
નવી દિલ્હી: છેલ્લા ત્રણ દિવસોમાં એક પછી એક આતંકવાદી હુમલાને કારણે જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir terror attack) ધણધણી ઉઠ્યું છે, સેના અને પોલીસની સંયુક્ત ટીમો આતંકવાદીઓને ઠાર કરવા તપાસ અભિયાન ચલાવી રહી છે. આ મુદ્દે વડા પ્રધાન મોદીના મૌન અંગે વિપક્ષે પ્રહારો કર્યા હતા. એવામાં આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) એ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. વડા પ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
છેલ્લા ચાર દિવસમાં રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ આતંકવાદીઓએ હુમલા કર્યા હતા, જેમાં નવ તીર્થયાત્રીઓ માર્યા ગયા અને એક CRPF જવાન શહીદ થયો છે, સાત સુરક્ષા કર્મચારીઓ અને અન્ય ઘણા ઘાયલ થયા છે.
ગુરુવારની બેઠક દરમિયાન, વડા પ્રધાનને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા-સંબંધિત પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમને આતંકવાદ વિરોધી પ્રયાસો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Kathua terror attack: એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર, 1 CRPF જવાન શહીદ
બેઠક દરમિયાન, વડા પ્રધાન મોદીએ વરિષ્ઠ અધિકારીઓને ભારતની આતંકવાદ વિરોધી ક્ષમતાઓના સંપૂર્ણ તાકાત લગાવવા સુચન કર્યું હતું. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી વિશે પણ વાત કરી હતી.
રવિવારે, આતંકવાદીઓએ રિયાસીમાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર હુમલો કર્યો, જેમાં 9ના મોત થયા અને 41 ઘાયલ થયા હતા. બે દિવસ પછી, આતંકવાદીઓએ ડોડામાં સંયુક્ત ચેકપોસ્ટ પર હુમલો કર્યો, જેમાં છ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.
તે જ રાત્રે, કઠુઆ જિલ્લામાં અન્ય એક એન્કાઉન્ટરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નો એક જવાન શહીદ થયો હતો.
બુધવારે સાંજે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના કોટા ટોપ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની ગોળીબારની ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.