આમચી મુંબઈ

નાશિકમાં કાંદાના વેપારીઓની બેમુદત હડતાળ

લીલામી બંધ કરી: પ્રધાને આકરી કાર્યવાહીની આપી ચેતવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાશિકમાં કાંદાના વેપારીઓ દ્વારા બુધવારે એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં કાંદાનું લિલામ બંધ પાડવામાં આવ્યું હતું અને પોતાનું આંદોલન બેમુદત ચલાવવાની ચિમકી ઉચ્ચારી હતી. તેને પગલે રસોડાના મહત્ત્વના ખાદ્યપદાર્થની અછત સર્જાવાની તેમ જ કાંદાના ભાવમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ રાજ્યના માર્કેટિંગ ખાતાના પ્રધાન અબ્દુલ સત્તારે કહ્યું હતું કે લિલામ બંધ પાડવું એ યોગ્ય નથી.

નાશિક ડિસ્ટ્રિક્ટ ઓનિયન ટ્રેડર્સ એસોસિયેશનના એક પદાધિકારીએ બુધવારે કહ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકારના કાંદા પરની એક્સપોર્ટ ડ્યૂટી વધારીને ૪૦ ટકા કરવા સામે આંદોલન કરી રહ્યા છે. એક્સપોર્ટ ડ્યૂટીમાં કરવામાં આવેલો વધારો ૩૧ ડિસેમ્બર સુધી અમલી છે.

એક્સપોર્ટ ડ્યુટીમાં કરવામાં આવેલા વધારાના નિર્ણય સામે અમે આંદોલન કરી રહ્યા છીએ અને અમે નક્કી કર્યું છે કે કાંદાનું લિલામ નાશિક જિલ્લાની બધી જ એપીએમસીમાં બેમુદત બંધ રાખવામાં આવશે. કાંદા પર વધારી નાખવામાં આવેલી એક્સપોર્ટ ડ્યૂટીનો નિર્ણય કાંદાની નિકાસને જ મુશ્કેલ નહીં બનાવે, તેનાથી કાંદાના પરિવહનમાં પણ મુશ્કેલીઓ વધશે અને તેનાથી ખેડૂતોને ભારે નુકસાન થશે, એમ આ પદાધિકારીએ કહ્યું હતું.

બીજી તરફ આ મુદ્દે બોલતાં રાજ્યના માર્કેટિંગ ખાતાના પ્રધાન અબ્દુલ સત્તારે કહ્યું હતું કે કાંદાનું લિલામ બંધ પાડીને આંદોલન કરવાનો નિર્ણય યોગ્ય નથી.

સહકાર ખાતાના અને માર્કેટિંગ ખાતાના સચિવો આ મુદ્દે ચર્ચા કરશે અને નિયમ મુજબ લિલામ હાથ ધરશે. નાશિક જિલ્લાના કલેક્ટર આવશ્યક કાર્યવાહી કરશે, એમ પણ તેમણે કહ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે કાંદાની સૌથી મોટૂી માર્કેટ લાસલગાંવ સહિત નાશિક જિલ્લાની મોટા ભાગની એપીએમસીમાં કાંદાનું લિલામ ૨૦ ઑગસ્ટે પણ બંધ રહ્યું હતું અને કેન્દ્રીય પ્રધાન ભારતી પવારના હસ્તક્ષેપ બાદ આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

ગયા મહિને થયેલા આંદોલન વખતે વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારે નાફેડના માધ્યમથી કાંદાની ખરીદી કરવાનું પોતાનું વચન પાળ્યું નહોતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને કાંદાના લિલામમાં સરકારે જાહેર કરેલી રૂ. ૨૪૧૦ પ્રતિ ક્વિટંલ કરતાં ઓછી કિંમત આપવામાં આવી હતી.

અમે ૧૯ સપ્ટેમ્બર સુધીનો સમય સરકારને આપ્યો હતો, પરંતુ હજી સુધી અમારી માગણી અંગે કોઈ નિર્ણય લેવાયો ન હોવાથી અમે બેમુદત લિલામ બંધ કરવાનો નિર્ણય લીધો છે, એમ પદાધિકારીએ કહ્યું હતું.

એક્સપોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવા ઉપરાંત અન્ય માગણીઓમાં માર્કેટ ફીમાં પચાસ ટકાનો ઘટાડો, નાફેડ અને એનસીસીએફ દ્વારા લિલામમાં કાંદાની ખરીદી અને કાંદાના પરિવહનમાં પચાસ ટકાની સબસિડીનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button