આમચી મુંબઈ

નિપાહ વાઇરસ માટે એલર્ટ

કેરળમાં બે જણનાં મૃત્યુ બાદ મહારાષ્ટ્ર સરકાર પણ સાવધ

મુંબઈ: કેરળમાં ‘નિપાહ’ વાઇરસની બિમારીથી બે જણ મૃત્યુ પામ્યા પછી મહારાષ્ટ્ર સરકાર પણ સાવધ થઈ છે. રાજ્ય સરકારે બુધવારે ‘નિપાહ’ વાઇરસ બાબતે ‘એલર્ટ’ની જાહેરાત કરી હતી. એ સાથે મહાનગર પાલિકાઓ અને જિલ્લા હૉસ્પિટલોમાં આ પ્રકારની બિમારીના કોઈપણ લક્ષણો જોવા મળે તો તબીબી નિયમોનું પાલન કરીને તબીબી ઉપચારોની વ્યવસ્થા અને રોગ નિયંત્રણના પગલાં લેવાની સૂચનાઓ ડિરેક્ટોરેટ ઑફ હૅલ્થ તરફથી આપવામાં આવી છે. ‘નિપાહ’ વાઇરસના ચેપ બાબતે સાવચેતી જાળવતાં રાજ્ય સરકારે કેટલાક પગલાં લીધાં છે. ‘નિપાહ’ના ચેપ જેવી બિમારીઓ બાબતે દરેક સ્તરે સર્વેક્ષણની જરૂરિયાત ડિરેક્ટોરેટે દર્શાવી છે. નિપાહ વાઇરસ સૌપ્રથમ વર્ષ ૧૯૯૮માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ભારતમાં સિલિગુડીમાં વર્ષ ૨૦૦૧માં અને પશ્ર્ચિમ બંગાળમાં વર્ષ ૨૦૦૭માં આ વિષાણુ ફેલાયાં હતાં. બંગલાદેશમાં દર વર્ષે આ વિષાણુનો ચેપ જોવા મળે છે.

નિપાહ વાઇરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે. ચામાચીડિયાએ અડધાં ખાધેલાં ફળો હાથમાં પકડતાં અથવા ખાવાથી આ બિમારી થાય છે. ભૂંડ કે બીજાં પાળેલાં પશુઓને પણ આ બિમારી લાગુ થઈ શકે છે. વર્ષ ૧૯૯૮માં મલેશિયામાં મોટાભાગે ભૂંડ-ડુક્કર પાળનારાઓને આ બિમારીનો ચેપ લાગ્યો હતો. માણસોને નિપાહનો ચેપ લાગી શકે છે. નિપાહના ચેપવાળા દર્દીઓની સારવાર કરતા તબીબી કર્મચારીઓ અને સગાંને પણ તેનો ચેપ લાગી શકે છે. ચામાચીડિયાના મોઢાની લાળ કે અન્ય સ્ત્રાવોથી દૂષિત ખજૂરના ઝાડનો રસ પીવાથી પણ આ વિષાણુનો પ્રસાર થાય છે.

નિપાહના ઇન્ફેક્શનના લક્ષણો: નિપાહની બિમારીમાં તાવ આવવા ઉપરાંત શરીરનો દુખાવો, ખૂબ ઊંઘ આવવી, માનસિક બેચેની, બેભાન થઈ જવું વગેરે લક્ષણો જોવા મળે છે. આ બિમારીના ચેપમાં મૃત્યુનું પ્રમાણ ૪૦થી ૭૦ ટકા જેટલું છે.

સારવાર: નિપાહના ચેપની કોઈપણ વિશિષ્ટ દવા નથી. રૉબવિરિન નામની ઍન્ટિ-વાઇરલ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં મુખ્યત્વે લક્ષણોના આધારે ઉપચાર મદદરૂપ નીવડે છે.

નિદાન: આ બિમારીના નિદાન માટે આરટીપીસીઆર પદ્ધતિએ ગળા, નાકના પ્રવાહી, મૂત્ર, લોહી વગેરે નમુનાની તપાસ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલોજીમાં કરવામાં આવે છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button