વિશ્ર્વ અન્ડર-૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ મહિલા હિમા દાસ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
ઢીંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ… રમતગમત જગતમાં આ હુલામણા નામ કોનાં છે એ જાણો છો ?
એથલેટિક્સના જાણકાર તરત જ આ સવાલનો જવાબ વાળશે: હિમા દાસ...ભારતીય દોડવીર. વિશ્ર્વ અન્ડર-૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા. ફિનલેન્ડમાં આયોજિત પ્રતિયોગિતામાં ૫૧.૪૬ સેક્ધડમાં ચારસો મીટરની દોડ પૂર્ણ કરીને, સુવર્ણચંદ્રક મેળવીને દેશની આન, બાન અને શાન વધારનારી પ્રથમ ભારતીય મહિલા અને એક જ મહિનામાં પાંચ પાંચ સુવર્ણચંદ્રક મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી ...!
નાની ઉંમરે હિમા દાસ નાનો પણ રાઈનો દાણો હતી. ઢીંગ એક્સપ્રેસ નામ કાંઈ એમનેમ નથી મળ્યું એને. એણે મોટાં પુરસ્કારો જીત્યાં છે : એપ્રિલ ૨૦૧૮માં ગોલ્ડ કોસ્ટમાં ખેલાયેલા કોમનવેલ્થ ખેલોની ચારસો મીટરની સ્પર્ધામાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું, ગુવાહાટીમાં યોજાયેલી આંતરરાજ્ય ચેમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક વિજેતા અને ૨૦૧૮માં જાકાર્તામાં બે દિવસમાં બીજી વાર મહિલા ચારસો મીટર દોડમાં રાષ્ટ્રીય વિક્રમ તોડીને રજતચંદ્રક મેળવ્યો. ૧૨ જુલાઈ ૨૦૧૮ના ફિનલેન્ડમાં ટાંપરેમાં આયોજિત ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથલેટિક્સ ફેડરેશન-આઈએએએફ વિશ્ર્વ અન્ડર-૨ની ચારસો મીટર દોડ પ્રતિયોગિતામાં ૫૧.૪૬ સેક્ધડમાં અંતર કાપીને સુવર્ણચંદ્રક મેળવ્યો અને ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ના ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સમાં ચારસો મીટરની દોડમાં સુવર્ણચંદ્રક…
ગોલ્ડન ગર્લ હિમાની આંતરરાષ્ટ્રીય સુવર્ણચંદ્રકોની તો લાંબી યાદી છે. જુલાઈ ૨૦૧૯માં, માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે એક જ મહિનામાં ગોલ્ડન ગર્લ હિમા દાસે ૨ જુલાઈથી ૨૨ જુલાઈ ૨૦૧૯ દરમિયાન યુરોપમાં યોજાયેલી દોડ સ્પર્ધાઓમાં પાંચ પાંચ સુવર્ણચંદ્રક જીતેલાં. ૨ જુલાઈ ૨૦૧૯ના પોલેન્ડમાં આયોજિત પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં બસ્સો મીટરની દોડ ૨૩.૬૫ સેક્ધડમાં પૂરી કરીને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, ૮ જુલાઈ ૨૦૧૯ના પોલેન્ડના કુત્નોમાં આયોજિત એથલેટિક્સ મીટમાં બસ્સો મીટરની દોડ ૨૩.૯૭ સેક્ધડમાં પૂરી કરીને પ્રતિયોગિતામાં સુવર્ણચંદ્રક, ૧૩ જુલાઈ ૨૦૧૯ના ચેક ગણરાજ્યના ક્લાડનોમાં આયોજિત એથલેટિક્સ મીટમાં બસ્સો મીટરની દોડ ૨૩,૪૩ સેક્ધડમાં પૂરી કરીને સુવર્ણચંદ્રક અને ૧૭ જુલાઈ ૨૦૧૯ના ચેક ગણરાજ્યના તબોરમાં યોજાયેલી એથલેટિક્સ મીટમાં બસ્સો મીટરની દોડમાં પણ સુવર્ણચંદ્રક, ૨૦ જુલાઈ ૨૦૧૯ના ચેક ગણરાજ્યના નોવે મેસ્ટોમાં આયોજિત ચારસો મીટરની દોડ ૫૨.૦૯ સેક્ધડમાં પૂરી કરીને સુવર્ણચંદ્રક …
આ હિમા દાસનો જન્મ ૯ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ આસામના નાગાંવ જિલ્લાના ઢીંગ ગામે થયેલો. માતા જોનાલી દાસ અને પિતા રણજીત દાસ. માતા ગૃહિણી છે. ઘર અને બાળકોની દેખભાળમાં પરોવાયેલી રહે. પિતા રણજીત બે વીઘા જમીનમાં ચોખાની ખેતી કરે છે. હિમાના પાંચ ભાઈબહેન છે. બધાંય ભાંડરડાંમાં હિમા સૌથી નાની. બાળપણથી જ હિમાનું સ્વપ્ન ખેલાડી બનવાનું હતું. ખેલકૂદ પ્રત્યે એનો અનહદ ઝુકાવ હતો. શાળામાં ભણતી ત્યારે હિમા કેટલાયે પ્રકારની રમતોમાં ભાગ લેતી. એવું કહેવાય છે કે હિમા શાળાના દિવસોમાં છોકરાઓની સાથે મળીને ફૂટબોલ ખેલતી. ફૂટબોલ રમવાને કારણે હિમાની શક્તિ અને એનું આંતરિક બળ અત્યંત વધી ગયેલાં. પરિણામ એ આવ્યું કે હિમા દોડતી ત્યારે એને ઝડપથી થાક ન લાગતો.
