શબ્દને ખોળવા એણે વીસ-વીસ વસંતો વ્યય કરી
ટૂંકી વાર્તા -પ્રો. ડૉ. કરુણા ત્રિવેદી
જૂના જમાનાની વાત છે.
ગાંધાર પ્રદેશના મણિપુર નગરના ભવ્ય અને વિશાળ સભાગારમાં નૃત્યાંગનાનાં ઘૂંઘરુંના દ્રુત – લલિત નાદના પડછંદા ગૂંજી રહ્યા છે. એ નૃત્યાંગના છે ઉર્વશી. નગરના રસિકજનો મંત્રમુગ્ધ થઈ એકીટસે એને નિરખી રહ્યા છે. ઘડીક થિરકતાં કમનીય ચરણો પર તો ઘડીક વિભ્રમો વિલસાવતા મનોહારી મુખકમલ પર સૌ કોઈની નજરો વળી વળી ઉમડી રહી છે.
ઉર્વશએ ગયે વર્ષે જ સોળ વસંતો વટાવી લીધી છે, વસંતોત્સવના જનપદીય નૃત્ય મહોત્સવમાં વીજળી શી તેજીલી ગતિએ નાચતી ઉર્વશી અનુપમ અને અવર્ણનીય નૃત્યકૌશલ્ય દર્શકોનાં મન – હૃદયને જીતી લીધા છે. ઉપસ્થિત માનવમાત્રના મનમંદિરની તે આરાધ્યા બની ચૂકી છે.
વસંતના વૈભવને પ્રગટ કરતા ને ચિરયૌવનનો નાદ જગાવતા સારંગ રાગના સુમધુર અને કર્ણપ્રિય સ્વરો સાથે વાદ્ય-વાજિંત્રો અજબનો સંવાદ સાધી રહ્યા છે અને તમામ સૂરતાલના શોરને ઢાંકી દેતી પ્રેક્ષકોની તાળીઓની ગૂંજ વાતાવરણને કોઈ ગજબની માદકતાથી ભરી રહી છે.
નિર્ણાયકોએ ઉર્વશીને ગાંધાર સામ્રાજ્યની સર્વશ્રેષ્ઠ નૃત્યાંગના ઘોષિત કરી ત્યારે તો તાળીઓનો ગડગડાટ આકાશને આંબે એટલો ઊંચે ચઢ્યો. સૌ કોઈ ભાવવિભોર હતા. જિંદગીની એક મહામૂલી તકનો આસ્વાદ પોતાને કોઈ પુણ્યબળે હાંસલ થયો હોય એવી ધન્યતાની ભરી ભરી લાગણી સૌના ચહેરા પર લહેરાઈ રહી હતી.
સૌ દર્શકો પોતે માણેલી અનુપમ ક્ષણોની મધુરતાને મમળાવી રહ્યા હતા ત્યારે ઉપસ્થિત મેદનીમાં આવેલા પ્રદેશ સમસ્તના કલાકારો એ ક્ષણોને શાશ્ર્વત રૂપ બક્ષવા અધીરા બની ગયા હતા.
ઉર્વશીના અલૌકિક અભિવાક ચિત્રકારોએ એ રૂપને પોતાના ચિત્રફલક પર અવતારવા સતત કોશિશ કરી પણ પોતે જ પોતાને નાપાસ ગણી પીંછીઓ પછાડી. સુદક્ષ શીલ્પીઓએ સંગેમરમર પર ઉર્વશીની અંગભંગિઓને ઉપસાવવાની મથામણ ટાંકણાં તોડયાં. કુશળ કવિઓએ ઉર્વશીના મનમોહક માર્દવને કાવ્યપંક્તિઓમાં કંડારવા જતાં તૂટેલી કલમોના ગંજ ખડકયા. કોઈપણ કલાધર ઉર્વશીની દિવ્યોજ્જવલ દેહદષ્ટિ અને તેમાં પાંગરેલી કલાવેલીને પોતાના કોઈપણ ફલક પર સાકાર ન કરી શક્યા તે ન જ કરી શક્યા.
