પીડા ભોગવતા કવિ – સંગીતકાર
દેવ - દિલીપ - રાજના શાસનમાં ગ્લેમર વિહીન ભારત ભૂષણે ઘણી ફિલ્મોમાં વેદનાગ્રસ્ત કલાકારની ભૂમિકા ભજવીને જબરી નામના મેળવી હતી. આજે ૧૪ જૂનના ભારત ભૂષણની જન્મ જયંતી છે એ અવસરે એમની સફળ ફિલ્મોની ઝલક
હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે માત્ર પ્રતિભા કામ નથી લગતી. ભાગ્ય – નસીબ સાથ આપે એ જરૂરી હોય છે. ભારત ભૂષણ જેવા એક્ટર-અદાકાર એનું વિશિષ્ટ ઉદાહરણ છે.
હિન્દી ફિલ્મઉદ્યોગમાં કોઈ એક પાત્રમાં કલાકાર હિટ થાય પછી એ જ પાત્રમાં એને ફિટ બેસાડી દેવાની ઘેલછા વર્ષોથી જોવા મળી છે. ભારત ભૂષણ અહીં પણ ફિટ બેસે છે. જે દોરમાં દેવ આનંદ – દિલીપ કુમાર અને રાજ કપૂરના નામના સિક્કા પડતા હતા એ કાળમાં ભારત ભૂષણે પોતાની અલાયદી જગ્યા બનાવી કામ અને દામ અને હા, નામ સુધ્ધાં મેળવ્યાં. અલબત્ત, અહીં સ્પષ્ટપણે કહેવું જોઈએ કે એમની સફળતામાં એક્ટિંગ કરતાં વધુ ભાગ સુપરહિટ ગીત – સંગીતનો રહ્યો છે.
એક જાણવા જેવી રસપ્રદ વાત એ છે કે ભારત ભૂષણે ઘણી ફિલ્મોમાં પીડા ભોગવતા કવિ કે સંગીતકારની ભૂમિકા સાકાર કરી. એ સમયના દોરમાં સંઘર્ષ કરતા વર્ગને એમાં પોતાનો ચહેરો દેખાયો. આ તત્ત્વ અને અફલાતૂન ગીત – સંગીતનું મેળવણ ભારત ભૂષણનું દહીં સરસ જમાવી શક્યું એ હકીકત સ્વીકારવી જ રહી. કેટલાક ઉદાહરણ પરથી આ દલીલનું વજૂદ સ્પષ્ટ થઈ જશે. એક નજર નાખો ભારત ભૂષણની કેટલીક યાદગાર ફિલ્મો જેમ કે બૈજુ બાવરા (તાનસેનને સંગીતના દ્વંદ્વમાં હરાવનાર ગાયક), મિર્ઝા ગાલિબ (બહાદુરશાહ ઝફરના સમયના અદભુત શાયર), બસંત બહાર (છળકપટનો સામનો કરતો ગાયક), કવિ કાલિદાસ (સંગીતજ્ઞ), બરસાત કી રાત (સંઘર્ષ કરતો કવિ), સંગીત સમ્રાટ તાનસેન (અકબરના દરબારના નવરત્નમાનું એક રત્ન), રાની રૂપમતી (સુલતાનનું સંતાન પણ હૃદય કવિનું), શબાબ (સંગીતકાર) ભારત ભૂષણના નામ સાથે એ હદે વણાઈ ગઈ કે એ રોલમાં બીજા કોઈ અભિનેતાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આજે ભારત ભૂષણની જન્મ જયંતી છે એ અવસરે એમના આ પાસાને જાણીએ.
બૈજુ બાવરા: વિજય ભટ્ટની અવિસ્મરણીય ફિલ્મમાં ભારત ભૂષણ સ્વામી હરિદાસ પાસે સંગીત શીખી અકબરના દરબારમાં નવરત્ન સમ્રાટ તાનસેનને સંગીત મુકાબલામાં પરાસ્ત કરનાર ગાયક અને ગૌરીના વિહવળ પ્રેમીના રોલમાં છે. અલબત્ત, આ ફિલ્મના બધા પાસા (વાર્તા, અભિનય, દિગ્દર્શન ઇત્યાદિ) એક પલડામાં મૂકો અને બીજા પલડામાં એના ગીત – સંગીત મૂકો તો બીજું પલડું નમી જાય. એના ગીત – સંગીત આજે પણ રસિકોના હૈયામાં સચવાઈને પડ્યા છે. બૈજુ દર્શકોની અનુકંપા મેળવવામાં સફળ રહે છે.
