મેટિની

કોન્ટ્રોવર્સી વિશે લતાદીદીની કેફિયત

ફિલ્મનામા -નરેશ શાહ

લતાદીદી પંડિત નરેન્દ્ર શર્મા સાથે, લતાદીદી સાથે શંકર-જયકિશન

સૂરોનું એ આખું બ્રહ્માંડ જયારે પંચમહાભૂતમાં ભળી ગયું છે ત્યારે આપણી પાસે માત્ર એટલું જ આશ્ર્વાસન છે કે, લતાદીદી તેના હજારો ગીતથી કાયમ, આપણા અંતિમ શ્ર્વાસ સુધી આપણી સાથે ગૂંથાયેલા રહેવાના છે. લતા મંગેશકર આપણા ભારતરત્ન હતા પણ સંગીતની દુનિયાના કોહિનૂર હતા, છે અને રહેશે… પણ એ ય સચ્ચાઈ છે કે લેજન્ડની લાઈફમાં વિવાદ, મનમંટાવ, સાચી ખોટી અફવા અને ધારણાંઓનું એક પડળ વળગેલું રહે છે. લતાદીદી પણ તેમાંથી બાકાત નહોતાં. સંગીતકારો – ગાયક – ગાયિકાઓ સાથેના તેમના વિવાદ જે તે સમયે કાયમ બે્રકીંગ ન્યુઝ બન્યાં હતા અને લતાદીદીના કરોડો ચાહકો-ભાવકો સુધી માત્ર એ વિવાદની હેડલાઈન જ પહોંચી પરંતુ એ દરેક કોન્ટ્રોવર્સી બાબતે લતાદીદીનો પોઈન્ટ ઓફ વ્યૂ ક્યારેય સ્પષ્ટપણે પ્રગટ થયો નથી. દાખલા તરીકે, એવું કહેવાતું રહ્યું હતું કે – ગાયિકા સુમન કલ્યાણપુરની કારકિર્દી ખતમ કરવામાં લતાદીદીનો મોટો ફાળો હતો. લતાદીદીનું આ વિશે શું કહેવું હતું ? લેખક પત્રકાર યતિન્ મિશ્રએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી સુમન મંગેશકર વિષ્ો પૂછી લીધેલું ત્યારે લતાદીદીનો જવાબ હતો : ઉસકે (સુમન કલ્યાણપુર) ગાને સે ઐસા હી લગતા થા કી, જૈસે લતા હી ગા રહી હો વો લડકી બહુત અચ્છી થી… મતલબ કે એમાં કોઈ શંકા નથી કે એ સુરીલી હતી અને ભલી સ્ત્રી હતી… પણ પછી તેની ગાયિકી એટલે (ખારિજ) રિજેકટ થઈ ગઈ કારણકે તેનો અવાજ મારા જેવો જ હતો.

ગરીબ સંગીતકારો અને નિર્માતા – નિર્દેશકની લતા મંગેશકર ગણાતાં ગાયિકા સુમન કલ્યાણપુર વિશે લતાદીદી સ્વીકારી ચૂક્યાં છે ક તેના એક-બે નહીં; ઘણા બધા ગીત સરસ છે, જે મને સાંભળવા ગમે છે (પણ) મને એ વાતનો અફસોસ છે કે તેનો અવાજ સરસ હતો પરંતુ તેને નિખારવા અને અલગ અંદાઝમાં ડેવલપ કરવામાં તેણે ધ્યાન ન આપ્યું… જો સુમન કલ્યાણપુર એવું કરી શકી હોત તો તે પણ એક અલગ અને મોટો મુકામ બનાવી શક્ત. સત્યમ શિવમ સુન્દરમના ગીતો લખનારાં પંડિત નરેન્દ્ર શર્માને લતાદીદી પિતાતુલ્ય જ માનતાં હતા તો સંગીતકાર મદનમોહન અને ગાયક મુકેશ તેમના માટે મદન ભૈયા અને મુકેશ ભૈયા જ હતા. સચિન તેંડુલકર લતાદીદીને પોતાના પુત્ર લાગતાં. અમિતાભ બચ્ચન, યશ ચોપરા, રાજ કપૂર માટે તેમને વિશેષ્ા લાગણી હતી તો દિલીપકુમાર લતાદીદીને બહેન માનતાં હતા પણ લતાદીદીને સચિનદેવ બર્મન, શંકર જયકિશન અને મોહમ્મદ રફી જેવા દિગ્ગજો સાથે એવી ટસલ થઈ ગઈ હતી કે તેમણે અમુક વરસો સુધી તેની માટે યા તેમની સાથે ગીતો ગાવાનું બંધ કરી દીધું હતું. ( ઓ.પી. નૈય્યરસાહેબ સાથેની વાત તમે અહીં જ વાંચી ચૂક્યાં છોે) હવે જયારે લતાદીદી દેહ સ્વરૂપે નામશેષ્ા થયો છે ત્યારે એ વિવાદ, મનમોટાવ, ઝઘડાં અને ગેરસમજણો વિશે ખુદ લતાદીદીએ પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ ર્ક્યો હતો (જેની ખબર બહુ ઓછાં લોકોને છે), તેની વાતો જ કરવી છે.

