એકસ્ટ્રા અફેર

સંઘ હવે ગમે તે જ્ઞાન આપે તેનો અર્થ નથી

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એ પછી બધા ભાજપ પર હાથ સાફ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ તેમાં જોડાઈ ગયા છે. લોકસભા ચૂંટણી વખતે બહુ બધું બનેલું પણ આરએસએસના વડા મોહન ભાગવત સહિતના સંઘના નેતા ચૂપ બેસી રહ્યા હતા. હવે ચૂંટણીનાં પછી સંઘના નેતાઓને અચાનક ડહાપણની દાઢ ફૂટી છે. એક તરફ સંઘના વડા મોહન ભાગવતે ભાજપની હાર મુદ્દે બહુ બધું જ્ઞાન પિરસી દીધું છે ત્યારે બીજી તરફ સંઘનાં બે વાજિંત્ર પાંચજન્ય અને ધ ઓર્ગેનાઈઝરમાં પણ ભાજપના માથે માછલાં ધોવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.

સંઘે ભાજપના જૂના કાર્યકરોની અવગણના કરવાથી માંડીને બિનજરૂરી કાવાદાવા સહિતનાં કારણો ભાજપ હાર માટે જવાબદાર હોવાનું કહ્યું છે. બીજી તરફ મોહન ભાગવતે આડકતરી રીતે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને કહ્યું છે કે, સાચા સેવકમાં અહંકાર હોતો નથી અને તે બીજાને નુકસાન પહોંચાડ્યા વિના કામ કરે છે. સાચો સેવક જેને વાસ્તવિક સેવા કહી શકાય તેના ગૌરવ સાથે કામ કરે છે. આ બધી મર્યાદાઓનું પાલન કરે છે, કાર્ય કરે છે પણ કાર્યમાં વ્યસ્ત નથી થતો તેને અહંકાર નથી હોતો. જેણે આ રીતે કર્યું છે તેને જ સાચો સેવક કહેવડાવાનો અધિકાર છે. મોદી છાતી ઠોકી ઠોકીને મોદી કી ગેરંટીની વાતો કરતા હતા અને પોતે પાર્ટી કરતાં પણ મોટા હોય એ રીતે વર્તતા હતા એ સંદર્ભમાં ભાગવતે આ ટીપ્પણી કરી હોવાનું મનાય છે.

ભાગવતે તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન પ્રચારમાં ‘શિષ્ટતા જળવાઈ નથી’ એવું પણ કહ્યું. ભાગવતના કહેવા પ્રમાણે, ચૂંટણી પ્રચારમાં જે પ્રકારની વાતો કરવામાં આવી અને બંને પક્ષોએ કબીજા પર આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો કર્યા એ યોગ્ય નહોતું. પોતાની વાતોથી સમાજમાં ભાગલ પડી રહ્યા છે અને સામાજિક વિભાજન પેદા થઈ રહ્યું છે તેની પણ કોઈએ પરવા ના કરી. કોઈપણ કારણ વિના સંઘને ખેંચવામાં આવ્યો, જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા હતા એ જોતાં બધાંએ મર્યાદા ઓળંગી દીધી હતી. મોહન ભાગવતે એમ પણ કહ્યું કે, ચૂંટણીને યુદ્ધ તરીકે ન જોવી જોઈએ.

મોહન ભાગવતે મણિપુર મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરીને સવાલ કર્યો છે કે, મણિપુરની આ સમસ્યા પર એકદમ પાયાના સ્તરે કોણ ધ્યાન આપશે? ભાગવતના કહેવા પ્રમાણે, મણિપુર છેલ્લાં એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. મણિપુર છેલ્લા એક દાયકાથી શાંતિપૂર્ણ હતું અને એવું લાગતું હતું કે, જાણે જૂના જમાનાનું ગન કલ્ચર જતું રહ્યું છે પણ એ ગન કલ્ચર પાછું આવ્યું છે. મણિપુર હજુ પણ સળગી રહ્યું છે ને એ તરફ ધ્યાન આપીને આ સમસ્યાને સૌથી પહેલાં ઉકેલવી પડશે.

