લાડકી

વોકિંગ વિધાઉટ ટોકિંગ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

આહા! આવું પાતળું, સુડોળ, સપ્રમાણ શરીર કોને ના ગમે? હાશકારો અનુભવતા સાથે સોફા પર પગ લંબાવી બેસતાવેંત સામે ચાલુ કરેલા ટીવી-શોમાં આવી જ કોઈ મોડેલ ફિટનેસ વિશે કંઈક સમજાવી રહી હતી.

‘જવા દે આપણા કામનું નહિ’ એણે મનોમન જાતને ટપારી: આપણે તો અહીં રોજ ચાલવા પણ જઈ શકતા નથી, આવું બધું તો કેમનું થાય? એમ વિચારી આયુષીએ તુરંતજ ચેનલ બદલી નાખી, પણ મન વિચારે ચડ્યું ખરું કે હજુ ગઈ કાલે જ ફેમિલી ડોકટરની મુલાકાત લેવાનું થયું ત્યારે એ પણ એમ સમજાવતા હતા કે બીજી કોઈ કસરત કરી શકાય કે નહિ, પરંતુ નિયમિતરૂપે ચાલવાનું તો રાખવું જ જોઈએ. આટલુંજ નહીં, એના ફ્રેન્ડ્સ પણ ઘણીવાર આજ મુદ્દા પર ચર્ચા કરતા કે ચાલવું તો ખૂબ જરૂરી છે. અવારનવાર ટીવી પર આવતા અનેક આરોગ્ય વિષયક કાર્યક્રમો કે પછી ન્યૂઝપેપર આર્ટિકલ્સમાં એક વાત સર્વસામાન્ય રીતે કહેવાતી કે, ‘સ્વસ્થ જીવનશૈલીનો એક અનિવાર્ય ભાગ હોય તો એ છે નિયમિતરૂપે ચાલવું’.

થોડા મહિનાઓ પહેલા નડેલા અકસ્માતને કારણે કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી ના કરી શકતી આયુષી સતત બેઠાડુ જીવન જીવતા લોકો અનેક રોગોનો શિકાર કેવી રીતે બને છે એ સચ્ચાઈને સારી પેઠે જાણતી હતી અને એટલે આ વિચાર આજે મગજમાં ઝબકતાંવેંત એણે ફોન ઊંચક્યો અને સીધો નંબર લગાડ્યો એની સુખ-દુ:ખની સાથી અને બેસ્ટ ફ્રેન્ડ એવી આરોહીનો.
આરોહી સાથે કેમ છે, કેમ નહીં એવી કોઈ ફોર્માલિટી કરવાની જરૂર નહિ. આમ પણ એટલી બધી વાતો થતી એ બન્ને વચ્ચે કે ભાગ્યે જ કોઈ મુદ્દો છુટી જતો હોય એવું બને એટલે આયુષીએ સીધો પ્રશ્ર્ન કરી નાખ્યો. કાલથી સવારે ચાલવા જવું છે? મોર્નિંગ વોક? પણ સામેના છેડેથી આ વખતે ઢીલો પ્રતિસાદ મળ્યો : ‘વિચારીને કહું, હમણાંથી યાર, ટાઈમ નથી મળતો. મારુ શેડ્યૂલ બહુ ટાઈટ છે. મેળ આવે તો કહું ’ એવો ગોળગોળ જવાબ આપી આરોહી છટકી ગઈ. આયુષીએ થોડી નિરાશા સાથે બા’ ય કહી ફોન કાપ્યો.

થોડીવાર એમજ બેસી રહ્યા બાદ હિંમત હાર્યા વગર એણે બરખાને ફોન કર્યો, પરંતુ દરેક વખતે પ્રશ્ર્ન એકસરખો અને જવાબમાં ‘ના.’ ફ્રેન્ડ્સ હોય કે બહેન કે પડોશી પોતાની ઉંમરના બધાનો જવાબ નકારમાં આવ્યો. અંતે નાની એવી સફળતા એને વિભામાંથી મળી.

વિભા આમ તો કોઈને ગમતી નહીં એમાંય આરોહીને તો સહેજપણ નહીં. ના ગમવાના કારણ બાલિશ અને અંગત હતા, પણ આયુષી પાસે અન્ય કોઈ વિકલ્પ ના હોય એ આરોહીની નારાજગી વ્હોરીને પણ વિભા સાથે વોક પર જવા તૈયાર થઈ ગઈ.

