ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

બિયરમાં બીઝી હોવાથી ગુટલી મારી
ઑફિસમાંથી રજા લેવા માટે કેટલાક લોકો પાસે બહાનાની ફેક્ટરી હોય છે. એક ઑફિસમાં બોસે કર્મચારીને બોલાવી પૂછ્યું કે ‘તમે પુનર્જન્મમાં માનો છો?’ કર્મચારીએ ના પાડી. તરત બોસ બોલ્યા કે ‘રિસેપ્શનિસ્ટ પાસે જશો તો તમે માનતા થઈ જશો. ગઈ કાલે ‘દાદીમા ગુજરી ગયા છે’ એવું કહી તમે રજા લીધી હતી એ દાદીમા તમને મળવા આવ્યા છે.’ માંદગી, મૃત્યુ ગુટલી મારવાના હાથવગા બહાના સદીઓથી કાઢવામાં આવે છે. ઇજિપ્તના પ્રાચીન પિરામિડના સંશોધન દરમિયાન મળી આવેલા એક ખડક પરના લખાણનો અભ્યાસ કરતા ૩૬૦૦ વર્ષ પહેલા કામ પરની ગેરહાજરી માટે કેવાં કારણો આપવામાં આવતા હતા એ જાણ્યા પછી તમને અચંબો જરૂર થશે. ઈસવીસન પૂર્વે ૧૨૫૦ની સાલના ખડક પર મજૂરો કામ પર કેમ નહોતા આવ્યા એના કારણ રજૂ કરવામાં આવ્યા છે. એક કારણ છે ‘મા બીમાર હતી’. બોસને ગળે ઊતરી જાય એવું કારણ છે. બીજું કારણ છે ‘વીંછી કરડી ગયો’. બીજા કેટલા પ્રાણીનો સમાવેશ હશે એવો સવાલ તમારા મનમાં આવ્યો હશે. બીજા પણ કેટલાક પ્રાચીન કાળને અનુરૂપ બહાના જોવા મળે છે. જોકે, એક એવું બહાનું છે જે પ્રથમ નજરે ઉલ્લુ બનાવવાની વાત લાગે. બિયર તૈયાર કરવામાં વ્યસ્ત હોવાથી કેટલાક લોકો કામ પર નહોતા હાજર થયા એવો ઉલ્લેખ છે. ‘સૈયાં જૂઠોં કા બડા સરતાજ નિકલા’ ગાવા લાગો એ પહેલા જાણી લો કે પ્રાચીન ઇજિપ્તમાં બિયર એ દૈનિક ખોરાકનો હિસ્સો હતું અને તહેવારો અને ઉજવણી દરમિયાન તો એ ધૂમ પીવાતો હતો. મજૂરવર્ગ માટે અને ખાસ કરી પિરામિડના બાંધકામ સાથે સંકળાયેલા લોકો માટે એ જરૂરી પીણું ગણાતું હતું. જથ્થાબંધ બિયર બનાવવા રજા તો લેવી પડે ને. ભવિષ્યમાં પિરામિડ જોવા જાઓ તો બિયરનો આભાર માનવાનું ચૂકતા નહીં.

ભાભીને બદલે ખુદ નણંદ જ મુસીબતમાં મુકાઈ
નણંદ – ભાભીની ‘જુગલબંધી’ આપણા સમાજની એક લાક્ષણિકતા છે. ભાભીનાં કામમાં ખોટ કાઢવાનો ઈજારો નણંદનો હોય છે તો ભાભી ‘આજ નણદીએ મને મેણું માર્યું’ એમ ગાતી ફરે છે તો પોતાના ભરથારને ‘મારી સગી નણંદના વીરા’ કહીને બોલાવતી હોય છે. ક્યારેક નોકઝોક તો ક્યારેક પ્રીતના પારેવા એવા આ સંબંધનો વિરલ કિસ્સો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બન્યો છે. મોટેભાગે ભાભીને મુસીબતમાં મૂકવા માટે જાણીતી નણંદ ભાભીને મદદ કરવા ગઈ અને પોતે મોટી મુસીબતમાં મૂકાઈ ગઈ. ભાભી બે પૈસા કમાઈ પોતાના પગ પર ઊભી રહી શકે એ માટે ભાભીને શિક્ષિકા બનાવવાનું નણંદે નક્કી કર્યું. અહીં સુધી બધું બરાબર હતું, પણ આ પરીક્ષા ભાભીએ આપવી જોઈએ એની બદલે એમના એડમિટ કાર્ડ પર નણંદ પરીક્ષા હોલમાં બેસી ગઈ. જોકે, પેપર પૂરું થવા પહેલા થયેલી તપાસમાં પોલ ખૂલી ગઈ ને નણંદબા પોલીસ સ્ટેશનની હવા ખાઈ રહ્યા છે. પુણ્ય કમાવું સારી વાત છે, પણ પાપના રસ્તાનો એ શોર્ટ કટ એ ખોટી વાત છે.

