બોલો, વાસણ ઉપર લઈ જવાશે?!
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
‘હું ઊકલી જાઉં પછી મારી પાછળ આપણાં કુટુંબને શોભે એવાં વાસણો વહેંચજો અને એમાં લાડવા પણ મૂકજો…’ ; મંછીબાએ ઘરના સભ્યોને કહ્યું. મંછીબાનો મજાકિયો દીકરો બોલ્યો : ‘બા, નહીં વહેંચશું તો શું તને સ્વર્ગમાંથી કાઢી મૂકશે?’ તો બીજો બોલ્યો : ‘બા, હવે જમાનો બદલાઈ ગયો છે. એ બધામાં હું તો માનતો નથી. ખાલી ખોટા ખર્ચા શું કરવાના?!’
આ સાંભળીને મંછીબા ભડકયાં : ‘જોયા મોટા મોર્ડન અને સુધરેલા! તમારાથી નહીં થવાનું હોય તો હું મારા મૃત્યુની વિધિ બ્રાહ્મણ પાસે કરાવીને જ જાઉં…!’
વાત ગંભીર થયેલી જોઈને દીકરાએ હસતાં હસતાં કહ્યું : ‘બા, અમે તો આજથી જ રોજ લાડવા, પૂરી, શિખંડ, રસ, ખાજા જેવાં તને ભાવતાં જાતજાતનાં મિષ્ટાનો બનાવીને ખાવાનાં અને બધાને ખવડાવવાનાં…’
મંછીબા જમાનાનાં ખાધેલ. એટલે વાતની પૂર્ણાહુતિ કરતાં બોલ્યાં : ‘સાંભળી લો, મારા વહાલા લલ્લાઓ! હજી મેં વસિયતના એકેય કાગળ ઉપર સહી કરી નથી. બાકી તમે મારા દીકરાઓ છો. એટલે મારા કરતાં વધારે સમજુ છો. ખરું ને?!’
એમનાં આ એક વાસણે આખો માહોલ ફેરવી નાખ્યો. લગ્ન વખતે પણ વાસણ ખરીદવા જવું પડે છે અને ત્યારે પણ માહોલમાં ગરમાટો આવી જાય છે.
‘કેટલીક વેવણો લગ્ન પહેલાં ક્ધયા પક્ષે શું શું આપવાનું રહેશે એનું લિસ્ટ મોકલી કોલર ઊંચા કરીને સમાજમાં ફરે છે. મેં તો પછી લાંબું લિસ્ટ જ મોકલી આપ્યું છે.
મારી દીકરી પરણાવેલી ત્યારે મેં આપેલું, એનાથી ડબલ વસૂલ કરવાનું મેં નક્કી જ રાખેલું. મારા સોનુને ડૉક્ટર બનાવ્યો તે એમ ને એમ (વગર ખર્ચે) થોડો બની
ગયો છે?’
પહેલાં તો ગામમાં વાસણ જોવા આવતી બહેનો ઘરેથી વાસણ ઉપર પી.એચ.ડી. કરીને જ આવતી. ‘વાસણ સારાં છે, પણ હજી જરા વજનવાળાં થાળી, તપેલાં, વાટકા લેવાનાં હતાં. આખરે દીકરી એક ડૉક્ટરને ઘરે જવાની છે!’
પેલી રમીલાએ હલકામાંનાં વાસણો આપેલાં, તે વેવણે મંડપમાં જ પાછાં આપી દીધેલાં. (જોકે હું હોઉં, તો પાછા લેતી વેળા કહું : ‘વેવણ, તમે ખરેખર સાચા સુધારાવાદી નીકળ્યાં. વાહ! સમાજને તમે એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું!’)
