Gujarat: સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યના રહસ્યમય મોત
સુરતઃ શહેરમાં આજે સવારે એક જ પરિવારના ચાર સભ્યના શંકાસ્પદ હાલતમા મૃતદેહ મળી આવ્યા છે. આ મૃત્યુ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પરિવારના ચારેય સભ્યોના મોતને લીધે ખળભળાટ મચ્યો છે. દરમિયાન બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળેપહોંચી હતી અને તેમણે કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના જહાંગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં પરિવાર રહેતો હતો. તેમના મોતની ખબરના પગલે આજુબાજુના વિસ્તારોમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. જોકે આ કરૂણાંતિકા પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુના ઘરના લોકોનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી અનુસાર રાત્રે ભોજન લીધા બાદ પરિવાર ઊંઘી ગયો હતો અને સવારે તેમના મોત થયાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે કમનસીબે આ પ્રકારની ઘટના વારંવાર થતી રહે છે. ગરીબી કે પછી અન્ય કારણોસર પરિવાર એક સાથે આત્મહત્યા કરી લે અથવા પરિવારની એક વ્યક્તિ બીજા સભ્યોની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવી દે તેવી ઘટનાઓ ચિંતાનો વિષય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ મહિના પહેલા એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત 3જી મે 2024ના રોજ સુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના ત્રણ સભ્યોની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો હતો. મૃતકોમાં સગર્ભા મહિલા અને એક નાના બાળકનો સમાવેશ થાય છે.