આમ તો સવારે વહેલા ઊઠવાની એને મોટી આળસ, પણ ક્યારેક જવાશે અને ક્યારેક નહિ એકવાર ચાલુ તો કરું પછી જે થાય એ જોયું જશે એવા બેફિકરાઈભર્યા અભિગમથી આયુષીનું અભિયાન શરૂ થવા જઈ રહ્યું હતું એ સાંભળી ઘરમાં સહુ કોઈ હરખાયા. એની મમ્મીના તો જીવમાં જીવ આવ્યો કે અંતે આયુષી પોતાનું ખોરંભે ચડેલું સ્વાસ્થ્ય સુધારવા તરફ પગલું માંડવા જઈ રહી છે ખરા.
‘જાગ્યા ત્યારથી સવાર’ એમ માનીને બીજા દિવસથી વિભાના સથવારે આયુષી ચાલી નીકળી. આ જોઈ ધીરે ધીરે થોડા દિવસોમાં સાથે આરોહી અને બરખા બન્ને ભળ્યા. સંખ્યા બેમાંથી ચાર થઇ અને પછી તો શું જોઈએ? રોજ સવારે તાજી હવા અને ગમતી ગોસીપના સથવારે ચાલવાની મજા અનેરી બનવા લાગી. આયુષી મસ્તી મજાકમાં એટલી વ્યસ્ત રહેતી કે એને ક્યારેક તો ખબર પણ ના હોય કે કેટલું ચલાય ગયું? અને એટલે જ ઘેર પાછા ફર્યા બાદ ભૂખ પણ વધુ લાગતી અને સાથોસાથ થાક પણ એટલો જ લાગતો., જેના કારણે એનું શરીર આરામ પણ એટલું જ માગતું. અંતે એકથી દોઢ મહિનો સવારની સુહાની સફર માણ્યા બાદ અચાનક વેઈટ મશીનમાં બે કિલોગ્રામ જેટલું વજન વધુ બતાવતાં જ એના હોશકોશ ઊડી ગયા. આયુષીના માનવામાં નહોતું આવતું કે આવું બને શી રીતે? પહેલા જ્યારે હેલ્થ તરફ પોતે બેદરકાર હતી, કસરતના નામે કંઈજ કરતી નહોતી ત્યારે પણ વજન નહોતું વધતું, જ્યારે હમણાથી ચાલવા જવામાં એક દિવસ ભૂલેચૂકે પણ ચુકાયો નથી તેમ છતાં આવું શા માટે થયું એનો કોઈ જવાબો નહોતો મળતો.

‘કાલથી ચાલવા જવાનું બંધ…’ આયુષીએ રોકેટ સ્પીડે નિર્ણય લઈ લીધો. સાચું કારણ શું છે એ જાણવાની દરકાર કર્યા વગર આયુષીએ વોકિંગને તિલાંજલિ આપી દીધી. પોતાની ક્યાં ભૂલ થઈ છે એ પકડીને સુધારવાની વાત તો દૂર રહી હવે વોકિંગ વિશે એ એક હરફ્ પણ ઉચ્ચારવા રાજી નહોતી. એની મમ્મીને ચિંતા ઊપજી એટલે માંડ માંડ મનાવી એ ફેમિલી ડોકટર પાસે સલાહ માટે લઈ ગઈ.
આયુષીએ ફરિયાદભર્યા સૂરે પોતાની વાત કહી એ સાંભળી ડોકટરે કહ્યુ, ‘સાંભળ આયુષી, તમે કેટલો સમય ચાલો છો એ અત્યંત અગત્યનું છે. રોજ લગભગ અડધો કલાક ચાલવું અને જો દોડવું હોય તો માત્ર વીસ મિનિટ આને આદર્શ સમય માનવામાં આવે છે, પણ આયુષી તને ફ્રેન્ડ્સની કમ્પની મળી અને ગોસીપ કરવામાં પગ દરરોજ સમય કરતાં દોઢું અંતર કાપવા લાગ્યા. સવારની તાજી હવામાં ધીમે ધીમે ચાલતા એયને લહેરાતા ઘરે આવ્યા બાદ ભૂખ પણ વધુ લાગી ને થાક પણ એટલે ખાઈ-પીને પછી ફરી ઊંઘી ગયા આ પ્રકારે કરાતું વોકિંગ વજનમાં વધારો ના કરે તો શું કરે?

વોકિંગ કેમ કરવું, ક્યારે કરવું એ બધાની એક રીત છે જે જાણ્યા વગર ચાલતા રહો તો આ રીતે ઠોકર ખાવાનો વારો આવે. યુવા વયે પોતાની મેળે નિર્ણય કરવા તમને બહુ ગમે, પણ આ જ ઉંમર એવી છે કે જેમાં તમને સાચા અને સારા ગાઈડન્સની ડગલેને પગલે જરૂર પડતી હોય છે. હંમેશાં સ્વાસ્થય સંબંધી કે અન્ય કોઈપણ બાબતે યોગ્ય માર્ગદર્શન લીધા બાદ જ નવી વાત, વસ્તુ કે વિચારને અમલમાં મુકવી એ હવેથી યાદ રાખજે.’ આટલું કહી ડોકટરે વાત પૂરી કરી.

‘ઓહો!’ આયુષી ઘડીક નિરાશ થઈ પછી એને થયું કે તો ચાલો, હવે પહેલાં ચાલતા શીખીએ પછી બીજી બધી વાત. એનું યુવા મન આમ પણ નવું કંઈ જાણવા – જોવાનું આવે એટલે ઉત્સાહમાં આવી જતાં વાર લગાડતું નહીં, પણ ભવિષ્યમાં ડોક્ટરની ખાસ મુલાકાત લેવી ને આ અંગે જ્ઞાનવૃદ્ધિ ચોક્કસ કરવી એવું પાક્કે પાયે નક્કી કરી આયુષીએ ક્લિનિક પરથી વિદાય લીધી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button