બાલમ ખિલાડી, દાદીમાની બિલાડી
માનવી શરીરથી વૃદ્ધ થઈ શકે, પણ છેલ્લા શ્ર્વાસ સુધી મનથી તરૂણ રહી શકે. યુકેની સોમરસેટ કાઉન્ટીના ૮૬ વર્ષનાં દાદીમા આઈરીશ જોન્સ એનું જ્વલંત ઉદાહરણ છે. એકલતાથી કંટાળેલા દાદીએ ૨૦૨૧માં ઓનલાઈન ડેટિંગથી ૩૪ વર્ષના ઇજિપ્તના છેલછબીલા યુવાન સાથે દોસ્તી કરી, એને મળવા છેક ઇજિપ્ત પહોંચ્યાં, વાજતેગાજતે પરણી પણ ગયાં અને અનેક લોકોની આંખો પહોળી થઈ ગઈ. જોકે, છેલછબીલો ‘મિસ્ટર છેતરપિંડી’ નીકળ્યો. પોતાનું દેવું દૂર કરવા ખિલાડીએ આ કારસો રચ્યો હતો. કેટલાક હજાર પાઉન્ડનું કરી નાખ્યું અને દાદીમાને નવરાવી નાખ્યા. અચાનક દાદીમાની આંખ ઉઘડી અને પ્રેમીને લુચ્ચો – હરામી જેવા વિશેષણ લગાડી એના નામનું નાહી નાખ્યું. સોશિયલ મીડિયાના પ્રોફાઈલ પિક્ચરમાં છેલછબીલાને હટાવી પ્રિય બિલાડી સાથેની તસવીર મૂકી એના પર હેત વરસાવી રહ્યાં છે. હવે ‘ઓનલાઇન ડેટિંગ’ વિશે સજાગતા ફેલાવવાની સેવા કરી રહ્યાં છે.

પરદા જો ઊઠ ગયા તો ભેદ ખૂલ જાએગા
શાયર હસરત પ્રેમપુરીએ, સોરી જયપુરીએ ‘રૂખ સે જરા નકાબ ઉઠા દો, મેરે હુઝૂર, જલવા ફિર એક બાર દિખાદો, મેરે હુઝૂર’ લખ્યું એમાં પ્રિયતમાના હુસ્નના નિખાર માટે તલસાટ હતો. એમને તો સપનામાં પણ નહીં ધાર્યું હોય કે ધર્મના ઓઠા હેઠળ નકાબથી છેતરપિંડી કરવામાં આવશે. ઈન્ડોનેશિયાના એક યુવાનની આપવીતી એનું ઉદાહરણ છે. સોશિયલ મીડિયા પર આ યુવાન ધર્મપ્રીતિને કારણે કાયમ નકાબ પહેરી રાખતી યુવતીના પ્રેમમાં પડ્યો. બંને અવારનવાર મળ્યા, પણ ‘તુજે દેખા તો યે જાના સનમ, પ્યાર હોતા હૈ દીવાના સનમ’ ગાવાનો મોકો યુવાનને મળ્યો જ નહીં, કારણ કે ‘ધર્મપરાયણ છું’ એવું કહી યુવતી ‘પરદે મેં રહનેદો’નું રટણ કર્યા કરતી હતી. યુવાન પ્રેમમાં અંધ હતો અને ચહેરો જોયા વિના ‘મારા માતા- પિતા અવસાન પામ્યા છે’ એવી ચોખવટ કરનારી યુવતી સાથે લગ્ન કરી લીધા. જોકે, સુહાગરાત વખતે દિલ કા મિલન પછી તન કા મિલન માટે પત્નીએ નનૈયો ભણી દીધો. ત્યારબાદ બીમારી કે બીજા કોઈ બહાના કાઢી પત્ની અંતર રાખવા લાગી અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરવાનું પણ ટાળવા લાગી. ઘરમાં કાયમ નકાબ પહેરતી હોવાથી યુવાનને શંકા પડી, વહેમ આવ્યો. છાનબીન કરી પત્નીનું જૂનું સરનામું શોધી કાઢ્યું. પહોંચીને જુએ છે તો પત્નીના માતા-પિતા હયાત છે. આ તો બિંદુ જેવું અસત્ય હતું. સાગર જેવડું જૂઠ તો એને પત્નીના પેરેન્ટ્સ પાસેથી જાણવા મળ્યું કે એમને દીકરી નથી દીકરો છે. ત્રણેક વર્ષ પહેલા એમને દીકરામાં યુવતીનો ડ્રેસ પહેરી તૈયાર થવાની વૃત્તિ જોવા મળી હતી. ‘પરદા જો હટ ગયા તો ભેદ ખૂલ ગયા’ અને હવે પત્ની બનેલી ‘યુવતી’ સામે છેતરપિંડીનો કેસ થયો છે.