ઉર્વશીની કોમલ કમનીય કાયા, એ કાયાના કણેકણમાં કોરી ઊઠેલું કુંદન શું ઉજ્જવલ રૂપ, પોયણીની પાંદડીઓ સમી એની સ્નિગ્ધ ત્વચા, ચંપાના ફૂલ જેવો દમકતો શ્ર્વેત – ધવલ વર્ણે, દાડમના દાણા જેવી પાણીદાર અણિયાળી સુરેખ દંતપંક્તિ, શુક્ર જેવી તેજ નાસિકા, સંતરાની પેશી શા રક્તિમ સુવાસિત અધર, આઠમના ચંદ્ર સમું તેજે તગતગતું લલિત ઉન્નત લલાટ, મૃણાલ શાં વિશાળ અને ચકળવકળ ઘૂમતાં નયનો, હરિણી શી સહેજ સાજ કંપતી ચંચળ ચિબૂક, ગાગરની ગ્રીવા જેવી કટિ, કદલી જેવા સુડોળ – પુષ્ટ અને થરથરતા નિતંબ, કમલદલ શા લાલચટક ચરણો – વસંતના પગલે મ્હોરી ને મહેંકતી વનશ્રી જેવી ભરપૂર સમૃદ્ધ એવી ઉર્વશીની હસ્તીને કોઈ પણ માધ્યમમાં ઉતારવાનું ઘણું ઘણું દુષ્કર હતું.
સૌ દર્શકોના મનમાં એક જ પ્રશ્ર્ન રમતો હતો. આવી અજોડ રૂપસુંદરી કોના ભાગ્યમાં લખાઈ હશે?
મણિપુર નગરમાં તો આજે કોઈ અનેરો ઉત્સવ હતો. નગરનું પાદર જાણે માનવીઓનો મહેરામણ બની ગયું હતું. મધ્યમાં રચવામાં આવેલું નૃત્યાંગણ સૂરજમુખીના ફૂલની જેમ આછાપીળા અને રક્તશ્ર્વેત રંગથી દીપતું હતું. મૃદંગ, વીણા, ભલ્લરી, મુરલી આદિ વાદ્યોના મધુર સ્વરોના ગુંજન દર્શકોના દિલ ડોલાવતાં હતાં.
આજે મણિપુર નગરની શ્રેષ્ઠ સુંદરી ઉર્વશીનું “વરણ હતું. આજે તે પોતાનો જીવનસાથી પસંદ કરવાની હતી.
વર્ષોવર્ષ “વરણ માટે આવા વિશેષ સમારંભો મણિપુરમાં યોજાતા હતા. આ સમારંભોમાં અવિવાહિત તરુણ-તરુણીઓ રમતાં અને નાચતાં – ગાતાં, નૃત્ય કરતી તરુણી પોતાના મનગમતા યુવકના ગળામાં પુષ્પહારની સાથે પોતાના બે બાહુઓ આરોપી દેતી. યુવકને જો તે યુવતી પસંદ હોય તો પોતાની સ્વીકૃતિ દર્શાવવા તે યુવક એને બંને હાથથી ઊંચી લઈ નૃત્યાંગણથી બહાર આવતો આ “વરણ પરસ્પરની સંમતિથી થયેલું ગણાતું અને પછીના કોઈ શુભ મુહૂર્તમાં બંનેની વાગ્દાન – વિધિ થતી.
નૃત્યાંગણના નાયકે ગગનભેદી શંખ વગાડ્યો કે તરત જ કેટલાંય યુવક-યુવતીઓ એકી સાથે વાદ્યોના તાલ સાથે પગની ઠુમકનો તાલ મેળવી નાચવા લાગ્યાં. દર્શકોની આતુરતા વધે જ જતી હતી.
એકાએક કાશ્યપના ગળામાં પુષ્પનો હાર નાખી તેની સુપુષ્ટ ગરદનની આસપાસ બે બાહુ વીંટાણી ઉર્વશી એની વિશાળ છાતી પર લટકવા લાગી અને એ જ ક્ષણે કાશ્યપે પણ પોતાના સુદીર્ધ સુદૃઢ બાહુઓથી ઉર્વશીને કમરમાંથી ઉંચકી લીધી. તાળીઓનો ગડગડાટ થયો. બંને નૃત્યાંગણની બહાર આવ્યાં.
