T20 World Cup:India v/s USA:ભારત વિરુદ્ધ મિની ભારત: જીતશે એ પહોંચશે સુપર-એઇટમાં
બુધવારે ટીમ ઇન્ડિયા અને ભારતીય મૂળના ખેલાડીઓવાળી અમેરિકાની ટીમ વચ્ચે ટક્કર: રાત્રે 8.00 વાગ્યાથી લાઇવ
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ ‘એ’માં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમનો બુધવારે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) મોનાંક પટેલના નેતૃત્વવાળી અમેરિકાની ટીમ સાથે ખરાખરીનો મુકાબલો છે. આ મૅચ જીતનારી ટીમ આઠ ટીમવાળા સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ કરશે. બન્ને હરીફ ટીમ બે-બે મૅચ જીતીને ચાર-ચાર પૉઇન્ટ ધરાવે છે.
અમેરિકાની ટીમમાં ભારતીય મૂળના પ્લેયર્સમાં ખાસ કરીને કૅપ્ટન-વિકેટકીપર મોનાંક ઉપરાંત પાકિસ્તાન સામેની મૅચના સ્ટાર બોલર સૌરભ નેત્રાવલકર, નીતિશ કુમાર, હરમીત સિંહ, જસદીપ સિંહ અને નૉસ્થુશ કેનિગેનો સમાવેશ છે.
ભારત અને અમેરિકા વચ્ચે અગાઉ ક્યારેય કોઈ ફૉર્મેટમાં મૅચ નથી રમાઈ. એમની વચ્ચે આ પહેલી જ ટક્કર છે.
અમેરિકાનો આરૉન જોન્સ બે મૅચમાં બનાવેલા 130 રન સાથે આ ટૂર્નામેન્ટના બૅટર્સમાં બીજા સ્થાને છે. તેનો સાથી બૅટર આન્દ્રીસ ગૌસ 100 રન બનાવીને ચોથા નંબર પર છે.અમેરિકાનો પેસ બોલર સૌરભ નેત્રાવલકર મુંબઈનો છે અને તેને આ મૅચમાં મુંબઈના રોહિત શર્મા સામે તેમ જ સૂર્યકુમાર સામે પરચો બતાવવાનો મોકો છે.અગાઉ ન્યૂ ઝીલૅન્ડ વતી રમનાર ઑલરાઉન્ડર કૉરી ઍન્ડરસન અમેરિકાની ટીમમાં છે અને તેની સામે ભારતીય ખેલાડીઓએ ખાસ ચેતવું પડશે.જોકે અમેરિકાના બૅટર્સ ખાસ કરીને વિશ્ર્વના નંબર-વન બોલર જસપ્રીત બુમરાહની બોલિંગ હેમખેમ પાર કરવા પૂરી કોશિશ કરશે. બુમરાહ આ ટૂર્નામેન્ટમાં બે મૅચમાં સાત ઓવરમાં માત્ર 20 રનના ખર્ચે પાંચ વિકેટ લઈ ચૂક્યો છે.