સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી હજુ અટવાઈ; ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ પણ હવે ક્યારે થશે ચૂંટણી ?
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગોરંભે ચડી ચૂકી છે. જો કે હાલ હવે ચોમાસા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે. હાલ સુધી ઓબીસી અનામતના મુદ્દે આ ચૂંટણીઓ થઈ શકી નહોતી અને આથી જ રજીમી અનેક ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સત્તા વહીવટદારોના હાથમાં છે. અહી પ્રજાના પ્રતિનિધિઓની ચૂંટાયેલી બોડીનું અસ્તિત્વ શક્ય બન્યું નથી.
રાજ્યમાં ઓબીસી સમુદાયની વસ્તી 52 ટકા જેટલી છે પરંતુ તેમને સ્થાનિક સ્વરાજ્યમાં માત્ર 10 ટકા જ અનામત મળતું હતું અને જેને લઈને વિપક્ષે અનેક વખત સરકારને ભીંસમાં લીધી હતી. જો કે સુપ્રીમ કોર્ટે પણ તેમના આદેશમાં કહ્યું હતું કે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીના આધારે બેઠકો અનામત હોવી જોઈએ. આથી સરકારે જુલાઇ 2022માં ઝવેરી કમિશન નિમ્યુ હતું અને તેને 90 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી હતી. જો કે તેમ ખૂબ જ લાંબો સામે વિત્યો હતો અને જુલાઇ 2023માં કમિશને આ રિપોર્ટ સરકારને સોંપી દીધો છે.
આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણીથી લઈને મોદીની કેબિનેટ અંગે સંજય રાઉતે કરેલા દાવો જાણો
હાલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાના એંધાણ છે અને આગામી સમયમાં ચોમાસુ સત્ર મળે ત્યારે ઝવેરી કમિશનની ભલામણોને ધ્યાને રાખી સરકાર સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023માં પરિવર્તન કરી શકે છે. અને આ બાદ સ્થાનિક સ્વરાજ્યમાં OBC અનામતને લાગુ કરી આગામી સમય સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં ચૂંટણીઓ યોજાય તેવા સ્પષ્ટ સંકેતો છે.