ડિફેન્સની જમીન નજીકના પ્રોજેક્ટને સ્ટોપ વર્ક નોટિસ નહીં અપાય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : કદાચ પ્રથમ વખત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય સેનાના સેન્ટ્રલ ઓર્ડનન્સ ડેપો (સીઓડી)ના નિર્દેશ છતાં કાંદિવલીમાં નિર્માણાધીન પ્રોજેક્ટને સ્ટોપ-વર્ક નોટિસ આપવાનો ઇનકાર કર્યો છે.
ગયા મહિને સીઓડી દ્વારા પાલિકાના પશ્ર્ચિમી ઉપનગરના બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કાંદિવલી (પૂર્વ)માં આકુર્લી રોડ પર ગોદરેજ પ્રોપર્ટીઝના પ્રોજેક્ટના કામને રોકવા માટે પત્ર લખ્યો હતો. કારણકે આ પ્રોજેક્ટ કાંદિવલી ઓર્ડનન્સ ડેપોની પરિમિતિ દિવાલની 500 મીટરની અંદર આવેલો છે.
કમાન્ડન્ટના પત્રમાં જણાવ્યું હતું કે ઉક્ત પ્લોટ સેન્ટ્રલ ઓર્ડનન્સ ડેપો, મુંબઈના કાંદિવલી સંકુલની પરિઘથી આશરે 250 મીટરના અંતરે સ્થિત છે. એવું જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટ ગોદરેજ રિઝર્વના નામે ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રની માર્ગદર્શિકાને ટાંકીને તેમણે અધિકારીઓને કહ્યું હતું કે સંરક્ષણ સંસ્થાનોની પરિમિતિ દિવાલની 100 મીટરની ત્રિજ્યામાં બાંધકામની પરવાનગી નથી. જ્યારે સંરક્ષણ વિભાગ પાસેથી નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર મેળવ્યા પછી મહત્તમ ચાર માળ (ગ્રાઉન્ડ-પ્લસ-થ્રી) સુધીના બાંધકામને 100 મીટર થી 500 મીટર ના અંતરમાં જ માન્યતા આપી શકાય છે.
પરિણામે સંરક્ષણ વિભાગ પાસેથી એનઓસી મેળવ્યા વિના લશ્કરી સંસ્થાનની પરિમિતિ દિવાલથી 500 મીટરની ત્રિજ્યામાં કોઈપણ બાંધકામ પ્રવૃત્તિ ઉપરોક્ત માર્ગદર્શિકામાં પરિકલ્પના મુજબના વર્તમાન નિયમની વિરુદ્ધ છે. તેથી ખાનગી બિલ્ડર દ્વારા બાંધકામ એ સ્પષ્ટપણે ઉલ્લંઘન છે. સરકાર આદેશો/માર્ગદર્શિકા આપે છે અને તેથી તે ગેરકાયદેસર છે એમ પત્રમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : Malad Human Finger Found In Icecream: આઈસ્ક્રીમ બનાવનારી કંપનીએ નિવેદન આપતા કહ્યું કે અમે…
તમને ‘સ્ટોપ-વર્ક નોટિસ’ જારી કરવાની વિનંતી કરવામાં આવે છે જેથી પછીના તબક્કે કોઈપણ કાનૂની ગૂંચવણો ઉભી ન થાય એમ 15 મેના પત્રમાં જણાવ્યું હતું.
પ્રથમ વખત પાલિકાએ કહ્યું કે સ્ટોપ-વર્ક નોટિસ આપવામાં આવશે નહીં. કારણ કે તે કાયદા અનુસાર નહીં હોય. મહારાષ્ટ્ર પ્રાદેશિક ટાઉન પ્લાનિંગ એક્ટ, 1966 અને ડેવલપમેન્ટ પ્લાન-2034ની જોગવાઈઓ હેઠળ જે બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે તે અનુમતિપાત્ર છે. આ પ્લાન સલામતી અને સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાનમાં લીધા પછી ઘડવામાં આવ્યો છે. ડેવલપમેન્ટ પ્લાન-2034 બનાવતી વખતે અમને કોઈ સૂચન/વાંધો મળ્યો નથી અને આસપાસમાં વિશાળ અસ્તિત્વમાં શહેરી વસાહત અને બાંધકામ પહેલેથી જ છે, એમ તેમણે 11 જૂનના કમાન્ડન્ટને મોકલાવેલા પત્રમાં લખ્યું હતું.
બીએમસીએ જણાવ્યું હતું કે સીઓડી કાંદિવલી અને મલાડની નજીક લગભગ 100 ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલુ છે. કેટલાક પ્રોજેક્ટ્સનું અંતર તો સંરક્ષણ સંસ્થાનોથી ફક્ત 10 મીટર છે. 21.10.2016 ના પરિપત્ર અનુસાર તેને મંજૂરી આપવામાં આવી છે. તેથી આવા પ્રોજેક્ટ્સને સ્ટોપ-વર્ક નોટિસ જારી કરવી તે કાયદા અનુસાર રહેશે નહીં.
જાન્યુઆરી 2023માં સમગ્ર ભારતમાં નૌકાદળ સ્થાપનોની નજીક રહેતા નાગરિકો માટે મોટી રાહત આપતાં સંરક્ષણ મંત્રાલયે સંસ્થાનોથી નજીક બાંધકામ પ્રતિબંધોને 500 મીટરથી ઘટાડીને માત્ર 50 મીટર કર્યો હતો. રિયલ એસ્ટેટ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો હતો.