મોંઘવારી એક વર્ષના તળિયે
નવી દિલ્હી: છૂટક ફુગાવો મે મહિનામાં એક વર્ષના સૌથી નીચલા સ્તર એટલે કે 4.75 ટકા પર પહોંચ્યો હોવાના આનંદના સમાચાર આવ્યા છે. રસોડામાં વપરાશમાં લેવાનારી અનેક સામગ્રીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું બુધવારે સરકારે જાહેર કરેલા આંકડામાં જોવા મળ્યું છે.
છૂટક ફુગાવા પર આધારિત ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) એપ્રિલ મહિનામાં 4.83 ટકા હતો જ્યારે મે મહિનામાં 4.31 ટકા હતો.
ખાદ્ય પદાર્થોનો ફુગાવો મે મહિનામાં 8.69 ટકા હતો, જે એપ્રિલમાં 8.70 ટકા હતો, એમ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
હેડલાઈન ફુગાવામાં ફેબ્રુઆરીથી ક્રમિક આધુનિકીકરણની અસર જોવા મળતાં ફેબ્રુઆરીમાં 5.1થી આ દર ઘટીને એપ્રિલમાં 4.8 ટકા થયો હતો.
સરકારે રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાને સીપીઆઈ ફુગાવો ચાર ટકાની અંદર રહે તે માટે આવશ્યક પગલાં લેવાની જવાબદારી સોંપી છે, જેમાં બંને તરફ બે ટકાની છૂટછાટ રાખવાની જોગવાઈ છે.
આ પહેલાં મહિનાના પ્રારંભે આરબીઆઈએ 2024-25 માટે સીપીઆઈ ફુગાવો 4.5 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી, જેમાં પહેલા ત્રિમાસિક ગાળામાં 4.9 ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં 3.8 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4.6 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 4.5 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. (પીટીઆઈ)