ગુજરાત પર મેઘાની મહેરબાની ક્યારે?…તપતી ગરમીથી ત્રાહિમામ
અમદાવાદઃ દેશમાં સારા વરસાદની આગાહી થઈ છે, પરંતુ હજુ મુંબઈ સહિત મહારષ્ટ્રમાં પણ વરસાદે સત્તાવાર એન્ટ્રી લીધી નથી. મુંબઈમાં રોજ ઝાપટાં આવે છે, પરંતુ વરસાદ વરસ્યો નથી ત્યારે ગુજરાતમાં તો માત્ર ઝરમર વરસાદથી વાત આગળ વધી નથી. રાજ્યાન દક્ષિણ ભાગમાં ઝાપટાં પડ્યા છે ત્યારે બાકીના બધા વિસ્તારો ધગધગતી ગરમીથી તપી રહ્યા છે અને એક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 38થી 40 ડિગ્રી રહે છે અને રાત્રે પણ રાહત મળતી નથી.
દરમિયાન આજે સવારથી નવસારીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ સાથે ભૂજમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં રોજ સાંજે વાતાવરણમાં ફરેફાર જણાય છે અને અમુક વિસ્તારમાં એકાદ ઝાપટું પડી જાય છે
નવસારીના જૂનાથાણા, લુંસિકૂઈ, તીઘરા, જલાલપોર, કાલિયાવાડી, પાંચ હાટડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને ધીમે ધારે વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચો : જો વરસાદ ખેચાશે તો કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં જળસંકટ
દરમિયાન ગઈકાલે કચ્છમાં દિવસભર આકાશમાં વાદળોના જમાવડા બાદ બપોરે રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની પધરામણી થઇ હતી. બપોર બાદ રાપર તાલુકાના રવ, નંદાસર, હમીપર, મોડા, કલ્યાણપર, પ્રાગપર, કાનપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડયા હતા. આ સાથે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.
જોકે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 15મી જૂનથી વરસાદ પડવાની સંભાવના છે, પરંતુ આજે રાજ્યભરમાં આવા સંકેતો દેખાય રહ્યા નથી. આથી હજુ કેટલી રાહ જોવી પડશે તે સવાલ છે. એક તરફ ખેડૂતો પોતાના કામ શરૂ કરવા વરસાદની રાહ જોઈ રહ્યા છે તો પશુપાલકો માટે ઘાસચારાની અછત સમસ્યા બની રહી છે. બીજી બાજુ રાજ્યના સેંકડો ગામડા અને ઘણા શહેરી વિસ્તારો પાણીની અછત સામે ઝઝૂમી રહ્યા છે. જેમ જેમ વરસાદ લંબાઈ છે તેમ તેમ સમસ્યાઓ વધારે વિકટ બનતી જાય છે, આથી સૌ કોઈ આકાશ સામે મીટ માંડી બેઠા છે.