પુરુષ

ભેદ-ભરમની અજબ દુનિયા ને દુનિયાના ગજબ ભેદ-ભરમ

ક્લોઝ અપ – ભરત ઘેલાણી

આપણી આસપાસ અનેક ઘટનાઓ શું કામ બને છે એને આપણી બુદ્ધિ કે કોઈ જ્ઞાન-વિજ્ઞાન સમજાવી શકતું નથી-નથી ઉકેલી શકતું. આવી અકળ દુનિયામાં એક અલપ-ઝલપ ડોકિયું

ઈંગ્લેન્ડનું પ્રાચીન સ્મારક જેનાં પર બીજાં ગ્રહના લોકોએ લખેલાં આંકડા આજે પણ વણ ઉકેલાયા છે..

ડૂબેલા ગ્રીક જહાજમાંથી મળેલું સૌકાઓ જૂનું ગેબી યંત્ર..

બૃહદેશ્ર્વર મંદિર જેનો પડછાયો નથી પડતો નથી.

રહસ્યમય બર્મૂડા ત્રિકોણ…અહીં વિમાન- વહાણો ગૂમ થઈ જાય છે.

હાઈજેકર ડી. બી. કોપર

થ્રિલર – મિસ્ટરી – સસ્પેન્સ

એક રીતે જુઓ તો આ ત્રણેય શબ્દ એક જ ગૌત્રના લાગે.એક યા બીજી રીતે એકમેક સાથે સંકળાયેલા લાગે. અકળ કુદરતની કરામત છે કે આ જગતમાં આપણી આસપાસ કેટકેટલી વસ્તુ એવી છે , જે બહુ જ સહજતા સરળતાથી આપણને સમજાય જાય છે તો સામી બાજુએ અમુક એવી પણ ઘટના છે,જેને અનેક પ્રયાસ પછી પણ સમજી નથી શકતા-સમજાવી નથી શકતા અને જ્યાં આપણી સમજ-જ્ઞાન-બુદ્ધિ વગેરે નિષ્ફળ નીવડે છે એને આપણે મિસ્ટરી -ગૂઢ રહસ્યનું નામ આપીએ છીએ.

આમ તો ‘મિસ્ટરી’ અને ‘સિક્રેટ’ના શબ્દાર્થ વચ્ચે પાતળી ભેદરેખા છે, જેમકે, મિસ્ટરી આપમેળે સર્જાતી હોય છે-તમે એને ઈરાદાપૂર્વક સરજી ન શકો,પણ એને ઉકેલવાની હોય છે.બીજી તરફ, સિક્રેટ તમે યોજનાબદ્ધ સરજી શકો,જેને તમારે ગુપ્ત રાખવાનું હોય છે.

આ વાતને બીજી રીતે પણ સમજાવી શકાય,જેમકે જે વાતને આપણે ઈરાદાપૂર્વક બીજાથી છાની રાખીએ એ સિક્રેટ અને જે વાતને આપણે બરાબર સમજી ન શકીએ કે સમજાવી ન શકીએ એ મિસ્ટરી!

એક ઉદાહરણ લઈએ :૪૫૦૦ વર્ષ પૂર્વે ૧૦ ટનથી પણ વધુ વજનદાર પથ્થરોથી ઈજિપ્તના ઊંચાં-તોતિંગ પિરામિડ તૈયાર કંઈ રીતે થયાં?!

આવાં જ સમજાવી ન શકાય એવાં કેટલાંક ગૂઢ રહસ્ય તમિળનાડુના અતિ પ્રાચીન બૃહદેશ્ર્વર મંદિરની રચના સાથે સંકળાયેલાં છે.કાવેરી નદીના કિનારે ૧૦મી સદીમાં બનેલું આ વિરાટ શિવમંદિરની રચના માટે જે ગ્રેનાઈટ પથ્થર વપરાયા છે એ આજુબાજુના વિસ્તારમાં મળતાં ન હોવાથી એને છેક ૫૦ માઈલ દૂરથી લાવવામાં આવ્યા હતા. એ અતિ વજનદાર શીલાઓને અહીં સુધી લાવવા માટે પૂરા ૧૦૦૦ જેટલાં હાથીનો ઉપયોગ થયો હતો એવું ઈતિહાસ કહે છે ! આ મૂળ મંદિર નીચેથી અનેક છુપાં ભોંયરા પણ મળી આવ્યાં છે, જે દૂર દૂરનાં અન્ય મંદિરો સુધી સંકળાયેલાં છે !

આ શિવમંદિરની બીજી અવાક કરી દેતી વિશેષતા એ છે કે વિશ્ર્વનું આ એક માત્ર દૈવીસ્થાન છે, જ્યાં દિવસ દરમિયાન સૂર્ય પ્રકાશતો હોય છતાં જમીન પર મંદિરનો ક્યાંય પડછાયો પડતો નથી!

આજની તારીખે પણ જગતભરમાં આના જેવી કેટકેટલીય ઘટના એવી છે ,જેની પાછળનું કોઈ ચોક્કસ કારણ આપણે જાણતા નથી. એ બધી વણઉકેલાયેલા છે અને એને ઉકેલવા સંખ્યાબંધ સંશોધકો સતત પ્રયત્નશીલ હોવા છતાં એ હજુય ગૂઢ અને અકળ જ રહ્યા છે.

