વેપારશેર બજાર

સરકાર દ્વારા મંત્રાલયની વહેંચણી શેરબજારમાં તેજી લાવવામાં નિષ્ફળ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે રેકોર્ડ બ્રેકિંગ તેજી પછી લગભગ ફ્લેટ બંધ થયા હતા, કારણ કે રોકાણકારોએ વધુ ટ્રિગર્સની રાહ જોવા માટે સાઇડલાઇન રહેવાનું પસંદ કર્યું હતું. મોટા ફંડો પણ સરકારની નવી જાહેરાતો પર નજર સાથે હાલ મોટા લેણ ટાળી રહ્યાં છે. નોંધવું રહ્યું કે, પાછલા સત્રમાં સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.

સત્ર દરમિયાન મોટાભાગના સમયમાં સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડિંગ કર્યા પછી, ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૩૩.૪૯ પોઈન્ટ અથવા ૦.૦૪ ટકા ઘટીને ૭૬,૪૫૬.૫૯ના સ્તરે સ્થિર થયો હતો. દિવસ દરમિયાન તે ૩૭૦.૪૫ પોઈન્ટ અથવા ૦.૪૮ ટકા વધીને ૭૬,૮૬૦.૫૩ પર પહોંચ્યો હતો. જ્યારે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૫.૬૫ પોઈન્ટ્સ અથવા ૦.૦૨ ટકાના વધારા સાથે ૨૩,૨૬૪.૮૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.

નોંધપાત્ર રિબાઉન્ડ પછી સ્થાનિક બજાર સ્થિર થયું છે, વધુ ટ્રિગર્સની રાહ જોઈ રહ્યું છે. સરકારની રચનાથી અનિશ્ર્ચિતતાના નિરાકરણ સાથે, રોકાણકારોનું ધ્યાન વૈશ્ર્વિક અને સ્થાનિક આર્થિક પરિબળો તરફ પર પાછું ફર્યું છે. ગયા સપ્તાહના મજબૂત યુએસ જોબ ડેટાને પગલે સંભવિત યુએસ રેટ કટ અંગે ચિંતા વધી છે, જે યુએસ બોન્ડ યીલ્ડને વધારો તરફ દોરી જાય છે.

જો કે, એફઆઇઆઇ તાજેતરમાં નેટ બાયર્સ રહ્યા છે. રોકાણકારો હવે યુએસ ફેડ અને બેન્ક ઓફ જાપાન તરફથી આ સપ્તાહના નીતિગત નિર્ણયો તેમજ યુએસ અને ભારતના મુખ્ય ફુગાવાના ડેટાની પ્રતીક્ષા કરી રહ્યા છે, એમ જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઈન્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને જેએસડબ્લ્યુ સ્ટીલ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતીં. જ્યારે, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ, મારુતિ, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ ગેઇનર્સની યાદીમાં હતાં.

ઇન્ડિગોના પ્રમોટર બ્લોકદીલ મારફત બે ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે એવી ચર્ચા વચ્ચે તેના શેરમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. સિન્ટ્રા પાંચેક ટકા સ્ટેક વેચવાની વેતરણમાં હોવાની ચર્ચાએ આઇઆરબી ઇન્ફ્રામાં આઠ ટકાનો કડાકો જોવા મળ્યો હતો.

યુનાઇટેડ કોટફેબ લિમિટેડ ૧૩મી જૂને પ્રારંભિક જાહેર ઓફર સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ શેર દીઠ રૂ. ૭૦ના ઈશ્યુ ભાવે રૂ. ૩૬.૨૯ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. શેર બીએસઇના એસએમઇ ઇપ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ભરણું ૧૯મી જૂને બંધ થશે. ઇક્વિટી શેરલોટ સાઈઝ ૨૦૦૦ ઈક્વિટી શેરની છે. મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ છે. કોન્સિઅસકેરેટ પ્રાઇવેટ લિમિટેડ, લકઝરી લેબગ્રોવ્ન ડાયમંડ જ્વેલરી સેગમેન્ટમાં અષ્ઠ બ્રાન્ડ નેમ સાથે એક નવું ધોરણ પ્રસ્થાપિત કરી રહી છે. લેબ ગ્રોવ્ન ડાયમંડનું વેચાણ આગામી દાયકામાં ૧૪.૮ ટકાનો સીએજીઆર હાંસલ કરશે એવી અપેક્ષા છે.

એશિયન બજારોમાં, સિઓલ અને ટોક્યો ઊંચી સપાટીએસ્થિર થયા હતાં, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ નેગેટીવ ઝોનમં ગબડ્યાં હતાં. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. સોમવારે યુએસ બજારો સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા.

સાતત્યનો સંકેત આપતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમની નવી સરકારમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ અને એસ જયશંકરને અનુક્રમે ચાર હાઇ પ્રોફાઇલ મંત્રાલય, ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશનો હવાલો જાળવી રાખ્યો હતો. આ પોર્ટફોલિયોનો હવાલો સંભાળતા ચાર પ્રધાનો વડા પ્રધાનની આગેવાની હેઠળની નિર્ણાયક સિક્યુરિટી કેબિનેટ સમિતિ બનાવે છે. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૨ ટકા ઘટીને ઞજઉ ૮૧.૩૭ પ્રતિ બેરલ થયું છે.

એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ સોમવારે રૂ. ૨,૫૭૨.૩૮ કરોડની ઇક્વિટી ખરીદી હતી.

સોમવારે શરૂઆતના કારોબાર દરમિયાન ૭૭,૦૦૦ની ઐતિહાસિક ઊંચી સપાટીનો ભંગ કર્યા પછી, બેન્ચમાર્ક સેન્સેક્સ સત્રના અંતે વેચવાલી દબાણ હેઠળ આવ્યો અને ૨૦૩.૨૮ પોઈન્ટ અથવા ૦.૨૭ ટકા ઘટીને ૭૬,૪૯૦.૦૮ પર બંધ થયો. એ જ રાતે, ત્રણ દિવસની તેજીને અટકાવીને, નિફ્ટી ૩૦.૯૫ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા ઘટીને ૨૩,૨૫૯.૨૦ પર સેટલ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button