બસંત બહાર: બૈજુ બાવરાના ચાર વર્ષ પછી આવેલી આ ફિલ્મ હકીકતમાં વિજય ભટ્ટની ફિલ્મને ટક્કર આપવાના ઈરાદાથી બનાવવામાં આવી હતી. ફિલ્મની કથા અનુસાર રાજ જ્યોતિષ (ઓમ પ્રકાશ)ની ઈચ્છા છે કે દીકરો બાપાના પગલે જ ચાલે, પણ દીકરા ગોપાલ (ભારત ભૂષણ)ને હાથની રેખા કરતા ગળાના સૂરમાં વધુ દિલચસ્પી છે. પછી બને છે એવું કે એક છળકપટમાં ગોપાલ ગળું ગુમાવી દે છે, પણ મિત્ર ગોપી (નીમી) એને ફરી ગાતો કરી દે છે. ફિલ્મમાં નવ ગીત છે અને રિલીઝ થઇ ત્યારે ‘ગીતો વચ્ચે ફિલ્મ’ એવું વર્ણન એના વિશે થયું હતું. આશ્ર્ચર્યની વાત એછે કે ભરચક ઓર્કેસ્ટ્રા સાથે ગીતો તૈયાર કરવા માટે પંકાયેલી શંકર – જયકિશનની જોડીએ શાસ્ત્રીય શૈલીના અવિસ્મરણીય ગીતો આપ્યાં છે. ફિલ્મ
ભાગ્યે જ કોઈને યાદ હશે, ગીત – સંગીત ચિરંજીવી છે.
બરસાત કી રાત: ‘જિંદગીભર નહીં ભૂલેંગે વો બરસાત કી રાત, એક અંજાન હસીના સે મુલાકાત કી રાત’, ‘ના તો કારવાંકી તલાશ હૈ’, ‘ગરજત બરસત સાવન આયો રે’, ‘યે ઈશ્ક ઈશ્ક હૈ’, ‘મુજે મિલ ગયા બહાના તેરી દીદકા’ – સાહિર લુધિયાનવી અને રોશનની જુગલબંધીએ એવો જાદુ પાથર્યો કે આવી દિલને ઉલાળા મારતું કરી દે એવી લવસ્ટોરીમાં ભારત ભૂષણ જેવા પથ્થર ચહેરાને કેમ લીધો એવી ફરિયાદ કોઈએ કરી નહીં. રીમઝીમ વરસાદની કાળી અંધારી રાત્રે પાણીમાં ભીંજાયેલી પરી (મધુબાલા)ની હાજરીમાં પણ ભારત ભૂષણ એક સેન્ટિમીટર પણ રોમેન્ટિક નથી લાગતા. એમાંય ‘હાય વો રેશમી ઝુલ્ફોંસે સરકતા પાની, ફૂલ સે ગાલોંપે રુકનેકો તરસતા પાની’ પંક્તિઓમાં મધુબાલા લીલાછમ મેદાનનો અને ભારત ભૂષણ સૂકા ભઠ રણનો અહેસાસ કરાવે છે. ફિલ્મમાં ભારત ભૂષણ કવિ સંઘર્ષ કરતા અમન હૈદરાબાદીનારોલમાં છે.
