T20 World Cup 2024

T20 World Cup: શાહિદ આફ્રિદીએ જમાઈની તરફેણ કરતા બાબરને કહ્યું, ‘તું પાછો કૅપ્ટન બન્યો જ શું કામ? શાહીનને કેમ સપોર્ટ નહોતો કર્યો’

કરાચી: કોઈ પણ મોટી ટૂર્નામેન્ટમાં હાર બદલ કે ભારત સામેના પરાજય પછી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પર અનેક દિશામાંથી ટીકાના તીર છૂટતા હોય છે અને આ વખતે પણ એવું થઈ રહ્યું છે. શુક્રવારે ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ-એ’માં આયરલૅન્ડ સામેની મૅચ વરસાદને લીધે ધોવાઈ જતાં અમેરિકએ ભારત સાથે મળીને આ ગ્રૂપમાંથી સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે અને આયરલૅન્ડ તથા કૅનેડા ઉપરાંત ખાસ કરીને પાકિસ્તાન (Pakistan) આ વખતના વર્લ્ડ કપની બહાર ફેંકાઈ ગયું છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓએ બાબર આઝમ (Babar Azam) અને તેની ટીમને વખોડવાનું શરૂ કરી દીધું છે. ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદી (Shahid Afridi) પોતાની યૂટ્યૂબ ચૅનલ પર બોલ્યો છે, ‘બાબર, તારે ફરી કૅપ્ટન બનવાની જરૂર જ નહોતી. ઊલટાનું, તારે શાહીન શાહ આફ્રિદીને કૅપ્ટન્સી સોંપવાની બાબત પર શાહીનને સપોર્ટ કરવો જોઈતો હતો.’

આ પણ વાંચો: T20 World Cup:Rift between Babar and Shaheen Afridi?: ‘અકરમનું કહેવું સાચું નથી, બાબર-આફ્રિદી વચ્ચે કોઈ જ ઝઘડો નથી’ એવું કોણે કહેવું પડ્યું?

ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi) પીઢ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો જમાઈ છે. શાહીને શાહિદની પુત્રી અન્શા આફ્રિદી સાથે લગ્ન કર્યા છે. ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ બાબર આઝમના સુકાનમાં લીગ રાઉન્ડમાં જ સ્પર્ધાની બહાર થયું હોય એવું પહેલી વાર બન્યું છે. 2021ના વિશ્વ કપમાં પાકિસ્તાન સેમિ ફાઇનલ સુધી અને 2022માં ફાઇનલ સુધી પહોંચ્યું હતું.

આ વખતે પાકિસ્તાનનો પહેલા તો અમેરિકાની નવી-સવી ટીમ સામે સુપર ઓવરમાં પરાભવ થયો હતો અને પછી ભારત સામે પણ નાલેશી થઈ હતી. ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે 7-1નો જીત-હારનો રેશિયો છે.

આ પણ વાંચો: શાહીન આફ્રિદીએ આ ખાસ ક્લબમાં નામ નોંધાવ્યું, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ક્રિકેટ માટે હીરો સાબિત થશે!

શાહિદ આફ્રિદીએ યૂટ્યૂબ પર જણાવ્યું છે કે ‘પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ ફરી કૅપ્ટન્સી સંભાળવાની ઑફર કરી ત્યારે બાબરે એ નકારવી જોઈતી હતી અને એ સમયના સુકાની શાહીન આફ્રિદીને સપોર્ટ કરવો જોઈતો હતો. બાબરે નકવીને કહી દેવું જોઈતું હતું કે શાહીનને કૅપ્ટન બનાવશો તો અમે તેના હાથ નીચે રમવા તૈયાર છીએ. જો એવું થયું હોત તો બાબરની વાહ-વાહ થઈ હોત, કારણકે એવું કરીને બાબરે અનોખું ઉદાહરણ ક્રિકેટ વિશ્વ સમક્ષ રજૂ કર્યું હોત, બાબરનું માન ખૂબ વધી ગયું હોત. જોકે મારું એવું પણ માનવું છે કે પાકિસ્તાનની એક્ઝિટ બદલ માત્ર બાબર જવાબદાર નથી. જોકે હું કહું છું કે કેટલાક સિલેક્ટરોએ પણ 2023ના વન-ડે વર્લ્ડ કપ પછી બાબરની કૅપ્ટન્સી સામે સવાલ ઉઠાવ્યા હતા. પસંદગીકારો કહેતા હોય છે કે ટીમનું નેતૃત્વ કેવી રીતે સંભાળવું એ બાબરને બરાબર આવડતું જ નથી.’
પાકિસ્તાનની હવે વર્લ્ડ કપમાં રવિવારે આયરલૅન્ડ સામે છેલ્લી લીગ મૅચ છે. બન્ને દેશ શાનથી માથું ઊચું રાખીને ટૂર્નામેન્ટમાંથી વિદાય લેવાના હેતુથી આ મુકાબલો જીતવા કોઈ કસર નહીં છોડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button