લાલ કિલ્લા પર આતંકી હુમલાના આરોપીની ફાંસીની સજા યથાવત; રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવી
નવી દિલ્હી: 24 વર્ષ પહેલા લાલ કિલ્લા પર ઉમલો (Red Fort Terror Attack) કરવાના કેસમાં દોષી સાબિત થયેલ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આરીફ (Mohammad Arif) ઉર્ફે અશફાક દ્વારા કરવા આવેલી દયા અરજીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ફગાવી દેવામાં આવી છે. અધિકારીઓએ આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે 25 જુલાઇ 2022 બાદ પદભાર ગ્રહણ કર્યા બાદ આ બીજી દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ તેમની સજા પર પુનર્વિચારની અરજીને ફગાવી દીધી હતી અને તેની ફાંસીની સજાને યથાવત રાખી છે.
જો કે હાલ પણ નિષ્ણાતોનું માનવું છે કે ફાંસીની સજા મળેલ આતંકી હજુ પણ બંધારણની કલમ 32 મુજબ તેની સજામાં થયેલ વિલંબના કારણે તેની સજા ઘટાડવા માટેની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 15 મેના રોજ આરીફની દયા અરજી મળી હતી અને 27 મેના રોજ તેને રાષ્ટ્રપતી દ્વારા ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ સજાને યથાવત રાખતા કહ્યું હતું કે આરીફના પક્ષે એવું કોઈ સાક્ષી નથી કે જેના આધારે તેના અપરાધની ગંભીરતા ઘટી શકે.
આ પણ વાંચો: એક તરફ કાશ્મીરમાં આતંકી હુમલાઓ અને બીજી તરફ કાશ્મીર પંડિતો કેમ જઈ રહ્યા છે કાશ્મીર ?
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે લાલ કિલ્લા પર કરવામાં આવેલો હુમલો દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે સીધો પ્રહાર હતો. આ હુમલામાં ઘૂસણખોરોએ 22 ડિસેમ્બર 2000ના રોજ લાલ કિલ્લાના સંકુલમાં તૈનાત 7 રાજપૂતાના રાઈફલ્સના એક યુનિટ પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે 3 સેનાના જવાનો શહીદ થયા હતા. આ હુમલાના ચાર દિવસ બાદ દિલ્હી પોલીસે આરીફ, પાકિસ્તાની નાગરિક અને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT)ના સભ્યની ધરપકડ કરી હતી.
સુપ્રીમ કોર્ટે તેના 2022ના આદેશમાં કહ્યું હતું કે, ‘અપીલ કરનાર આરોપી મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાક પાકિસ્તાની નાગરિક હતો અને તેણે ગેરકાયદેસર રીતે ભારતીય વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.’ આરિફને અન્ય આતંકવાદીઓ સાથે મળીને હુમલાનું કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને ઓક્ટોબર 2005માં ગૌણ અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ત્યારપછીની અપીલોમાં આ નિર્ણયને યથાવત રાખ્યો હતો.