રાની રૂપમતી: ફિલ્મની વાર્તા અનુસાર બાઝીદખાન ઉર્ફે ‘બાઝબહાદુર’ (ભારત ભૂષણ) છે તો સુલતાનનું સંતાન, પણ એને રાજપાટ કે યુદ્ધકલામાં નહીં, સંગીત કળામાં રસ છે. તેનો મોટાભાગનો સમય દરબારમાં નહીં, પણ ઉસ્તાદ સાથે રિયાઝ કરવામાં વ્યસ્ત થાય છે. યુદ્ધ માટેના કહેણને અવગણી બાઝીદ ખાન સંગીત સાધનામાં જ રચ્યોપચ્યો રહે છે. એક દિવસ શિકારે નીકળ્યો હોય છે ત્યાં અનાયાસે એની મુલાકાત મેવાડની રાણી રૂપમતી સાથે થાય છે અને બંને એકબીજાના ગળાના પ્રેમમાં પડે છે. સંગીત પ્રેમનું નિમિત્ત બને છે. વાર્તામાં પછી ઘણી ઊથલપાથલ થાય છે, પણ ફિલ્મના ગીત – સંગીત ભાવકને મુગ્ધ કરી દે છે. ફિલ્મના ડિરેક્ટર એસ. એન. ત્રિપાઠી જ સંગીતકાર છે અને ગીતકાર છે ભરત વ્યાસ. ફિલ્મની સ્ટોરી જ નહીં, ફિલ્મનું નામ પણ આજે વિસરાઈ ગયું છે, પણ એના મધુર ગીત – સંગીત આજે પણ ચિત્તને પ્રસન્ન કરી દે એવા છે. ‘આ લૌટ કે આજા મેરે મીત’, ‘જહાં જહાં બાજે પાયલિયા’, ‘બાત ચલત નયી ચુનરી રંગ ડારી’ જરૂર સાંભળી જોજો.
મિર્ઝા ગાલિબ: ગઝલની દુનિયાના પ્રદેશમાં એવરેસ્ટથી પણ ઊંચા શિખર પર બિરાજમાન મિર્ઝા ગાલિબની ઓળખ ‘નામ હી કાફી હૈ’ જેવી છે. વિધિની વક્રતા કહો કે બીજું કોઈ નામ આપો, હકીકત એ છે કે અભિનયમાં પાતાળ પ્રદેશમાં વિહરતા ભારત ભૂષણ અને ૧૦૦ માળની ઈમારતમાં ૧૦૧મા માળ પર ઠાઠથી બિરાજતા નસીરુદ્દીન શાહ એ બંને કલાકારેમિર્ઝા ગાલિબનુંપાત્ર ભજવ્યું છે. એટલે ભારત ભૂષણની ‘મિર્ઝા ગાલિબ’નો ઉલ્લેખ કરતી વખતે વાત ગીત – સંગીતથી શરૂ થાય અને ગીત – સંગીત પર જ પૂરી થાય. ફિલ્મમાં ‘દિવાન – એ – ગાલિબ’માંથી ગઝલો લેવામાં આવી છે અને શકીલ બદાયૂંનીની કલમની કમાલ પણ છે. ‘દિલ – એ – નાદાન’ તુજેહુઆ ક્યા હૈ’, ‘નુક્તાચીં હૈ ગમ – એ – દિલ ઉસકો સુનાયે ના બને’, ‘યે ના થી હમારી કિસ્મત કે વિશાલ – એ – યાર હોતા. અગર ઔર જીતે રેહતે, યહીં ઈંતેઝાર હોતા’ દિલને વૃંદાવન બનાવી દેવાની તાકાત ધરાવે છે.
કવિ કાલિદાસ: ઘમંડી અને તુમાખી સ્વભાવની રાજકુમારી વિદ્યોત્તમા અને પ્રેમિકા પુષ્પાવલી વચ્ચે ઝોલા ખાતા કવિ કાલીનું પાત્ર એ હદે દયનીય હતું કે કોઈને પણ એને માટે અનુકંપા જાગે.
હાવભાવ વગરનો ચહેરો ધરાવતા ભારત ભૂષણ એ રોલ માટે પરફેક્ટ હતા. જોકે, આ ફિલ્મનાં ગીતો યાદગાર નથી, પણ એ સમયે રસિકોનો આવકાર મળ્યો હતો. આ ફિલ્મના ગીતો જોશો તો ખ્યાલ આવશે કે મુફલિસના વેશમાં હોય કે રાજાના, ભારત ભૂષણના ચહેરા પરના ભાવમાં રતીભાર ફરક નથી દેખાતો. તેમ છતાં દેવ-દિલીપ-રાજના જમાનામાં પણ એમની જબરી ડિમાન્ડ હતી એ હકીકત છે.