જો વરસાદ ખેચાશે તો કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં જળસંકટ

અમદાવાદઃ ગુજરાતમા ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું છે. આગામી છ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. ચોમાસાની દસ્તક વચ્ચે હવામાન ખાતાએ શરૂઆતમાં જ ગુજરાતમાં ચોમાસું નબળું પડી ગયાની જાહેરાત કરીને ખેડુતોની ચિંતા વધારી દીધી છે. બીજીતરફ જો રાજ્યમાં વરસાદ ખેંચાશે તો કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આજની સ્થતિએ સૌરાષ્ટ્રના 141 ડેમમાં 13.28 ટકા પાણી બચ્યું છે. રાજ્યના 207 ડેમમાં 39.92 ટકા પાણી બચ્યું છે.
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધાવાની સાથે પાણીની માંગ પણ વધી ગઈ છે, જયારે જળાશયોમાં પાણી સુકાઈ ગયાં છે. જેના કારણે પીવાના અને સિંચાઈ માટેના પાણી માટે તકલીફોનો સામનો કરવો પડે એમ છે. રાજ્યમાં આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા હવામાન મિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.
આજની તારીખે ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 26.91 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43.68 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 32.60 ટકા, કચ્છના 20 ડેમમાં 23.36 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 13.28 ટકા અને સરદાર સરોવરમાં 56.35 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. રાજ્યના 207 ડેમની વાત કરીએ તો હાલ માત્ર 39.92 ટકા પાણી છે. રાજ્યમાં હાલમાં એક જ ડેમ એવો છે જેમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે એક ડેમમાં 80 ટકાથી વધુ પાણી છે. 202 ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઉકળાટ અને બફારાના કારણે સૌરાષ્ટ્રના જળાશયો ઝડપભેર ખાલી થઇ રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા આજરોજ દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 16મી જૂનના રોજ ગાંધીનગર, અરવલ્લી,
અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17મી જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 18મી જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 19મી જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ 20મી જૂનના રોજ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.