વેપાર

ડૉલર મજબૂત થતાં રૂપિયો નવ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો નવ પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૯ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૫૭૨.૩૮ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૦ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૪૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૯ અને ઉપરમાં ૮૩.૪૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસા ઘટીને ૮૩.૫૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજથી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક શરૂ થઈ રહી હોવાથી ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સ તથા ક્રૂડતેલના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે જો સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહે તો રૂપિયાને ટેકો મળતો રહેશે.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૦ ટકા વધીને ૧૦૫.૨૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૩.૪૯ પૉઈન્ટનો અને ૫.૬૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હતો. તેમ છતાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા ઘટીને બેરલદીઠ ૮૧.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાને થોડોઘણો ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button