હિમા દાસે રમતવીર તો બનવું હતું, પણ ખેલના કયા ક્ષેત્રમાં આગળ વધવું એ અંગે કાંઈ વિચાર્યું નહોતું. એ તો બધા જ ખેલોમાં ભાગ લેતી. એને બધા જ પ્રકારની રમતગમતો ગમતી. પણ એ રીતે તો કોઈ ‘જેક ઓફ ઓલ અને માસ્ટર ઓફ નન’ જ બની શકે. રમવામાં રચીપચી રહેતી કુમળી વયની હિમામાં આવી કોઈ સમજ નહોતી. એને તો રમવા મળે એટલાથી જ કદાચ સંતોષ હતો. પણ એના શિક્ષક તો સમજદાર હતા. એમણે નાનકડી હિમાની પ્રતિભા પારખી લીધેલી. આવા સંજોગોમાં ગુરૂની ભૂમિકા મહત્વની બની જાય છે.
કહેવાય છે કે ગુરૂ બિન જ્ઞાન નહીં… કોરી પાટીમાં અક્ષર પાડતાં શીખવનાર ગુરૂ જ હોય છે. કાચી માટી જેવા કુમળા વિદ્યાર્થીના માનસને શિક્ષણના ચાકડે ચડાવીને આકાર આપવાનું કામ પણ ગુરુ જ કરતા હોય છે. ગોવિંદની ઓળખ પણ ગુરૂ જ કરાવે છે. જવાહર નવોદય વિદ્યાલયના શારીરિક શિક્ષણના પી.ટી શિક્ષક શમશુલ હક હિમાના જીવનમાં આવા જ ગુરુ બનીને આવ્યા. એમણે નાનકડી હિમાને સમજાવતાં કહ્યું કે, જેક ઓફ ઓલ બનવા કરતાં માસ્ટર ઓફ વન બનવું સારું. એક મ્યાનમાં એક જ તલવાર રાખીને અને એક સાથે એક જ ઘોડા પર સવારી કરવાથી જ ખેલમાં અને જીવનમાં આગળ વધી શકાય. એથી કોઈ એક રમતમાં જ આગળ વધ અને દેશનું નામ રોશન કર.
હિમાને ગળે વાત ઊતરી ગઈ. એક સાથે બેત્રણ ઘોડા પર સવારી કરવી શક્ય જ નહોતું અને એક તલવારમાં બેત્રણ મ્યાન રાખવી અસંભવ જ હતું. ખેલકૂદના ક્ષેત્રમાં આગળ વધવું હશે તો એક જ રમતમાં ધ્યાન પરોવવું પડશે એવો ખ્યાલ હિમાને આવી ગયો. પણ કયો ખેલ પસંદ કરવો એ સમજાતું નહોતું. હિમાની માનસિક અવઢવમાં પણ ગુરુ જ વહારે ધાયા. એમણે વિવિધ રમતોમાં ભાગ લેતી હિમાને જોયેલી, એથી એ જાણતા હતા કે હિમાએ દોડના ક્ષેત્રમાં આગળ વધવાની જરૂર છે. ગુરૂએ હિમાને દોડવીર બનવાની સલાહ આપી.
યોગ્ય સમયે મળતી યોગ્ય સલાહને પગલે પથ્થરમાંથી શિલ્પ કોતરી શકાય છે. ગુરુના માર્ગદર્શનને પગલે હિમા દાસનું શિલ્પમાં પરિવર્તિત થવાનું શરૂ થયું. હિમાએ અન્ય સઘળી રમતો પ્રત્યેથી મોઢું ફેરવી લીધું. માત્ર દોડ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. અર્જુનને જેમ માછલીની આંખ જ દેખાતી હતી, એમ હિમાને હવે માત્ર દોડ જ દેખાતી હતી.
