વીક એન્ડ

રિયો ડી જનેરોનું ફલેવા – એક રંગીન આવાસ-સમૂહ

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

બધા જાણે છે કે સ્થાપત્યમાં રંગોનું એક મહત્ત્વ છે. રંગ થકી સ્થાનને નિખારી શકાય છે. રંગ ભાવાત્મક સંબંધ બાંધવા પણ અગત્યનો ગણાય છે. ચોક્કસ રંગ ચોક્કસ પ્રકારની લાગણી જન્માવી શકે. ચોક્કસ પ્રકારના રંગ હળવાશનો ભાવ ઊભો કરી શકે જ્યારે અમુક રંગ ગંભીરતા ધારણ કરતા હોય તેમ લાગે. અમુક રંગ મોકળાશ વ્યક્ત કરે તો અમુક રંગ ચોક્કસ નિર્ધારણ સ્થાપિત કરે. પ્રતિકાત્મક સ્વરૂપે પણ જુદા જુદા રંગના જુદા જુદા અર્થઘટન થતા રહે છે. લાલ રંગ “શુભતાની નિશાની છે તો કાળો રંગ “અ-શુભતાનો પ્રતીક છે. સફેદ જ્યારે સાત્ત્વિકતા રજૂ કરે ત્યારે ઘાટો વાદળી રંગ ગૂઢ જણાય.

રંગનો મનોવૈજ્ઞાનિક ઉપયોગ પણ છે. હલકા રંગના વપરાશથી જગ્યા હોય તેનાથી મોટી જણાય તો ગાઢા રંગથી જગ્યા સંકુચિત જણાય. જો છત નીચી હોય અને તેના પર આછો રંગ કરવામાં આવે તો વધુ ઊંચાઈ જણાય. આ તો સ્વાભાવિક વાત છે. એકસરખા રંગથી રચનાના જુદા જુદા અંગો વચ્ચે સંબંધ પણ સ્થાપી શકાય અને ભિન્ન ભિન્ન રંગોના ઉપયોગથી વિભાગીકરણ થઈ શકે. સ્થાપત્યમાં વિગતીકરણની પ્રક્રિયામાં પણ રંગનો ચોક્કસ ફાળો છે. લાકડામાં જે કોતરણી કરવામાં આવે તેના પર જ્યારે રંગનું સ્તર ચડે ત્યારે તે કોતરણી વધુ સ્પષ્ટ રીતે અને વધુ આકર્ષક બનીને ઊભરી આવે.

સ્થાપત્યમાં રંગની મજા જ કંઈક ઓર છે. ક્યારેક રંગ ભૂલોને ઢાંકવા માટે તો ક્યારે જે તે વસ્તુને વધારે ઉજાગર કરવા માટે પણ વપરાઈ શકે છે. રંગથી કેટલીક બાબતોને સ્પષ્ટતા મળે તો રંગ થકી દ્રષ્ટિભ્રમ પણ ઊભો કરી શકાય. આમ તો રંગ એ સ્થાપત્યનું મૂળ અંગ ન કહેવાય, પણ દ્રશ્ય અનુભૂતિમાં તેનો ફાળો નજરઅંદાજ ન કરી શકાય તેવો હોય છે. સ્થાપત્યની રચના નિર્ધારિત કરતી વખતે રંગ વિષે પૂર્વધારણા નક્કી નથી કરાતી, તે તો પાછળથી મૂલ્ય-વર્ધન માટે ઉમેરાતી બાબત છે. છતાં પણ જે તે મકાન માટેના પ્રાથમિક આકર્ષણમાં રંગનું મહત્ત્વ ઓછું ન આંકી શકાય.
પ્રાથમિક સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે રંગની ભૂમિકા નિર્ણાયક બની શકે.

