧૯૯૮ની ત્રીજી ઑકટોબર દુર્ગાદાસ રાઠોડની અશ્ર્વ પર સવાર અષ્ટધાતુની પ્રતિમાનું અનાવરણ વખતે કહેલા શબ્દો જાણવા જેવા છે: ‘ભારતની જનની અનેક મહાન વ્યક્તિઓને જન્મ દેતી રહે છે અને દેતી રહેશે. અહીં માનવતા જન્મે છે અને વસુધૈવ કુટુમ્બકમ બને છે. વીર દુર્ગાદાસ રાઠોડ સામાન્ય સામંત હોવા છતાં ઔરંગઝેબના અત્યાચારો સામે ૨૮ વર્ષ સુધી સંઘર્ષ કરતા રહ્યા અને સચ્ચાઈ, નિર્ભયતા, દૂરદર્શીતા અને સંગઠનને પ્રતાપે મહારાજા અજીતસિંહનો જીવ જ ન બચાવ્યો, પરંતુ સમસ્ત રાજપૂતાના, મારવાડમાં ડંકો વગાડી દીધો… હું આ પ્રતિમાને નિહાળતી વખતે મને લાગે છે કે ‘આ નિર્જીવ પ્રતિમામાં પણ પ્રેરણા દેનારો જીવ હાજરાહજુર છે.’

આવા વીરપુરુષમાં અનેકાનેક ગુણ હતા પણ આ જીવનમાં સાથીઓ, સાચા સાથીઓ વગર કંઈક મેળવવું શક્ય નથી. વીર દુર્ગાદાસ રાઠોડની સફળતાને શક્ય બનાવીને વધુ ઉજ્જવળ બનાવનારા સાથીઓ કોણ હતા એ જોઈએ:

મહારાણા રાજસિંહ: પિતા મહારાણા જગતસિંહના સ્વર્ગવાસ બાદ ૨૩ વર્ષની ઉંમરમાં રાજસિંહ મેવાડની ગાદી પર બેઠા. માન્યતા મુજબ મેવાડના સ્વામી એકલિંગજી છે અને મહારાણા તેમના દીવાન ગણાય. આ પરંપરા મુજબ રાજસિંહ એકલિંગજી સમક્ષ રત્નોનું તુલાદાન કર્યું હતું. રાજસિંહના સત્તારૂઢ થયા બાદ મોગલ બાદશાહે શાહજહાંએ રાણાના ખિતાબ ઉપરાંત અશ્ર્વ, હાથી સહિતના મનસબ રાજસિંહને મોકલ્યા. ઈરાદો અને ઈશારો સ્પષ્ટ હતા પણ સ્વાભિમાન ક્ષત્રિય શાસકે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું. તેમણે ચિતોડના કિલ્લાનું સમારકામ ચાલુ રાખ્યું. જે શાહજહાંને આંખમાં કણાની જેમ ખૂંચ્યું. તેણે નવા સમારકામ- બાંધકામ જમીનદોસ્ત કરાવીને મેવાડના અમુક વિસ્તારો પર કબજો જમાવી દીધો.

મહારાજા રાજસિંહ વેર વાળવા તત્પર હતા, ને એ તક જલદી મળી ગઈ. શાહજહાંએ બીમારીને લીધે ખાટલો પકડયો એ સાથે જ ઉત્તરાધિકારી બનવા માટે શાહજાદાઓ શ્ર્વાનને સારા કહેવડાવે એવા ઝઘડા પર ઉતરી આવ્યા. આમાં રાજસિંહે ઔરંગઝેબની તરફેણ કરી અને જ્યારે ઔરંગઝેબ ગાદીપતિ બનવાના યુદ્ધમાં રમમાણ હતો ત્યારે રાજસિંહે પોતાના પચાવી પાડેલા વિસ્તારો પાછા મેળવી લીધા.

ઔરંગઝેબ ગાદી પર બેસી ગયા પછી મહારાણા રાજસિંહ સાથેના સંબંધ તંગ બનવા માંડયા. આવામાં ઔરંગઝેબ કિશનગઢના રાજા રુપસિંહની દીકરી ચારુમતિ પર મોહિત થઈ ગયો. તેણે ચારુમતિ સાથે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. ઈનકારનો અર્થ થાય ઔરંગઝેબ સાથે યુદ્ધ અને નિશ્ર્ચિત હાર. એટલે રુપસિંહના સ્વર્ગવાસ બાદ રાજા બનેલા માનસિંહે કમને સંબંધ સ્વીકારવો પડયો. પરંતુ ચારુમતિને આ મંજૂર નહોતું. તેણે મહારાણા રાજસિંહને પોતાની આપવીતી પત્ર થકી જણાવીને પોતાની સાથે લગ્ન અને ધર્મની રક્ષા કરવાની વિનંતી કરી. પૂરી જાણકારી મેળવ્યા બાદ મહારાજા રાજસિંહ લશ્કર સાથે કિશનગઢ પહોંચી ગયા અને લગ્ન કરી લીધા.

ઔરંગઝેબે રોષમાં પુછાવ્યું કે મારી મંજૂરી વગર કિશનગઢ જઈને લગ્ન કેવી રીતે કરી લીધા? રાજસિંહે સ્પષ્ટ જવાબ પાઠવ્યો કે રાજપૂતના લગ્ન કાયમ રાજપૂતમાં જ થાય અને એ માટે કોઈની મંજૂરીની જરૂર ન હોય. સ્પષ્ટ છે કે કડવાશ વધી જાય. રોષમાં ઔરંગઝેબે મંદિર તોડાવવાનું શરૂ કરી દીધું. મૂર્તિઓ ખંડિત થવા માંડી. ઔરંગઝેબે વલ્લભ સંપ્રદાયના ગોવર્ધનજીની મુખ્ય મૂર્તિઓ તોડવાની આજ્ઞા આપી, ત્યારે રાજસિંહ દ્વારકાધીશની મૂર્તિને મેવાડ લાવીને કાંકરોલીમાં સ્થાપિત કરી.

ઔરંગઝેબે અકબર દ્વારા રદ કરાયેલા ઝઝિયા વેરા ફરી હિન્દુઓ પર નાખ્યા તો મહારાજા રાજસિંહે એનો પણ વિરોધ કર્યો. અને મહારાજા જસવંતસિંહના અવસાન બાદ એમના નાનકડા દીકરા અજીતસિંહને જીવતો રાખવાના વીર દુર્ગાદાસ રાઠોડના સંઘર્ષમાં મહારાજા રાજસિંહે કેટલી મદદ કરી એ આગળ આવી ગયું. એમની સહાય વગર દુર્ગાદાસની કામગીરી અત્યંત
દુષ્કર બની ગઈ હોત. જો મહારાણા રાજસિંહનું કવેળાએ નિધન ન થયું હોત તો મારવાડ- મેવાડનો ઈતિહાસ કદાચ અલગ હોત. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button