ટોપ ન્યૂઝનેશનલ

દેશની સૌથી ઊંચી બિલ્ડીંગ બનાવનું સપનું અધુરું રહી જશે! આ મોટી કંપનીએ નાદારી નોંધાવી

નોઇડા: સુપરટેક ગ્રૂપની સુપરટેક રિયલ્ટર (Supertech realter) કંપનીનું નોઇડાના સેક્ટર 94માં દેશની સૌથી ઊંચી બિલ્ડીંગ સુપરનોવા (Supernova Spira) બનાવવાનું સપનું કદાચ હવે પૂરું નહીં શકે, કંપની દેવામાં ડૂબી ગઈ છે અને હવે કંપની નાદારીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. અહેવાલ મુજબ બેંક ઓફ મહારાષ્ટ્ર(Bank of Maharstra)એ સુપરટેક રિયલ્ટર કંપનીને નાદાર જાહેર કરવાની અરજી દાખલ કરી છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ આ અરજી સ્વીકાર સ્વીકારી છે.

અહેવાલ મુજબ સુપરટેક રિયલ્ટર કંપનીએ બેંક ઓફ મહારાષ્ટ્રને લગભગ 168 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે, જેના માટે બંને વચ્ચે સમાધાન થઇ શક્યું નથી, આ પછી બેંકે આ પગલું ભરવાનો નિર્ણય કર્યો. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ સુપરટેક ગ્રૂપની પેટાકંપની સુપરટેક રિયલ્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે કોર્પોરેટ નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા (CIRP) શરૂ કરી છે

NCLT એ CIRP ની શરૂઆત કરી છે અને અંજુ અગ્રવાલને ઇન્ટરીમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે પણ નિયુક્ત કર્યા છે જેઓ કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી રિયલ્ટર પાસેથી કંપનીનું નિયંત્રણ સંભાળશે.

NCLTના નિર્ણયથી એ લોકોને મોટો ફટકો પડ્યો છે જેમણે સુપરનોવા બિલ્ડિંગમાં ફ્લેટ બુક કરાવ્યા છે. અહેવાલો મુજબ આ બિલ્ડીંગમાં ઘણી સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓએ ફ્લેટ બુક કરાવ્યા છે. હવે લોકોને ફ્લેટના પઝેશન માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે, કારણ કે આગળની પ્રક્રિયા ઘણી લાંબી ચાલી શકે. જો સુપરટેક રિયલ્ટર કંપનીને નાદાર જાહેર કરવામાં આવે તો બીજી કોઈ કંપની આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરશે, માટે કામ પૂર્ણ થવામાં વર્ષો લાગી શકે છે.

સુપરનોવા બિલ્ડિંગનું કામ હજુ ઘણું અધૂરું છે. આ બિલ્ડીંગમાં 80 માળનું બાંધકામ કરવાની દરખાસ્ત છે, પરંતુ અત્યાર સુધીમાં 70 માળનું સ્ટ્રક્ચર જ બની શક્યું છે. હજુ 10 વધુ માળ બનાવવાના બાકી છે, ત્યારપછી ઈન્ટિરિયરનું કામ પણ બાકી છે. જો કોઈ અન્ય બિલ્ડર પણ તેને બનાવવાનું શરૂ કરવા માંગે છે, ઘણો સમય લાગશે. સુપરટેક રિયલ્ટર કંપનીએ 2012માં 70 હજાર ચોરસ મીટરમાં બનેલા આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટને લગભગ 12 વર્ષ થઇ ગયા છે. તેને પૂર્ણ કરવામાં કેટલા વર્ષ લાગશે તે કહેવું અત્યારે ઘણું મુશ્કેલ છે.

સુપરટેક ગ્રૂપના મહત્વાકાંક્ષી સુપરનોવા પ્રોજેક્ટમાં કુલ ચાર ટાવર છે – નોવા ઈસ્ટ, નોવા વેસ્ટ, એસ્ટ્રાલિસ, જેનું પઝેશન આપી દેવામાં આવ્યું છે અને સ્પિરા નિર્માણાધીન ટાવર છે.
બેન્ક ઓફ મહારાષ્ટ્રના એડવોકેટ નિશાંત અવાનાએ જણાવ્યું હતું કે, “જેને આ પ્રોજેક્ટ (સુપરનોવા)માં પઝેશન મળ્યું છે તેમને ડરવાનું કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પરંતુ જેમને હજુ પઝેશન મળવાનું બાકી છે તેઓને અસર થઈ શકે છે.”

સુપરટેક રિયલ્ટર કંપનીએ સુપરનોવા બિલ્ડીંગ બનાવવા માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા(UBI)ની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ પાસેથી આશરે રૂ. 735 કરોડની લોન માંગી હતી. તેમાંથી 150 કરોડ રૂપિયા બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા આપવામાં આવ્યા હતા. હવે વ્યાજ સહિતની આ રકમ અંદાજે 168 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મહારાષ્ટ્ર બેંકે આ રકમ વસૂલવા માટે સુપરટેક રિયલ્ટર કંપનીને ઘણી વખત નોટિસ મોકલી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતાં તેણે NCLTમાં અરજી કરી હતી.

સુપરટેક ભારતની નામી રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે, જેની સ્થાપના 1984માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર ઉત્તર પ્રદેશના નોઈડામાં છે. કંપની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગ બનાવે છે. કંપનીએ નોઈડા, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, મેરઠ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને પુણે સહિતના ઘણા શહેરોમાં ઘણા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. સુપરટેકને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે, પરંતુ આજે કંપનીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button