એક ઘમંડી વેવણે તો મંડપમાં સોનું ઓછું આપ્યું છે એવો વહેમ જતાં જ સોની પાસે મોકલી સોનું તોલાવેલું! સોનું તો કહ્યા પ્રમાણે બરાબર એકાવન તોલા નીકળ્યું. એટલે એણે નાક નીચું ન પડે, તે માટે પૂછ્યું : ‘વજન તો બરાબર છે, પણ પ્યોર બાવીસ કેરેટના જ બધા દાગીના છે ને?’ ક્ધયા પક્ષની વેવણ, એટલે કે છોકરીની મા, પેલાં વેવણ કરતાં વધારે આખા બોલી ને સ્વમાની હતી. એટલે એણે સામે પૂછ્યું : ‘વેવણ, તમારો દીકરો પણ ખરેખર બાવીસ તોલાનો જ છે ને? એટલે કે સો ટચ સોનાનો જ છે ને? કે પછી કોઈ અન્ય ધાતુનો ઢોળ તો નથી ચડાવ્યો ને? !’
મંછીબા ખરેખર ઉપર ગયાં છે એની ખાતરી થતાં જ છોકરા વહુઓએ : ‘રખેને મંછીબા અડધેથી પાછાં આવે તો?’ એ બીકે ઝડપથી એમની ઇચ્છા મુજબના
ચોખ્ખા ઘીના લાડું, વાસણો અને
બ્રાહ્મણના કહ્યા મુજબની તમામ સામગ્રી
અને પૂજાવિધિના ડબલ પૈસા આપીને
છેલ્લે ચાંદીની સ્વર્ગની નિસરણી સુધ્ધાં આપીને જલદી જલદી બારમું-તેરમું ને ઝડપથી વરસી પણ વાળી જ દીધી. (કારણ કે બ્રાહ્મણે ૧૩ દિવસ સુધી જીવ ઘરમાં જ ભટકે છે અને વરસી સુધી સંબંધ જાળવી રાખે છે. એવી પૌરાણિક ગાથા સંભળાવી, તરભાણું ભરવાની એમની પ્રક્રિયા પૂરી કરી હોય છે.)
વાસણ તો મંછીબાએ કહેલાં એનાથી પણ વધારે સુંદર, મોંઘામાં મોંઘા વહેંચીને જલદી જલદી બધું પતાવ્યું, કારણ કે હવે જ અગત્યની વિધિ પતાવવાની હતી. મંછીબાનો દાબડો, સોનું, ચાંદીની વસિયત, જમીન, ઘર અને મંછીબાનાં લૂગડાં સુધ્ધાંની!
નિયતિનાં બંધનોમાં વાસણ પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લગ્નનાં, મરણનાં, ખોળો ભરવાની વિધિનાં, બાબરીનાં, ગામમાં વહેંચવાનાં, ઘરમાં વહેંચવાનાં, નજીકના સગાંનાં, પૂજાનાં વાસણો, જમણવારનાં જુદાં, મોર્ડન પાર્ટીનાં જુદાં, વિદેશી મહેમાનોનાં જુદાં, માઇક્રોનાં વાસણો જુદાં, રોજબરોજના જુદાં, ચૂલાનાં કે સગડીનાં જુદાં…
અહાહાહા! વાસણો જ વાસણો…! જાણે વાસણ વિનાની ગૃહિણી, વાસણ વિનાનું ડાઇનિંગ ટેબલ, વાસણ વિનાની પૂજા કે મૃત્યુનાં કે જન્મનાં વાસણો વિના, કોઈ અવસર ઉજવાય જ કઈ રીતે ભલાં!
કાશ! મંછીબા એમની છેલ્લી સફરમાં એકાદ મનગમતી થાળી જમવા માટે લઈ જઈ શક્યાં હોત તો કેવું? કશું જ લઈ જવાનું શક્ય નથી, છતાં આપણે બધી જ વસ્તુઓ પાછળ અવિરત દોડીએ છીએ.
આ દોડનો સરવાળો કરીએ તો આખરે હાથમાં કશું જ નથી આવતું, કારણ કે એક માટીનું ઠોબલું પણ ઉપર ક્યાં લઈ જવાય છે? અને ધારી લો કે લઈ જવું હોય તો નીચેવાળાં આપશે ખરાં?!