કાશ્યપ ચાર દિવસ પહેલાં જગુરુકુળમાંથી પાછો ફર્યો હતો. આખા ય ગામમાં તેની વિદ્વત્તાની છાપ અને ધાક હતાં. વ્યાકરણનો એ ધૂરંધર પંડિત હતો. વક્તાના રૂપમાં તેણે અનેક શાસ્ત્રાર્થોમાં ભાગ લીધો હતો અને કેટલાય વિદ્વાનોના દાંત ખોટા કર્યા હતા.તેના ગુરુ વૈદેહિ અનેક વખત પોતાના આશ્રમનો પૂરેપૂરો ભાર તેને સોંપીને સ્વયં દેશાટન માટે નીકળી જતાં. કાશ્યપના પિતા કાકાયને અને તેના પિતામહ વિષ્ણુ શર્મા પણ વ્યાકરણના ખૂબ જ ખ્યાતનામ પંડિતો હતા.
હમણાં ચાર દિવસ પહેલાં જ નગરમાં તે અધ્યયન બાદ પાછો આવ્યો ત્યારે આખા ગામે ઉમળકાથી તેનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. વડીલોએ તેની પીઠ થાબડીને ધન્યવાદ. સાથે કહ્યું કે, “વત્સ, તેં આપણા નગરનું નામ ઉજાળ્યું.
નૃત્ય સમારંભ સમાપ્ત થયો હતો. સૌ ઘરે ગયા, રાત્રીનો બીજો પ્રહર પણ વીતી ગયો હતો. બધા જ ગાઢ નિદ્રામાં હતા. બીજે દિવસે પ્રાત:કાળનાં કિરણો ફૂટયાં ન ફૂટયાં, ત્યાં તો પનઘટની વાતો ગામમાં ફેલાઈ ગઈ. આશ્ર્ચર્યમુગ્ધ ચહેરાઓ ઉપર પ્રશ્ર્નોના વંટોળ ચઢયા અને ઉર્વશીએ સાંભળ્યું, ત્યાં તો એ પણ એવી તો તડપવા લાગી, જાણે કે રણમાં ફેંકાયેલી પાણી વગરની માછલી, કાશ્યપ એકાએક ક્યાં જતો રહ્યો? કેમ જતો રહ્યો? માત્ર બે દિવસ પછી તો પાણિગ્રહણનું શુભ મુહૂર્ત હતું, તો એ મને આમ મધદરિયે મૂકીને ક્યાં ગાયબ થઈ ગયો?
તે અર્ધપાગલની જેમ આંસુ સારતી કાશ્યપને ઘેર પહોંચી તો તેને જાણવા મળ્યું કે રાત્રીના ચોથા પ્રહરમાં આચાર્ય વૈદેહીના આશ્રમમાંથી બે શિષ્યો આવ્યા હતા. તે શિષ્યો કાશ્યપને આશ્રમમાં પાછો લઈ ગયા. આચાર્ય વૈદેહીનો આદેશ હતો કે કાશ્યપ જેમ બને તેમ જલદીથી આશ્રમમાં આવે, એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના આવે.
આશ્રમમાં પહોંચતાં જ, પટાંગણમાં બેઠેલાં આચાર્ય વૈદેહીને કાશ્યપે શ્રધ્ધાપૂર્વક પ્રણામ કર્યાં.
‘અળ્રૂૂશ્ર્રૂપળણ ધમ’ આચાર્ય વૈદેહીએ આશિષ આપી અને કહ્યું કે વત્સ, તને આશ્ર્ચર્ય તો થયું જ હશે કે એકાએક તને અહીં શા માટે બોલાવ્યો! વસ્તુત: હું તારા ઉપર ખુબ જ પ્રસન્ન છું. કાલે સવારે મેં યોગાભ્યાસથી જાણ્યું કે લોકો તને પુષ્પમાળાઓ પહેરાવતા હતા, તારો જયજયકાર બોલાવી રહ્યા હતા અને તું પણ હાથી ઉપર બેસીને બધાને આશીર્વાદ આપતો હતો. આ બધું જોઈને મને પરમ આનંદ થયો. પણ સમાધિના અંતે ઝડપથી ઊભા થઈ મેં તારી જન્મપત્રી જોઈ તો એવું લાગ્યું કે એ દૃશ્ય એક દિવસ જરૂર સાચું ઠરશે. તારી જન્મપત્રી મુજબ આજે જ એ દિવસ અને શુભ મુહૂર્ત છે. તું ગામે ગામ, જનપદ જનપદ ફરીને પ્રચલિત શબ્દોને એકત્ર કરજે. તે શબ્દોની ઉત્પત્તિ, વિકાસ આદિનો લાંબી હકીકતવાળો પૂર્ણ ઈતિહાસ મેળવજે. જાઓ, અત્યારે જ શુભ મુહૂર્તમાં જાઓ, નહીં તો મારી અભિલાષાઓના ટુકડે ટુકડા થઈ જશે.