ભાગવતની મણિપુર અંગેની ચિંતા વ્યાજબી છે ને તેમણે કહેલી વાતો પણ યોગ્ય છે પણ સવાલ એ છે કે, મણિપુર મુદ્દે દોઢ વર્ષથી ભાગવત ચૂપ કેમ હતા ? મણિપુરમાં તો દોઢ વર્ષથી હિંસા ચાલી રહી છે અને લોકો ત્રાહિમામ્ છે પણ ભાગવત એ મુદ્દે પહેલાં કશું બોલ્યા જ નથી. મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને જાહેરમાં ફેરવવામાં આવી, તેમના પર ગેંગ રેપ કરાયો એ ઘટના તો સમગ્ર રાષ્ટ્ર માટે શરમજનક હતી. ભાગવત કે સંઘના કોઈ નેતાએ એ ઘટનાની ટીકા કરવાની પણ તસદી સુધ્ધાં લીધી નહોતી. હવે અચાનક ભાગવતને મણિપુર યાદ આવી ગયું, મણિપુરની હિંસા યાદ આવી ગઈ, મણિપુરમાં ગન કલ્ચર પાછું આવી ગયું છે એ પણ યાદ આવી ગયું છે.

સંઘ અને સંઘના નેતા પાણી વિનાના છે તેનો આ પુરાવો છે. મણિપુર મુદ્દે ખરેખર બોલવાની જરૂર હતી ત્યારે એ લોકો ચૂપ રહ્યા કેમ કે ભાજપથી ડરતા હતા. ભાજપ આપણી મેથી મારશે કે પછી ભાજપને કારણે અત્યારે જે ફાયદા મળી રહ્યા છે એ બંધ થઈ જશે તેની ચિંતા હતી તેથી ભાગવત સહિતના નેતા મોંમાં મગ ઓરીને બેસી રહ્યા. હવે ભાજપ નબળો પડ્યો છે ત્યારે તેમને મણિપુરની પણ ચિંતા થવા માંડી છે ને સાચો સેવક કેવો હોવો જોઈએ એ વિશે પણ બ્રહ્મજ્ઞાન લાદ્યું છે.

ભાગવતે ચૂંટણી પ્રચાર દરમિયાન શિષ્ટતા ન જળવાઈ એવું જ્ઞાન પણ પિરસ્યું છે પણ એ વાત કહેવાનો અત્યારે શો અર્થ છે ? આ અશિષ્ટતા આચરાઈ રહી હતી ત્યારે કેમ ચૂપ હતા ? મોદી કે ભાજપના બીજા નેતા અશિષ્ટતા આચરી રહ્યા હતા ત્યારે તેમને રોકવાની જરૂર હતી. એ વખતે મોદી એન્ડ કંપનીને રોકી હોત તો કદાચ ભાજપને થયેલું નુકસાન પણ નિવારી શકાયું હોત પણ ભાગવત કે બીજું કોઈ ત્યારે એક શબ્દ બોલ્યું નહીં ને હવે શિખામણોનો પટારો ખોલી નાંખ્યો છે. નફા-નુકસાનનાં લેખાંજોખાં કરીને કોઈ પણ મુદ્દે સ્પષ્ટ વલણ લેવું નહીં ને ચૂપ બેસી રહેવું એ સંઘની ટીપીકલ સ્ટાઈલ છે. ન જાણે કેમ એ લોકોની મર્દાનગી ક્યારેય જાગતી જ નથી.

મોદીના ચાપલૂસ જે.પી. નડ્ડાએ સંઘને બે કોડીનો કરી નાંખીને કહેલું કે, અમારે હવે સંઘની જરૂર નથી ને ભાજપ પોતાની તાકાત પર જીતી શકે છે. સંઘના નેતા ત્યારે પણ ચૂપ રહેલા ને એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહોતો કેમ કે સંઘને પણ કદાચ આ વાત સાચી લાગતી હશે. એ લોકોને પણ લાગતું હશે કે, ખરેખર ભાજપની તરફેણમાં લહેર છે ને મોદીના નામે આ વખતે પણ ભાજપના પથરા તરી જશે.

સંઘે આ માનસિકતા બદલવી પડે ને પોતાને પણ કરોડરજ્જુ છે એ સાબિત કરવું પડે. ભાગવતે કહી એવી વાતો તો સૂંઠના ગાંગડે ગાંધી થયેલા ટીવીના એક્સપર્ટ્સ પણ ભાજપની હાર પછી કહી રહ્યા છે.

આશા રાખીએ કે ભવિષ્યમાં સંઘ આ રીતે ના વર્તે ને જરૂર હોય ત્યારે બોલવાની બહાદુરી બતાવે. એ માટે પછી ભલે ને ગમે તે કિંમત ચૂકવવી પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button