T20 World Cup: સાઉથ આફ્રિકા છેલ્લા બૉલે જીત્યું, નેપાળના હાથે બિગેસ્ટ અપસેટ થતા રહી ગયો
કિંગ્સટાઉન: ટી-20 વર્લ્ડ કપમાં શુક્રવારે સાઉથ આફ્રિકા (20 ઓવરમાં 115/7)એ ક્રિકેટના ટચૂકડા દેશ નેપાળ (20 ઓવરમાં 114/7)ને હરાવવા ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. મૅચના છેક છેલ્લા બૉલે સાઉથ આફ્રિકા માત્ર એક રનથી વિજય મેળવી શક્યું હતું. ગ્રૂપ-ડીમાંથી એઇડન માર્કરમની ટીમ સુપર-એઇટમાં તો પહોંચી ગઈ છે, પરંતુ નેપાળ (Nepal) જેવી નાની ટીમ સામે એણે મહા મહેનતે વિજય મેળવવો પડ્યો એ સાઉથ આફ્રિકા (South Africa)ની ટીમ માટે મોટી ચિંતાનો વિષય કહેવાય. જો માર્કરમની ટીમ હારી ગઈ હોત તો આ વખતની ટૂર્નામેન્ટનો એ સૌથી મોટો અપસેટ કહેવાત.
અમેરિકાની જેમ વેસ્ટ ઇન્ડિઝમાં પણ વર્લ્ડ કપની મૅચો લો-સ્કોરિંગ રહે છે. અહીં પણ મુશ્કેલ પિચ પર બૅટર્સ માટે રન બનાવવા ખૂબ કઠિન છે.
જાણીતા કોચ મૉન્ટી દેસાઈના કોચિંગમાં રમતી નેપાળની ટીમને જીતવા ફક્ત 116 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. એણે સાધારણ શરૂઆત કર્યા બાદ 35મા રને પહેલી બે વિકેટ ગુમાવી દીધી હતી. વિકેટકીપર આસિફ શેખ (42 રન, 49 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને અનિલ સાહ (27 રન, 24 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી થઈ હતી અને ટીમનો સ્કોર 14મી ઓવરમાં બે વિકેટે 85 રન હતો ત્યારે નેપાળના વિજયની અને સાઉથ આફ્રિકાના શૉકિંગ પરાજયની સંભાવના ઘણી હતી, કારણકે ત્યારે 38 બૉલમાં જીતવા 31 રન બનાવવાના હતા અને આઠ વિકેટ બાકી હતી. જોકે માર્કરમે અનિલ સાહને યેનસેનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો એ સહિત 100 રનના ટીમ-સ્કોર સુધીમાં કુલ ચાર વિકેટ ગઈ હતી અને નેપાળના ડગઆઉટમાં સોપો પડી ગયો હતો.
આ પણ વાંચો : T20 World Cup:પાકિસ્તાન આઉટ: અમેરિકાની સુપર-એઇટમાં અને 2026ના વર્લ્ડ કપમાં પણ એન્ટ્રી
મામલો છેલ્લી (20મી) ઓવર સુધી પહોંચ્યો હતો. સૌથી વધુ ચાર વિકેટ લઈ ચૂકેલા લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર તબ્રેઝ શમ્ઝીની ચારેય ઓવર થઈ ચૂકી હતી અને 20મી ઓવરની જવાબદારી પેસ બોલર ઑટનિલ બાર્ટમૅનને અપાઈ હતી. એ ઓવરમાં નેપાળે જીતવા માત્ર આઠ રન બનાવવાના હતા અને ચાર વિકેટ પડવાની બાકી હતી એટલે ક્રીઝ પર હાજર બૅટર્સ થોડું જોખમ ઉઠાવીને રન બનાવી શકે એમ હતા. જોકે બાર્ટમૅનના પહેલા બે ડૉટ-બૉલ બાદ ગુલશન ઝા નામના બૅટરે ફોર ફટકારી હતી. હવે ત્રણ બૉલમાં ચાર રન બાકી હતા. ચોથા બૉલે બે રન બન્યા બાદ પાંચમો પણ ડૉટ-બૉલ ગયો હતો. ગુલશન ઝાએ એક રન બનાવ્યો હોત તો મૅચ સુપર ઓવરમાં ગઈ હોત અને બે રન નેપાળને જિતાડી શકે એમ હતા, પરંતુ બાર્ટમૅન ડૉટ-બૉલ ફેંકવામાં સફળ થયો અને સાઉથ આફ્રિકાનો થ્રિલરમાં એક રનથી વિજય થયો હતો અને નેપાળ ઐતિહાસિક જીતથી વંચિત રહી ગયું. શમ્ઝીની 18મી ઓવરમાં ફક્ત બે રન બન્યા હતા અને બે વિકેટ પડી હતી. ઍન્રિક નોર્કિયાની 19મી ઓવરમાં આઠ રન બન્યા હતા. આ બે ઓવર નેપાળ માટે નિર્ણાયક બની હતી.
શમ્ઝીને 19 રનમાં લીધેલી ચાર વિકેટ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. નોર્કિયા અને માર્કરમને એક-એક વિકેટ મળી હતી.
એ પહેલાં, સાઉથ આફ્રિકાને બૅટિંગ માટે આમંત્રણ મળ્યું હતું અને એણે ચોથી જ ઓવરમાં ક્વિન્ટન ડિકૉક (10 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે રીઝા હેન્ડ્રિક્સ (43 રન, 49 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) ક્રીઝમાં ટકી રહ્યો હતો એટલે ધબડકો અટકી ગયો હતો. તેની અને કૅપ્ટન માર્કરમ (15 રન, બાવીસ બૉલ, બે ફોર) બીજી વિકેટ માટે 46 રનની આબરૂ બચાવતી ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ 10થી 15 રનના અંતરે વિકેટ પડતી રહી હતી અને સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ 115/7ના સ્કોરે પૂરી થઈ હતી. નેપાળના લેગ-સ્પિનર કુશાલ ભુર્ટેલે 19 રનમાં ચાર વિકેટ અને પેસ બોલિંગ તથા ઑફ સ્પિન બોલિંગ કરી શકતા દીપેન્દ્ર સિંહ એઇરીએ 21 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. નેપાળના કુલ સાત બોલર્સે સાઉથ આફ્રિકાની ટીમ પર શરૂઆતથી છેક સુધી આક્રમણ જાળવી રાખ્યું હતું.