એણે દોડવાની ગતિ વધારવા પર ધ્યાન આપ્યું. દોડ સાથે જોડાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. પ્રત્યેક દોડ સાથે ગતિમાં સતત સુધાર કર્યો.
એ સમયમાં રનિંગ ટ્રેકની સુવિધા નહોતી. એથી હિમા દાસે કારકિર્દીના આરંભિક દિવસોમાં દોડની પ્રેક્ટિસ પિતાના
ખેતરમાં અને ફૂટબોલના મેદાનમાં કરેલી. દરમિયાન, ૨૦૧૭માં હિમાએ ખેલ અને યુવા કલ્યાણ નિર્દેશાલય તરફથી આયોજિત કરાયેલા ઈન્ટર ડિસ્ટ્રિકટ કોમ્પિટિશનમાં જવાનું થયું. આ પ્રતિસ્પર્ધામાં હિમાએ સો મીટર અને બસ્સો મીટરની દોડમાં ભાગ લીધેલો. ગરીબીને કારણે હિમા પાસે સારાં જૂતાં ખરીદવાના પૈસા નહોતા. સસ્તા જૂતાં પહેરીને લગાવેલી બન્ને દોડમાં હિમા પ્રથમ ક્રમાંકે આવી. સુવર્ણચંદ્રક મેળવ્યા. હિમાએ જે ગતિથી દોડ લગાવેલી, એ જોઈને ઉપસ્થિત સહુ અચંબિત અને આશ્ચર્યચકિત થઈ ગયેલાં.
અચંબિત થયેલાઓમાં એક નિપુણ દાસ પણ હતા. નિપુણ દાસ એક કોચ હતા. કુશળ ઝવેરી હીરાની પરખ કરી લે છે, એમ નિપુણ દાસે વાયુવેગે દોડતી હિમાનું હીર પારખ્યું. એમણે હિમાના કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી. આમ હિમાને તો એક પંથ દો કાજ જેવું થયું. સ્પર્ધા પણ જીતી અને કોચ પણ મળ્યા. નિપુણ દાસે હિમા દાસને દોડમાં નિપુણ બનાવવાનું બીડું ઝડપ્યું. ગુરુએ શિષ્યાને શોધી લીધેલી અને શિષ્યાને સવાઈ પુરવાર કરવાનો સંકલ્પ કર્યો. નિપુણ દાસ પાસે તાલીમ લેવા માટે હિમાએ રોજેરોજ ગુવાહાટી જવું પડે તેમ હતું. હિમાનો પરિવાર ઘણો ગરીબ હતો, એથી ગુવાહાટીમાં એને તાલીમ આપવાનો સઘળો ખર્ચ કોચ નિપુણ દાસે ઉપાડી લીધેલો. આરંભમાં નિપુણ દાસે હિમાને બસ્સો મીટરની દોડ માટે તૈયાર કરી. જેમ જેમ હિમાનું આંતરિક બળ વધતું ગયું, તેમ તેમ હિમાએ બસ્સોની જગ્યાએ ચારસો મીટરની દોડ લગાવવાનું શરૂ કર્યું. નિપુણ કોચ નિપુણ દાસના હાથ નીચે હિમા નિપુણ દોડવીર થઈ ગયેલી. હિમા હેમ એટલે કે સોનું તો હતી જ, નિપુણ ઝવેરીએ એને કુશળતાથી ટીપીને ઘાટ ઘડેલો. વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં હિમાએ હવે કસોટીની એરણે ચડવાનું હતું.
સ્પર્ધાઓનો આરંભ થયો. હિમાએ બેંગકોકમાં એશિયાઈ યૂથ ચેમ્પિયનશિપની બસ્સો મીટરની દોડમાં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું. ઓસ્ટ્રેલિયામાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ચારસો મીટરની દોડમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું. એ પછી વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં જીતીને સુવર્ણચંદ્રક મેળવ્યો. જુલાઈ ૨૦૧૮માં ફિનલેન્ડની વર્લ્ડ અન્ડર-૨૦ દોડ પ્રતિયોગિતામાં ચારસો મીટરની દોડ ૫૧.૪૬ સેક્ધડમાં જીતીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો. આ પ્રતિયોગિતા જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. આ જીત પછી તો હિમા સો ટચનું સોનું બનીને ઝળહળી. જુલાઈ ૨૦૧૯માં એક જ મહિનામાં પાંચ પાંચ સુવર્ણચંદ્રક જીત્યા એણે.... સુવર્ણથી અલંકૃત હિમા દાસનું હુલામણું નામ ગોલ્ડન ગર્લ અને પવનવેગે દોડતી હોવાથી ઢીંગ એક્સપ્રેસ પડ્યું એમાં શું નવાઈ !