વેપાર

ડૉલર સામે રૂપિયો સાત પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા હોવા છતાં, ગઈકાલે અમેરિકાનાં ફુગાવાનાં ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી તેમ જ ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખતાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આગળ ધપતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાત પૈસા ઘટીને ૮૩.૫૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૮ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૫૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૫ અને ઉપરમાં ૮૩.૫૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાત પૈસા ઘટીને સત્રના નીચા ૮૩.૫૫ના મથાળે બંધ રહ્યો હતો.

આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો રેન્જ બાઉન્ડ રહેશે અને જો ડૉલર ઈન્ડેક્સ ઘટીને ૧૦૩ની સપાટીની અંદર જશે તો રૂપિયાને ૮૩ના મથાળાનો ટેકો મળશે અને તે પૂર્વે રૂપિયો ૮૩.૨૦થી ૮૩.૭૫ની રેન્જમાં અથડાતો રહેશે, એમ એલકેપી સિક્યોરિટીઝના કૉમૉડિટી અને કરન્સી એનાલિસ્ટ અને વાઈસ પ્રેસિડૅન્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button