રંગનો આવો નિર્ણાયક ભૂમિકા તરીકેનો ઉપયોગ બ્રાઝિલના રિયો ડી જનેરો શહેરના ફલેવા નામે ઓળખાતા આર્થિક રીતે વંચિત લોકોના ઘરોમાં જોવા મળે છે. અહીંના લોકો વર્ષોથી કોઈપણ પ્રકારના ગૌરવની અનુભૂતિ વગર ઝૂંપડા જેવા મકાનોમાં રહેતા હતા. આ તેમની મજબૂરી હતી. એક સમયે અહીં ગુલામો રહેતા હતા અને આ ઘરોનો રંગ નિસ્તેજ સફેદ જેવો હતો. ગુલામીની પ્રથા નાબૂદ થતાં અહીંના રહેવાસીઓને નવી સ્વતંત્રતા અને નવી ખુશી વ્યક્ત કરવાની તક મળી. જીવનમાં પ્રવેશેલા નવા ઉલ્લાસને તેઓએ પોતાના ઘરોને વિવિધ ઉઘડતા રંગોથી રંગીને માણવા પ્રયત્ન કર્યો. આમ તો આ આવાસ-સમૂહને “સ્લમ ગણવામાં આવે છે. અહીં સવલતો ઓછી છે. અનિચ્છનીય માત્રામાં ગીચતા છે. મૂળભૂત સંરચનાકીય બાબતોનો પણ અભાવ છે. સામાજિક ઉપયોગમાં આવી શકે તેવી મોકળાશની શક્યતા પણ નથી. અહીંના લોકોની આવક પણ ઇચ્છિત સ્તરની નીચે છે એમ કહેવાય છે. આ આવાસ જે કંઈ સામગ્રી મળી તેમાંથી જેમ જેમ જરૂરિયાત ઊભી થતી ગઈ તેમ તેમ બનાવતાં ગયા. એકંદરે આ પરિસ્થિતિ પ્રોત્સાહક ન હતી. આવી પરિસ્થિતિમાં પોતાના આવાસ તથા આવાસ-સમૂહને, શક્ય હોય તેટલા ઓછા ખર્ચામાં, નવો “રમ્ય ઓપ આપવા રંગનો સહારો લેવામાં આવ્યો. હવે તો આ એક પ્રવાસન-સ્થાન બની ગયું છે. અહીંના સ્થાનિક કલાકારોને પણ એક નવા જ પ્રકારનું કેનવાસ પ્રાપ્ત થયું છે.

રહેનાર વ્યક્તિ અમુક પ્રકારની નિરાશામાંથી તો બહાર આવ્યા જ છે પણ સાથે સાથે સમાજમાં તેમની સ્વીકૃતિ પણ વધી છે. આ સ્થાન હવે સાંસ્કૃતિક વિરાસત સમાન બની ચૂક્યું છે. જોકે સાથે સાથે સત્ય એ છે કે અહીંના રહેવાસીની જીવનની ગુણવત્તામાં ખાસ બદલાવ આવ્યો નથી. આ બધા મકાનો પર રંગરોગાન તો થઈ ગયું પણ તેની સ્થાપત્યકીય ગુણવત્તા પણ સુધરી નથી. આ મકાનો હજુ પણ તેટલા જ અસલામત છે તેમ કહી શકાય.

જાહેરાત થઈ, ફોટા પડ્યા, લેખ લખાયા, વિશ્ર્વના મીડિયાનું ધ્યાન ખેંચાયું, થોડુંક પ્રવાસન વધ્યું, આર્થિક રીતે થોડો ફાયદો પણ થયો હશે, એક ઓળખ મળી, પોતાના આવાસ માટે એક પ્રકારના ગૌરવની અનુભૂતિ પણ થઈ, પણ મૂળભૂત જરૂરિયાતોની અછત તો જેમની તેમ રહી. ક્યાંક ફાટેલા કપડાને ઈી કરવા જેવી આ વાત છે. છતાં પણ આ વાતનો પ્રચાર પ્રસાર ઘણો થાય છે. અમુક હદ સુધી આ પ્રકારનો પ્રયાસ સ્વીકાર્ય બની રહે પરંતુ મૂળભૂત પ્રશ્ર્નો પ્રત્યે નજરઅંદાજ તો ન જ થવાય. વ્યક્તિને જીવનની ગુણવત્તા સુધરે તેવી પરિસ્થિતિની આશા હોય, નહીં કે બહાર કરાતા માત્ર રંગરોગાનની.

સન ૨૦૧૧માં કરાયેલ એક સર્વે પ્રમાણે અહીંના લોકોનું સરેરાશ આયુષ્ય દેશના અન્ય સમૃદ્ધ લોકોના આયુષ્ય કરતા તેર વર્ષ જેટલું ઓછું હતું. અહીં હજુ પણ અપોષણતા અને પાણીજન્ય રોગોનું પ્રમાણ ઊંચું છે. એમ કહેવાય છે કે અહીં અસામાજિક પ્રવૃત્તિ તથા ગેંગ દ્વારા આચરવામાં આવતા ગુનાઓની માત્રા પણ વધુ છે. સ્થાપત્યમાં રંગ જીવનની ગુણવત્તા સુધારી ન શકે. એટલા માટે સ્થાપત્યમાં રંગને છેલ્લે ઉમેરાતા “સ્તર તરીકે ગણવામાં આવે છે.

રંગ ચોક્કસ અસર કરે, પણ સ્થાપત્યની તે મુખ્ય બાબત નથી. રંગથી અનુભૂતિ ઊભરે પણ સ્થાપત્યમાં ઉપયોગીતા અને સગવડતા મહત્ત્વના છે. રંગથી નથી થતો ઉપયોગીતામાં વધારો કે નથી થતો સગવડતામાં સુધારો થતો. રંગથી ભાવનાત્મક સંજોગો ઊભા કરી શકાય પણ જ્યાં મૂળભૂત બાબતોનો જ અભાવ હોય ત્યાં આ પ્રકારની ભાવના બાજુમાં રહી જાય. સ્થાપત્યમાં રંગ “વૈભવ છે, જરૂરિયાત નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button