નિલેશ વાઘેલા
મુંબઇ: યુએસ બોન્ડ યીલ્ડમાં વધુ ઘટાડો થવાને કારણે ભારતીય બોન્ડ માર્કેટ પર પણ નકારાત્મક અસર જોવા મળી છે. ભારતીય શેરબજાર પર પણ અમેરિકન બોન્ડની હિલચાલની સીધી પરંતુ વિરોધાભાસી અસર જોવા મળે છે.
બોન્ડ માર્કેટમાં શુક્રવારના પ્રારંભમાં ટ્રેડિંગમાં, ભારતીય સરકારના બોન્ડની ઉપજમાં ઘટાડો જોવા મળ્યો હતો. આગામી સપ્ટેમ્બરમાં અમેરિકાના વ્યાજદરમાં કાપની અપેક્ષાને કારણે યુએસ ટ્રેઝરી યીલ્ડમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારતના બેન્ચમાર્ક 10-વર્ષના બોન્ડની ઉપજ સવારે 10:00 વાગ્યા સુધીમાં 6.9779% હતી, જે તેના અગાઉના બંધ 6.9872% કરતા સહેજ ઓછી હતી. આ ટ્રેન્ડ આગળ ચાલુ રહેવાની ધારણા છે.
અગાઉ જણાવ્યા અનુસાર શેરબજાર પર પણ આ વધઘટની અસર રહે છે. હાલ અફડાતફડીનો માહોલ છે, જેમાં બજારમાં પ્રારંભિક ઘટાડા બાદ સહેજ સુધારો જોવા મળ્યો હતો. નિષ્ણાતો માને છે કે, નજીકના ગાળામાં બજાર રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે કારણ કે બજેટ સુધી કોઈ મોટા ટ્રિગર્સ નથી અને કોર્પોરેટ પરિણામ આખા બજારનો ટ્રેન્ડ બદલી ના શકે.
હાલ વેલ્યુએશન ઊંચું હોવાથી, ખાસ કરીને વ્યાપક બજારમાં, કોઈપણ નોંધપાત્ર ઉછાળો આવશે તો વિદેશી ફંડો તરફથી વેચવાલીનો મારો ફરીથી શરૂ થશે. એ જ રીતે, જો બજારનો ટ્રેન્ડ નેગેટિવ બનશે અને બજાર ગબ્દશે તો સ્થાનિક નાણાંકિય સંસ્થાઓ અને રિટેલ રોકાણકારો બાય ઓન ડીપ્સ વ્યૂહરચના અપનાવશ તાજેતરના સત્રોમ બજારમાં આ જ સ્ટ્રેટેજી જોવા મળી રહી છે અને તે ખૂબ સારી રીતે કામ કરી રહી છે. આને પરિણામે જ બજારમાં અફડાતફડી જોવા મળે છે.
ટુંકા ગાળામાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત આંતરપ્રવાહ, ખાસ કરીને એસ આઈ પી રૂટ દ્વારા, અને રિટેલ રોકાણકારોની ખરીદી માટેની આતુરતા જોતા કહી શકાય કે કોઈપણ ઘટાડો બજારને ગબડાવી નહિ શકે અને રિટેલ રોકાણકારોની લેવાલી બજારને સ્થિતિસ્થાપક રાખશે.
બજારના નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યા છે કે રોકાણકારોએ હવે મધ્યમથી લાંબા ગાળાનો દૃષ્ટિકોણ લેવો જોઈએ અને વાજબી મૂલ્ય ધરાવતા લાર્જકેપ પર ધ્યાન કેન્દ્રિત કરીને બજારમાં રોકાણ કરવું જોઈએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને