મોદી સરકાર NEETમાં ભ્રષ્ટાચારની તપાસ કેમ કરાવતી નથી ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભાજપના શાસનમાં શિક્ષણ જેવા પવિત્ર મનાતા ક્ષેત્રને પણ અભડાવી દેવાયું અને તેમાં પણ ગોટાળા, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ શરૂ થઈ ગઈ. ભાજપ શાસિત રાજ્યોમાં નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટે કે બોર્ડના પેપર ફૂટે એ તો સામાન્ય થઈ ગયું છે પણ બીજા પ્રકારની ગેરરીતિઓ પણ વ્યાપક થાય છે. ગુજરાત તો સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પેપર ફૂટવા માટે વગોવાઈ જ ગયું છે.
ભાજપ શાસનમાં થયેલી આવી જ એક ગેરરીતિમાં દેશની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-NEET)માં ભારે ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા. ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરી મનાતી ‘નીટ’માં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરીને વિદ્યાર્થીઓએ આખી પરીક્ષા જ ફરી લેવાની માગ કરી હતી. આ ભ્રષ્ટાચાર અને ગેરરીતિમાં સૌથી મોટો મુદ્દો ગ્રેસ માર્ક્સનો હતો.
NEET લેનારી કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ ૧૫૬૩ વિદ્યાર્થીને ગ્રેસ માર્ક્સ આપ્યા તેમાંથી ૭૯૦ વિદ્યાર્થી નીટ’માં પાસ થઈ ગયા અને એમબીબીએસ સહિતના કોર્સમાં એડમિશન માટે લાયક ઠર્યા હતા. એનટીએએ આ ૭૯૦ વિદ્યાર્થીને ગ્રેસ માર્ક્સ ના આપ્યા હોત હોત ‘નીટ’ પાસ ના કરી શક્યા હોત.
આ ગ્રેસ માર્ક્સ અને NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ સામે સુપ્રીમ કોર્ટમાં કેસ થયેલો. એનટીએ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે તેથી ગ્રેસ માર્ક્સના કૌભાંડના કારણે કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આક્ષેપ થયેલા. આબરૂ બચાવવા માટે કેન્દ્ર દ્વારા એવી દરખાસ્ત મૂકવામાં આવી હતી કે, ગ્રેસ માર્ક્સ મેળવનાર ૧૫૬૩ ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવામાં આવે અને ગ્રેસ માર્ક્સ વિના સ્કોરકાર્ડ આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર ૧૫૬૩ વિદ્યાર્થીઓને સાવ કોરાણે મૂકીને આખી વાતનો વીંટો વાળી દેવા માગતી હતી કે જેથી આ વિવાદ પર કાયમ માટે પડદો પડી જાય પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, આ ઉમેદવારોની હવે ૨૩ જૂને ફરી પરીક્ષા લેવામાં આવશે અને ૩૦ જૂન પહેલાં પરિણામ જાહેર કરવામાં આવશે કે જેથી જુલાઈમાં શરૂ થતા કાઉન્સેલિંગને અસર ન થાય. પહેલાં નક્કી કરેલી ૬ જુલાઈની તારીખથી તમામ બાળકોનું કાઉન્સેલિંગ એક સાથે થઈ શકે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે કે, પરીક્ષામાં બેસવા માંગતા ન હોય તેવા ઉમેદવારનું પરિણામ ગ્રેસ માર્ક્સ વિના જૂના સ્કોરકાર્ડના આધારે જ ગણવામાં આવશે.
