ગુજરાતમાં શહેરો અને ગામડાંના માથાદીઠ ખર્ચમાં 74 ટકાનો તફાવતઃ સર્વે
અમદાવાદઃ એક તો મોંઘવારી અને તેમાં પણ શહેરના ખર્ચા. સામાન્ય આવક જ નહીં પણ સારી એવી આવક ધરાવતા પરિવારો માટે પણ સારું જીવન જીવવું અને થોડી બચત કરવી અશક્ય છે. આજકાલ ગ્રામ્ય જીવન પણ એટલું સસ્તુ અને સહેલું નથી રહ્યું, પરંતુ શહેરી જીવન ખૂબ જ અઘરું અને મોંઘુ થતું જાય છે. આ સાથે જરૂરિયાતો અને મોજશોખ વચ્ચે ઝાઝો ફરક રહ્યો નથી. આથી સરેરાશ મધ્યવર્ગીય પરિવારો પણ ગજ્જા બહારનો ખર્ચ કરી રહ્યા છે. એક સર્વે અનુસાર ગુજરાતના લોકો ખાવાપીવા માટે જ કુલ ખર્ચના 46 ટકા ખર્ચી નાખે છે.
ગુજરાતના ગામડાઓમાં રહેતા લોકો એક મહિનામાં થતાં પરિવારના કુલ ખર્ચમાંથી 49 ટકા અને શહેરોમાં રહેતા લોકો 42 ટકા ખર્ચ ભોજન પાછળ કરે છે. ગામડાંમાં કુલ માથાદીઠ ખર્ચ રૂ. 3,798 અને શહેરોમાં રૂ. 6,621 છે. બંને વચ્ચે 74 ટકાનો તફાવત છે. ગુજરાતીઓ એક મહિનામાં થતા કુલ ખર્ચમાંથી સરેરાશ 46 ટકા ખર્ચ ભોજન પાછળ કરે છે.
નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ) દ્વારા કરવામાં આવેલા પારિવારિક ખર્ચ-વપરાશ સરવે 2022-23 મુજબ રાજ્યમાં ગામડાંમાં લોકો ભોજનમાં થતાં કુલ ખર્ચમાંથી સૌથી વધુ 25 ટકા દૂધ પાછળ અને શહેરોમાં સૌથી વધુ 26 ટકા ખર્ચ ઠંડા-પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ પાછળ કરે છે. શહેરોમાં શિક્ષણનો માસિક માથાદીઠ ખર્ચ રૂ. 352 છે, જ્યારે ગામડાંમાં માત્ર રૂ. 74 છે. ગુજરાતનો સરેરાશ માથાદીઠ ખર્ચ દેશની સરેરાશ ટકાવારી કરતાં ઓછો છે. દેશનાં શહેરોમાં સરેરાશ માથાદીઠ ખર્ચ રૂ. 6,459 અને ગામડાંમાં રૂ. 3,773 છે.
ખેતી કરતા પરિવારનો માસિક ખર્ચ ઓછો હોવાનું પણ તારણ આવ્યું છે. ગુજરાતમાં ગામડાંના એક પરિવારમાં એક મહિનામાં 8 કિલો અનાજનો વપરાશ થાય છે. જેની કિંમત રૂ. 174 છે. જ્યારે શહેરમાં એક પરિવાર 7 કિલો અનાજ વાપરે છે અને તેની પાછળ રૂ. 240 ખર્ચે છે. શહેરોની સરખામણીમાં ગામડાંમાં જુવાર, બાજરી, મકાઇ વધુ ખવાય છે. ગામ઼ડાંઓમાં ખેતી ક્ષેત્રે કામ કરતા પરિવારનો ખર્ચ બિનખેતી ક્ષેત્રે કામ કરતાં પરિવારથી ઓછો છે. જ્યારે શહેરોમાં નિયમિત નોકરી કરતાં સ્વરોજગાર મેળવતા પરિવાર વધુ ખર્ચ કરે છે. છૂટક કામ કરી મજૂરી કરતા પરિવાર સૌથી ઓછો ખર્ચ કરે છે. દેશનાં 18 મોટાં રાજ્યના પરિવારોમાં ઓગસ્ટ 2022થી જુલાઇ 2023 દરમિયાન આ સરવે કરવામાં આવ્યો હતો.