અપસેટ છો? રજા મળશે
તમે નોકરી કરી હશે તો સીક લીવ, સી એલ, પી એલ વગેરે મૂળભૂત રજાથી વાકેફ હશો. હવે તો મેટરનિટી લીવ અને પેટર્નિટી લીવ પણ મળે છે. આ યાદીમાં એક નવીનક્કોર રજાનો ઉમેરો થયો છે – સેડ લીવ. ગર્લફ્રેન્ડ – પત્ની સાથે ઝઘડો થયો છે? બેસ્ટ ફ્રેન્ડ કે નિકટની વ્યક્તિનું અણધાર્યું અવસાન થયું છે? કે બીજા કોઈ કારણસર અપસેટ છો કે ઉદાસ છો અથવા મન ખિન્ન છો અને નોકરીએ જવાની ઈચ્છા નથી? ચીનની એક કંપનીએ આવી માનસિક અવસ્થામાં રહેલા લોકો માટે એક એપ્રિલથી સાલની ૧૦ સેડ લીવ- ઉદાસીની રજા જાહેર કરી છે. સુપર માર્કેટ બિઝનેસ ધરાવતી ચાઈનીઝ કંપની માટે ગ્રાહકને ઉત્તમ સેવા આપવી એ પ્રધાન કર્તવ્ય છે. એ માટે પોતાના કર્મચારીઓ કાયમ સ્વસ્થ અને ખુશમિજાજ રહેવા જોઈએ એ વાત કંપની સુપેરે જાણે છે. રોજ સાત કલાક અને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરતા કર્મચારીઓને વર્ષમાં ૪૦ રજા મળે છે. આ અભિગમ કર્મચારીને ગ્રાહકને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા પ્રવૃત્ત કરે એ સ્વાભાવિક છે.

લ્યો કરો વાત
અજબ દુનિયામાં એવી ગજબ વાત બનતી હોય છે કે એ જાણ્યા પછી ટીકુ તલસાણિયાની માફક ‘યે ક્યા હો રહા હૈ?’ એમ ચિલ્લાવીને કહેવાનું મન થઈ જાય. એક ભાઈસાહેબે પોતાના ડૉક્ટર સામે કેસ ઠોકી દીધો અને કારણ તબીબી સારવારમાં બેદરકારી કે એ પ્રકારનું નહોતું. વાત એમ હતી કે એ ભાઈસાહેબ કોઈ શારીરિક સમસ્યાથી પીડાતા હતા. સંપૂર્ણ ચેકઅપ પછી ડૉક્ટરે નિદાન કર્યું કે ભાઈ, તમારું આયુષ્ય હવે ઝાઝું નથી અને સમય મર્યાદા જણાવી. હવે થયું એવું કે આપણા આ ભાઈ તો ડૉકટરે જણાવ્યું હતું એનાથી વધારે જીવી ગયા. એ ગિન્નાયા અને ડૉકટર પર કેસ ઠોકી દીધો કે ‘મારી આયુષ્ય રેખાતો બળવાન હતી. ડૉક્ટરે એ ભૂંસવાની કોશિશ કરી.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button