કાશ્યપ આશ્ર્ચર્યથી સ્થંભવત ઊભો રહ્યો. તેનાં મનમાં ઉર્વશીની યાદની આંધી ચઢી.
કાશ્યપે કંઈક કહેવા પ્રયત્ન કર્યો કે…
“આચાર્ય યાદ… પછી તે આગળ ન બોલી શક્યો.
“વત્સ, હા – ના કરવાનો આ સમય નથી. અત્યારે જ પ્રસ્થાન કરો. જાઓ. કાશ્યપે નમીને પ્રણામ કર્યાં.
“રુયમળશ્ર્નટજ્ઞ ક્ષધ્ઠળ આચાર્ય પાદે કાશ્યપને આશીર્વાદ આપ્યાં. સાથે સાથે એમની આંખો પણ પ્રસન્નતાથી સજળ બની.
ચાલી નીકળ્યા, એટલે ચાલી નીકળ્યા.
કાશ્યપ કાર્ય-સિધ્ધિ માટે એકલો આગળ વધ્યો. બે ચાર માસમાં જ તેના ઉપર દુ:ખના ડુંગરો ખડકાયા. ક્યાંક ઘટાટોપ જંગલોમાં, ક્યાંક વમળોથી ઉભરાતી નદીમાં તરાપા ઉપર, ક્યાંક વેરાન બિહામણા પ્રદેશોમાં તેણે રાતો ગુજારી. ભયંકરમાં ભયંકર સંકટોનો એકલે હાથે સામનો કર્યો. આમને આમ રખડપટ્ટીમાં તે ગામે ગામ, જનપદ, નદીનાળા, પહાડો, જંગલો, રણપ્રદેશો વગેરે પાર કરતો નિરંતર આગળ વધતો જ ગયો. સિંહલથી કામરૂપ સુધી હિમાચલથી ક્ધયાકુમારી સુધી. બધે જ ઘૂમી વળ્યો.
ક્યારેક ક્યારેક તેને પોતાના ઘરની યાદ આવતી. વસંતોત્સવમાં નૃત્ય કરતી ઉર્વશી આંખોમાં તરવા લાગતી, પણ ગુરુનો આદેશ ફરી તેને આગળ વધવા માટે પ્રેરણા આપતો.
દસ વર્ષના અવિરામ દેશાટન પછી બીજાં દસ વર્ષ સુધી હિમગીરીની ગોદમાં બેસીને તે એકત્ર કરેલી સામગ્રીનું સંકલન કરતો ગયો. કાશ્યપ આ કાર્યમાં એટલો તો મગ્ન રહેતો કે તેને તનમનની પણ સુધબુધ ન રહેતી.
તેણે સૂત્રો બનાવીને ગણપાઠ પધ્ધતિનો આવિષ્કાર કર્યો. શબ્દોના અર્થને ઘટાડવા, વધારવા, સંકુચિત કરવા અને વિસ્તૃત કરવાવાળી શબ્દશક્તિ અથવા વૃત્તિનું રહસ્ય ખોલ્યું. અનિયમિત શબ્દોને નિયમિત કર્યાં. અશુદ્ધને શુદ્ધ કર્યા અને એક એવું ‘અષ્ટાધ્યાયી’ વ્યાકરણ તૈયાર કર્યું કે તેને જોઈને સૌ કોઈ કાશ્યપની પ્રશંસા કરતા.
