કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ
લખપત-રાપરમાં સાતથી દસ ઇંચ વરસાદ ક અનેક જળાશયો બીજી વાર છલકાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ઓગસ્ટ માસ કોરોધાકોર પસાર થઇ ગયા બાદ મેઘરાજાની લાસ્ટ ઇંનિંગ્સ કચ્છમાં પણ શરૂ થઇ છે અને છેલ્લા બે દિવસમાં કચ્છના લગભગ તમામ દસ તાલુકાઓમાં બેથી દસ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી જતાં અનેક જળાશયો બીજી વખત છલોછલ ભરાઈ જવા પામ્યાં છે અને ખેતીને લાગે વળગે છે ત્યાં સુધી શિયાળુ પાક માટે સાનુકૂળ સંજોગો ઊભા થવા પામ્યા છે. ભારે વરસાદથી એક પુલ ધોવાઈ જતાં નલિયાથી માતાના મઢ સુધીનો માર્ગ બંધ થયો છે, જયારે અબડાસા તાલુકાનો બીટા ડેમ ચાલુ ચોમાસાની મોસમમાં સતત બીજી વખત ઓવરફલો થયો છે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલી ત્રણ જેટલી વરસાદી સિસ્ટમને કારણે કચ્છના રણમાં પણ હળવું દબાણ ઊભું થવા પામ્યું છે જેના ઘેરાવા
હેઠળ ભુજ, ધોળાવીરા,ખાવડા અને નિરોણા સહિતના વિસ્તારો આવી જતાં કચ્છમાં સાંબેલાધાર વરસાદ થવા પામ્યો છે. ગણેશચતુર્થીના તહેવારને લઈને ઠેર-ઠેર ગોઠવાઈ
રહેલી ગણેશ દેવની મૂર્તિ અને તેના સ્થાપન માટે ઊભા કરાયેલા પંડાલો પર જાણે અભિષેક કરતા હોય તેમ મેઘરાજાએ અચાનક પોતાની હાજરી પુરાવી છે અને છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છના સીમાવર્તી લખપતમાં સાત ઇંચ, નખત્રાણામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જયારે ભુજમાં ચાર ઇંચ વરસાદ બુધવાર સવાર સુધી નોંધાયો હતો. તે સિવાયના કચ્છના અન્ય તાલુકાઓ ગાંધીધામ, મુંદરા, માંડવી, અંજાર વિસ્તારમાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. વિદાય લેતા ચોમાસા વચ્ચે આવી પડેલા આ વરસાદે પૂર્વ કચ્છના રાપર તાલુકામાં હલ્લાબોલ કર્યું હતું અને ત્યાં મંગળવારની રાત્રી સુધી દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે કચ્છમાં હજુ બે દિવસ વરસાદ થવાની સંભાવના છે પણ આજે બપોર બાદ કચ્છમાં કેટલાક સ્થળોએ ઉઘાડ થવા પામ્યો છે અને સૂર્યનારાયણ દેવે હાજરી પુરાવતાં તત્કાળ વરસાદ થાય તેવા કોઈ એંધાણ વર્તાતા નથી.