શીના બોરાનાં હાડકાં અને અવશેષ ગુમ,હોવાની માહિતી સીબીઆઈ કોર્ટને અપાઈ
મુંબઈ: ચકચારભર્યા શીના બોરા કેસમાં પોલીસે રાયગઢથી તાબામાં લીધેલાં શીનાનાં કહેવાતાં હાડકાં અને અવશેષ ગુમ થઈ ગયા હોવાની માહિતી તપાસકર્તા પક્ષે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કોર્ટમાં આપી હતી.
મુંબઈના ભાયખલા સ્થિત સરકાર સંચાલિત જે. જે. હૉસ્પિટલના ફોરેન્સિક એક્સપર્ટ ડૉક્ટરની જુબાની દરમિયાન ગુરુવારે તપાસકર્તા પક્ષે કોર્ટને આ ચોંકાવનારી માહિતી આપી હતી.
કોર્ટ હાલમાં ફોરેન્સિક નિષ્ણાતની જુબાની નોંધી રહી છે. આ નિષ્ણાતે જ શીના બોરાનો મૃતદેહ જે સ્થળે બાળવામાં આવ્યો હતો એ ઘટનાસ્થળેથી પેણ પોલીસે 2012માં તાબામાં લીધેલાં હાડકાંનું સૌપ્રથમ પરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો : Sheena Bora Case: ‘ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી’ રિલીઝનો માર્ગ મોકળો, કોર્ટે સીબીઆઈની અરજી ફગાવી
પુત્રી શીના બોરાની કથિત હત્યાના કેસમાં માતા ઈન્દ્રાણી મુખર્જી મુખ્ય આરોપી છે. પોલીસ અનુસાર 24 વર્ષની શીનાની કથિત હત્યા એપ્રિલ, 2012માં થઈ હતી, જ્યારે 2015માં ડ્રાઈવર રિવોલ્વર સાથે પકડાયા પછી ઘટના પ્રકાશમાં આવી હતી.
વિશેષ સરકારી વકીલ સી. જે. નંદોડેએ ગુરુવારે કોર્ટમાં જણાવ્યું હતું કે પીડિતાનાં મૃતદેહનાં હાડકાં અને અવશેષો સાક્ષી (ફોરેન્સિક નિષ્ણાત) દ્વારા પરીક્ષણ કરાયાં હતાં. ઘણી શોધ છતાં તે મળતાં નથી.
નંદોડેએ કોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે સાક્ષીદારને સામગ્રી (હાડકાં અને અવશેષ) દાખવ્યા વગર પૂછપરછ કરવાની કાર્યવાહીને આગળ વધારવાની તપાસકર્તા પક્ષ ઇચ્છા ધરાવે છે, કેમ કે આ સામગ્રી અત્યારે મળી શકતી નથી.
સીબીઆઈ કોર્ટે વધુ પુરાવા નોંધવા માટે મામલો 27 જૂન પર મોકૂફ રાખ્યો હતો અને ફરિયાદ પક્ષની વિનંતી સામે પોતાને કોઈ વાંધો ન હોવાનું બચાવ પક્ષના વકીલે કહ્યું હતું. (પીટીઆઈ)