ભારે વરસાદને કારણે પંઢરપુરના વિઠોબા મંદિરમાં થઈ ઊભી આ સમસ્યા
પંઢરપુરઃ મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં ધીમે પગલે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે ત્યારે અમુક વિસ્તારમાં જળસંકટ ઊભું થયેલું છે. આમ છતાં પંઢરપુરમાં વરસાદનું ધમાકેદાર આગમન થઈ ગયું છે, પરંતુ એને કારણે અન્ય મુશ્કેલી ઊભી થઈ છે. લાખો ભક્તોનું આરાધના સ્થળ પંઢરપુરના વિઠ્ઠલ રુક્મિણી મંદિરમાં હાલમાં સંરક્ષણ અને જાળવણીનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન સતત ત્રણ દિવસના વરસાદને કારણે મંદિરના અનેક ભાગોમાં લીકેજ હોવાનું સામે આવ્યું છે.
૭૦૦ વર્ષ જૂના વિઠોબા મંદિરને મૂળ પુરાતન સ્વરૂપ આપવા માટે રાજ્ય સરકારે રૂ. ૭૪ કરોડ મંજૂર કર્યા છે. આ ભંડોળમાંથી જ છેલ્લા બે મહિનાથી સંરક્ષણ અને જાળવણીનું કામ ચાલી રહ્યું છે. વિઠ્ઠલ અને રુક્મિણીના ગર્ભગૃહ સહિત મંદિરના અન્ય ભાગોમાં લગભગ અડધાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મંદિરના નૈદ્યગેટ, ચૌલખાંબી, રુક્મિણી સભામંડપ સહિત અન્ય ઘણી જગ્યાએ લીકેજ થયું હોવાનું જોવા મળ્યું છે. આ ઉપરાંત વરસાદનું પાણી મંદિરની દીવાલમાંથી અંદર પ્રવેશ્યું હોવાનું સામે આવ્યું છે.
આ લીકેજના કારણે ભક્તોમાં કામની ગુણવત્તા બાબતે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે મંદિરના કામની ગુણવત્તા બાબતે મંદિર સમિતિ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે. વિઠ્ઠલ મંદિર સમિતિના કાર્યકારી અધિકારી રાજેન્દ્ર શેલકેએ જણાવ્યુ હતું કે, ટૂંક સમયમાં મંદિરના તમામ વિસ્તારોને વોટરપ્રૂફ કરવામાં આવશે. ત્યાર બાદ મંદિરમાં લિકેજ નહીં થાય.