સંસદ સભ્ય રાહુલ શેવાળે બદનામી પ્રકરણ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત પ્રત્યેકને બે હજારનો દંડ
મુંબઈ: ભૂતપૂર્વ સંસદસભ્ય રાહુલ શેવાળેના બદનામી પ્રકરણમાં વિશેષ અદાલતે ગુરુવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સંસદસભ્ય સંજય રાઉત પ્રત્યેકને બે હજાર રૂપિયાના દંડની સજા ફરમાવી હતી. આ રકમ 10 દિવસમાં શેવાળેને સુપરત કરવી એવી સ્પષ્ટતા પણ અદાલતે કરી હતી. આ મામલે ન્યાયદંડાધિકારી દ્વારા બજાવવામાં આવેલા સમન્સ રદ કરવાની માંગણી માટે ઠાકરે અને રાઉતે વિશેષ અદાલતમાં અરજી કરી હતી. આ અરજી કરવામાં થયેલા વિલંબ બદલ માફી આપવાની માગણી બંને નેતાએ વિશેષ અદાલત સમક્ષ કરી હતી. વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ રાહુલ રોકડેએ ઠાકરે અને રાઉતની વિલંબ માફીની અરજી માન્ય રાખી હતી. જોકે, બંનેને બે બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો: ભાગવતની ટિપ્પણી બાદ શું વડા પ્રધાન મણિપુરની મુલાકાત લેશે: ઉદ્ધવ ઠાકરે
બંને નેતાઓએ કરેલા સ્પષ્ટીકરણ પરથી આ વિલંબ ઇરાદાપૂર્વક નહોતો કરવામાં આવ્યો એ સ્પષ્ટ થયું હતું. પરિણામે તેમની વિલંબ માફીની અરજી માન્ય રાખવામાં આવે છે એવી સ્પષ્ટતા અદાલતે કરી હતી. મહાનગર દંડાધિકારીએ ઠાકરે અને રાઉતની દોષમુક્તિની અરજી ફગાવી દીધી હતી અને બંનેને સમન્સ બજાવી અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. ઠાકરે અને રાઉત દ્વારા અદાલતના આ આદેશની પુનઃવિચારણા માટે વિશેષ અદાલતમાં અરજી કરવામાં આવી અને મહાદંડાધિકારીનો આદેશ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.