એ વખતે પંડિતોની પરીક્ષા મગયમાં થતી, કારણ કે મગધ જ એકમાત્ર આખા ભારતવર્ષમાં વિશાળ સામ્રાજ્ય હતું. બાકીનાં બીજાં નાનાં મોટાં ગણ રાજ્યો હતાં અને તેથી એક દિવસ કાશ્યપ મગધ રાજ્યની રાજ્યસભામાં ઉપસ્થિત થઈ ગયો. જ્યાં દુનિયાને ખૂણે ખૂણેથી વિદ્વાનો જમા થયા હતા. રાત – દિવસ શાસ્ત્રાર્થો ચાલુ રહેતા. પરીક્ષાઓ થયા જ કરતી. કાશ્યપના ગ્રંથ – ‘અષ્ટાધ્યાયી’ની પણ પરીક્ષા થઈ. પંડિતો અવાચક બન્યા.
એ મહાન વ્યાકરણી કાશ્યપને મગધ રાજ્યના પ્રજાજનો ભગવાન પાણિનિ કહેવા લાગ્યા. કાશ્યપ અથવા ભગવાન પામિનિને મગધ સમ્રાટે પોતાના રાજ્યનો એક ભાગ અર્પણ કર્યો. ૫૦ હાથી, ૪૦૦ ઘોડા, ૧૦૦૦ ગાય અને ૧૦૦ માણસોને તેની સેવામાં લગાડી દીધા. આમ દશે દિશાઓમાં કાશ્યપની યશ: કૌમુદી ફેલાવા લાગી. ગ્રંથના પ્રચાર માટે દેશવિદેશ દૂતો મોકલવામાં આવ્યા.
કાશ્યપ થોડો સમય મગધમાં રહ્યો, પછી તેનું મન ત્યાં ન રહ્યું. સમ્રાટ પાસે તેણે પોતાના મનની વાત કહી છે. હવે હું મારે નગર મણિપુર જવા માગું છું. ૨૧ વર્ષ થઈ ગયાં હતાં.
રાજાએ હસતા મુખે વિદાય આપી. જ્યાં જ્યાં ભગવાન પાણિનિનો પડાવ થતો, ત્યાં ત્યાં માનવ મહેરામણ કીડીયારાની જેમ ઊભરાતો અને દરેક જણ ભગવાન પાણિનિનાં દર્શન કરી કૃત્ય કૃત્ય થતા. ચાલતાં ચાલતાં કાશ્યપ એક દિવસ સંધ્યા ટાણે પોતાને નગર મણિપુર પહોંચી ગયો. પળવારમાં તો આખું મણિપુર ભેગું થઈ ગયું.
અજાણ્યા ચહેરાઓ જ વધારે, જાણીતા ઓછા, તો પણ તે બધાંને જ મળતો રહ્યો અને ખબર અંતર પૂછતો રહ્યો. અચાનક એકાએક આવેગમાં, આધેડ અવસ્થાને ઉંબરે ઉભેલી એક પ્રૌઢાએ કાશ્યપને બાહુમાં ભીડયો ને ત્યારે એ પ્રૌઢાની આંખમાંથી અશ્રુના ધોધ વહી રહ્યા હતા.
“ઉર્વશી… તું…? કાશ્યપનો કંઠ ગદ્ગદ્ થતો રૂંધાઈ ગયો. પાંપણો પણ પલળી ગઈ, ટપટપ આંસુ ટપકવા લાગ્યાં અને તેણે પ્રૌઢાને બાહુમાં ભીડી લીધી.
કાશ્યપે ઝડપથી પોતાના હાથે લખેલી ‘અષ્ટાધ્યાયી’ કાઢી અને ઉર્વશીના કરકમળમાં અર્પણ કરી. ઉર્વશીએ તેના મુખ-પૃષ્ઠ ઉપર પોતાનું સોળ વર્ષની ઉંમરનું વસંતોત્સવના નૃત્યનું ચિત્ર જોયું. ચિત્ર જોતાં જ તે ભાવાવેગમાં ગદ્ગદ્ થઈ ગઈ. તેનું મન આનંદની પરમ સીમા પર પહોંચી ગયું. રૂંવાટે રૂંવાટું નાચવા લાગ્યું. તેનો ચહેરો લાલ લાલ થઈ ગયો, અને તેને લાગ્યું કે છેલ્લાં વીસ વર્ષથી કાશ્યપ પોતાના વિરહમાં એ ચિત્રમાં રંગ પૂરતો જ રહ્યો છે, રંગ… પૂરતો… જ રહ્યો… છે.