મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો લહેરાશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આત્મવિશ્વાસ

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં અપેક્ષા કરતા ઓછા મત મળ્યા હોવા છતાં મુંબઈમાં મહાયુતિને મહાવિકાસ આઘાડી કરતા બે લાખ મત વધુ મળ્યા એ હકીકત છે. પરિણામે ચૂંટણી ગમે ત્યારે થાય, મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો ઝંડો લહેરાશે અને વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની સંખ્યા પણ વધશે એવો આત્મવિશ્વાસ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે વ્યક્ત કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીનો વિજય આભાસી હોવાની ટિપ્પણી શ્રી ફડણવીસે કરી હતી.
આ પણ વાંચો: મોદીની કેબિનેટમાં એનસીપીને સ્થાન નહીંઃ અજિત પવારે કરી મોટી માંગણી, ફડણવીસે કરી સ્પષ્ટતા
મુંબઈ પદવીધર (ગ્રેજ્યુએટ) મતદારસંઘના ભાજપના ઉમેદવાર કિરણ શેલારના પ્રચાર માટે વાંદરા સ્થિત રંગશારદા સભાગૃહમાં વિજય સંકલ્પ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફડણવીસ ઉપરાંત મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર, વિધાનસભ્ય અતુલ ભાતખળકર, પ્રવીણ દરેકર, માજી સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, મનોજ કોટક વગેરે ઉપસ્થિત હતા.
આ પણ વાંચો: કામ કરો, રાજીનામાની વાત છોડોઃ દેવેન્દ્ર ફડણવીસને પક્ષનો આદેશ
ચૂંટણી પરિણામોનું પૃથક્કરણ કરતા શ્રી ફડણવીસે જણાવ્યું હતું કે ભાજપને થયેલું મતદાન મોસમી વરસાદ જેવું છે. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યમાં ઓછો વરસાદ થયો અને ઓડિશા, મધ્ય પ્રદેશ તેમજ આંધ્ર પ્રદેશમાં વધુ પડ્યો અને જનતાએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા. બંધારણ બદલી નાખવામાં આવશે એવા અપપ્રચારને કારણે દેશમાં 76 અને મહારાષ્ટ્રમાં 13 બેઠક ઓછી મળી. મહાવિકાસ આઘાડી કરતા 0.30 ટકા મત ઓછા મળવાથી ચૂંટણીનું અંકગણિત બગડી ગયું ને અપેક્ષા કરતાં ઘણી ઓછી બેઠકો મળી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મરાઠી લોકોના મત નથી મળ્યા અને આદિત્ય ઠાકરેના વરલી વિધાનસભા મતવિસ્તારમાં ફક્ત છ હજાર મતની સરસાઈ મળી છે. ઠાકરેએ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કરેલા ભાષણોમાં હિન્દુ ભગિની, બંધુ અને માતાઓ એવો ઉલ્લેખ કરવાનું છોડી દીધું છે. હિન્દુ હૃદયસમ્રાટ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ જનાબ ઠાકરે તરીકે કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર મહિનાથી જેમના પગ પકડી રહ્યા હતા એમના મત ઠાકરે જૂથના ઉમેદવારોને મળ્યા છે. આમ મહાવિકાસ આઘાડીનો વિજય આભાસી છે. જોકે, ઈતિહાસમાંથી પાઠ ભણીને જ આગળ વધવાનું હોય છે.’