સુપ્રીમ કોર્ટનો આદેશ યોગ્ય છે પણ આ વિવાદે સરકારમાં બેઠેલા લોકો કઈ રીતે લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં કરી શકે છે એ છતું કર્યું છે. મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટ (NEET UG) દેશભરમાં લેવાઈ હતી. ગુજરાતમાંથી અંદાજે ૮૦ હજાર જેટલા વિદ્યાર્થી અને દેશમાંથી ૨૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ટેસ્ટમાં ગેરરીતિ કરીને ૨૪ લાખ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે રમત કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટે ૧૫૬૩ વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લઈને હાલ પૂરતો વિદ્યાર્થીઓને થતો અન્યાય રોક્યો છે પણ માત્ર અન્યાય રોકવાથી ન્યાય ના થાય. દોષિતોને સજા પણ થવી જોઈએ અને એ માટે પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપવો જ પડશે. સુપ્રીમ કોર્ટમાં પરિણામને પડકારતી ૩ અરજીઓ પર સુનાવણી થઈ રહી હતી તેમં ત્રણ માગણીઓ કરવામાં આવી હતી. પહેલી માગણી એ છે કે, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ અથવા એક્સપર્ટ કમિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિના આરોપોની તપાસ કરાવી જોઈએ. વર્તમાન પરિણામો આધારિત કાઉન્સેલિંગ બંધ કરવું જોઈએ અનેNEETની પરીક્ષા રદ કરીને પરીક્ષા ફરીથી યોજવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો હતો તેથી આ મુદ્દો ત્યાં જ પતી ગયો છે. એ જ રીતે હવે ફરી પરીક્ષાનો મુદ્દો પણ રહેતો નથી પણ તપાસનો મુદ્દો ઊભો જ છે. આ તપાસ જરૂરી છે કેમ કે દેખીતી રીતે જ ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગે છે.
છેલ્લાં કેટલાંક વરસોમાં બોર્ડની પરીક્ષાનાં કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં પેપર ફૂટી જાય એ સામાન્ય થઈ ગયું છે પણ ‘નીટ’માં ગેરરીતિઓ થાય એ તો હદ થઈ ગઈ કહેવાય. ‘નીટ’ આપનારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ ડોક્ટર બનવા માગતા દેશના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ ગણાય છે ને તેમની જિંદગી સાથે રમત થાય એ અસહ્ય કહેવાય.
રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વકીલ વિવેક તનખાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, નીટની પરીક્ષામાં ૭૨૦માંથી ૭૨૦ માર્ક્સ મેળવનારા તમામ ૬૭ વિદ્યાર્થી ફરીદાબાદ વિસ્તારના છે. આ વાત સાચી હોય તો ગંભીર કહેવાય. એનટીએ દ્વારા બહાર પડાયેલા મેરીટ લિસ્ટ પ્રમાણે, ટોપ રેન્ક મેળવનારા ૬૭ વિદ્યાર્થીમાંથી ૬ વિદ્યાર્થી હરિયાણાના બહાદુરગઢના છે. મેરિટ લિસ્ટમાં ૬૮ અને ૬૯ રેન્ક ધરાવનારા બંને વિદ્યાર્થી પણ બહાદુરગઢના છે.
એક જ સેન્ટરમાંથી ૮ ટોપર આવ્યા છે એ તો એનટીએ પણ સ્વીકારે છે પણ બધા ૬૭ ફુલ માર્ક્સ મેળવનારા ફરીદાબાદ રીજિયનના હોય એવું બની શકે. ભ્રષ્ટાચાર કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે તેમને અલગ અલગ સેન્ટરોમાંથી પરીક્ષા અપાઈ હોય એ શક્ય છે તેથી તપાસ જરૂરી છે. એનટીએનો દાવો છે કે, તેણે તપાસ કરી છે પણ કશું શંકાસ્પદ મળ્યું નથી એનટીએ પોતે જ શંકાના દાયરામાં છે.
એનટીએ કેન્દ્ર સરકારનાં શિક્ષણ મંત્રાલયના તાબા હેઠળ આવે છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને નેતાઓએ ભ્રષ્ટાચાર કરીને ધનિકો અને વગદારો પાસેથી નાણાં લઈને તેમનાં સંતાનોને પાસ કરાવી આપવાનો ધધો કર્યો હોવાનું કહેવાય છે. આ ચર્ચામાં કેટલો દમ છે તેની તપાસ થવી જ જોઈએ અને જે પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેમને સજા પણ થવી જ જોઈએ.
આ સજા તો તપાસ થાય પછી થશે પણ એ પહેલાં મોદી સરકારે એનટીએના કારભારીઓને ઘરભેગા કરવા જોઈએ કે જેથી એક દાખલો બેસે કે ૨૪ લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરીને સરળતાથી છટકી ના શકાય. કમનસીબે મોદી સરકાર કોઈને સજા કરાવવાના મૂડમાં હોય એવું લાગતું નથી. મોદી સરકારે સામેથી આ ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં પણ રસ બતાવ્યો નથી એ જોતાં હવે સુપ્રીમ કોર્ટે જ ફરમાન કરવું પડે.