શંકર-જયકિશન સાથે થયેલાં મતભેદ વિષ્ો પૂછતાં લતાદીદીએ કહેલું કે, એ મતભેદ નહોતો પણ ઝઘડો હતો એ વરસે ‘ચોરી ચોરી’ ફિલ્મ માટે શંકર જયકિશનને શ્રેષ્ઠ સંગીતકાર તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળવાનો હતો એટલે જયકિશનજીએ લતાજીને રિક્વેસ્ટ કરી કે તમે ચોરી ચોરી ફિલ્મનું ગીત રસિક બલમા ગીત એવોર્ડ ફંકશનમાં ગાવ કારણકે અમને એ જ ગીતની ધૂન માટે એવોર્ડ મળવાનો છે… જો કે લતા મંગેશકરે એમ કરવાની ના પાડી કારણકે (૧૯પ૬માં) ફિલ્મફેર માત્ર સંગીતકારોને જ એવોર્ડથી સન્માનિત કરતું હતું, ગાયક અને ગીતકારને નહીં… એવોર્ડ તમને સંગીત માટે મળવાનો છે તો તમે (રસિક બલમા ગીતની) ધૂન વગાડી લેજો. મારી શું જરૂર છે તમારે… લતાદીદીએ કહ્યું : બસ, મારી આ વાતથી જયકિશન અને મારી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.

ગાયક અને ગીતકારને થતાં આ અન્યાયની રજૂઆત લતાદીદીએ ટાઈમ્સ ગ્રૂપના જૈનને પણ કરેલી એટલે ૧૯પ૮થી ફિલ્મફેરે ગાયક અને ગીતકારને એવોર્ડ આપવાનું શરૂ કરેલું અને પ્રથમ એવોર્ડ લતાદીદીને (આજા રે પરદેશી, ફિલ્મ : મહેલ) અને ગીતકાર તરીકે શૈલેન્દ્રને (યે મેરા દિવાનાપન હૈ – ફિલ્મ : યહુદી) આપવામાં આવ્યો હતો.

સચિનદેવ બર્મન સાથે વિવાદ નહીં પણ ગેરસમજ એવી થયેલી કે લતાદીદીએ વરસો સુધી તેમના માટે ગાયું નહોતું. થયેલું એવું કે ‘મિસ ઈન્ડિયા’ ફિલ્મ માટેનું એક ગીત લતાદીદીએ ગાયું હતું પણ બર્મનદાને લાગ્યું કે આ ગીતમાં વધ મીઠાશ જરૂરી હોવાથી એ ગીત ફરી રેકોર્ડ કરીએ… લતાદીદી એ માટે તૈયાર હતા પણ રેર્કોડિંગ થોડા દિવસ પછી રાખવાનું કહ્યું. ત્રણ-ચાર દિવસ પછી રેકોર્ડિગની તારીખ નક્કી કરવા માટે બર્મનદાએ માણસ મોકલ્યો. લતાદીદીએ તેને પણ કહ્યું કે વ્યસ્તતા હોવાથી થોડા દિવસ રેર્કોડિંગ ટાળી દો… આ વ્યક્તિએ બર્મનદાને જઈને એવું કહ્યું કે લતાદીદી ફરીથી રેર્કોડિંગ માટે ના પાડે છે. આ સાંભળીને બર્મનદાદાએ કહ્યું કે, ભવિષ્યમાં હું ક્યારેય લતા સાથે કામ નહીં કરું લતાદીદી કહે છે : મેં પણ ફોન કરીને એમને કહી દીધું કે, આપ નાહક પરેશાન થઈ રહ્યાં છો, દાદા. હું પણ તમારા માટે હવે ક્યારેય નહીં ગાઊં એ પછી રાહુલદેવ બર્મન પોતાની પહેલી ફિલ્મ છોટે નવાબ માટે લતાદીદી પાસે ગાવાની ઓફર લઈને ગયા. પુત્ર સાથે તો લતાદીદીને કોઈ ટસલ નહોતી એટલે તેઓ ગીત ગાવા માટે તૈયાર થયા એ પછી… પંચમદા અને બિમલ રોયે વચ્ચે પડીને અમારી વચ્ચેની ગેરસમજ દૂર કરી અને મેં ફરીથી બર્મન દાદા માટે ગાવાનું (મોરા ગોરા અંગ લઈ લે – ફિલ્મ બંદિની) શરૂ ર્ક્યું.

ગાયકોને પણ રેર્કોડિંગ કંપનીઓએ રોયલ્ટી આપવી જોઈએ – એ માટે લતાદીદીએ લડત ચલાવેલી ત્યારે બધા તેમની સાથે સહમત હતા પરંતુ મોહમ્મદ રફી અને (દિગ્દર્શક-નિર્માતા) રાજકપૂરે તેનો વિરોધ કરેલો. જો કે લતાજીને લાગે છે કે રફીસાહેબ કદાચ, મિસ ગાઈડ થયા હતા પણ એ વખતે તેણે વરસો સુધી મોહમ્મદ રફી સાથે ગાયું નહોતું. એ પછી સચિનદેવ બર્મન વચ્ચે પડયાં અને તેમની જ એક લાઈવ કોન્સર્ટ (૧૯૬૭)માં રફી-લતાદીદીએ જ્વેલ થીફનું ‘ગીત દિલ પુકારે આ રે, આ રે’ સાથે ગાયું હતું અને એ જ કોન્સર્ટમાં ઓફિશ્યલી એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી કે હવે લતા-રફી સાથે ગીતો ગાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button