ઈંગ્લેન્ડનું આ ઉદાહરણ લઈએ ત્યાંના સ્ટેફોર્ડશાયર પરગણામાં ૧૮મી સદીનું એક સ્મારક છે.પહેલી નજરે એ કોઈ ઐતિહાસિક સ્મૃતિ ખડક જેવું લાગે,પરંતુ એની નજીક જઈને જુઓ તો એના પર અંગ્રેજીમાં આ અક્ષરો લખ્યા છે : ઉઘઞઘજટઅટટખ જાણીતા ઈતિહાસકારો-સંશોધનકારો-વિજ્ઞાનીઓ સુદ્ધાં
આ અક્ષર સમૂહનો શું અર્થ થાય એનો હજુ સુધી તોડ કાઢી નથી શક્યા..લોકવાયકા એવી છે કે કોઈ અજાણ્યા ગ્રહથી પૃથ્વીની મુલાકાતે આવેલા પરગ્રહવાસી પોતાના કોઈ કોડરૂપે આવો ગૂઢ સંદેશ લખી ગયા છે!

આવા જ ભેદ-ભરમની એક વાત માટે આજે યુરોપનું ગ્રીસ પણ જાણીતું છે. કહે છે કે ૨૦૦૦ વર્ષ પહેલાં ગ્રીકના અજાણ્યા ટાપુ પાસે એક શીપ અકસ્માતનો ભોગ બનીને ડૂબી ગયું હતું. . પાછળથી એના દરિયાઈ ભંગારમાંથી વિચિત્ર દેખાતું એક યંત્ર મળી આવ્યું,જે ત્યાંના ગ્રીક વિજ્ઞાનીઓ અને ઈતિહાસકારોના અભિપ્રાય મુજબ આશરે ઈશુ જન્મના ૧૫૦ વર્ષ પહેલાં બનેલું . કમ્પ્યુટર જેવી કામગીરી બજાવી શકતું આ યંત્ર વિભિન્ન ગ્રહણ તેમ જ અન્ય ગ્રહોની ગતિવિધિના ખબરઅંતર પણ રાખી શકતું હતું!

સૈકાઓ પૂર્વે આવું મશીન કોણે કંઈ રીતે બનાવ્યું એનો સંતોષકારક તાગ આજના સંશોધનકારોનેય હજુ મળ્યો નથી!

વિશ્ર્વમાં અનેક સ્થળ એવાં છે, જે એનાં વણઉકેલાયેલાં રહસ્યોને કારણે વિખ્યાત બન્યાં છે. આવી વિસ્મય જગાડતી જગ્યામાં ‘બર્મૂડા ટ્રાઈએન્ગલ’ મોખરે છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકાના ફ્લોરિડા-પ્યૂટોરિકા અને બ્રિટિશ બર્મૂડા ટાપુ સમૂહ ત્રિકોણ આકાર સર્જે છે એ સમુદ્રી વિસ્તારમાંથી પસાર થતાં જહાજ અને એના પરથી આકાશમાં પસાર થતાં વિમાનો પ્રવાસીઓ સાથે લાપતા થઈ જવાની અવારનવાર ઘટનાઓ બનતી રહે છે. પાછળથી વિમાન કે વહાણનો અત્તોપત્તો પણ નથી મળતો.એક અંદાજ મુજબ અહીંથી ૨૦૦૦ જેટલાં વહાણ અને ૭૫થી વધુ પ્લેન ‘અલોપ’ થઈ ગયાં છે. જો કે આવી ઘટના માટે હવામાનશાસ્ત્રીઓ ત્યાંના અતિશય ખરાબ હવામાનને દોષિત ગણાવે છે. આમ છતાં, આજે પણ બર્મૂડા બડું બદનામ છે
જો કે, આ બધી ન સમજાતી કે હજુ સુધી જેના સુરાગ-પગેરું પણ નથી મળ્યા એવી ઘટનાઓ વચ્ચે એક બનાવ તો એવો છે,જે બધા જ પ્રકારની રહસ્યકથાઓને ફિક્કો પાડી દે ..

આમ તો આ ઘટના લગભગ ૫૩ વર્ષ અગાઉની છે,પરંતુ એ એવી અનન્ય છે કે આજે પણ વિશ્ર્વની અનેક ન ઉકેલાયેલી મિસ્ટરી -રહસ્યકથાઓમાં એ શિરમોર સમાન છે અને આજે
પણ પોલીસ અને ડિટેક્ટિવ્સ સર્કલોમાં એની ચર્ચા થતી રહે છે
ઘટના પહેલી નજરે બહુ જ સરળ કે ચીલાચાલુ લાગે એવી હાઈજેકિંગ અને ખંડણીની છે. વાત કઈંક આમ છે.

અમેરિકાના પોર્ટલેન્ડથી સિએટલ સિટી માટેની નોર્થવેસ્ટ એરલાઈન્સ ‘ફ્લાઈટ-૩૦૫’ ટેકઑફ થવાની તૈયારીમાં હતી. ફ્લાઈટ માત્ર ૩૦ મિનિટની જ હતી. એ જ વખતે ડાર્ક સ્યુટ-વ્હાઈટ શર્ટ-બ્લેક ટાઈમાં ૪૦ વર્ષીય એક વ્યક્તિ વિમાનમાં દાખલ થઈ. એના હાથમાં એક બ્રિફકેસ હતી.એણે પોતાની બેઠક લીધી. લાઈટરથી સિગરેટ સળગાવી (એ જમાનામાં પ્લેનમાં સ્મોકિંગ કરી શકાતું). પેલી વ્યક્તિએ ચોતરફ નજર દોડાવી. ફ્લાઈટ ફૂલ હતી. એણે એર હોસ્ટેસને વ્હીસ્કી-સોડાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર સર્વ થયો. એણે ધીરે ધીરે વ્હીસ્કીની ઘૂંટ લેવા માંડી .થોડી મિનિટ પછી એણે એર હોસ્ટેસને બોલાવી. એણે પોતાના ડ્રિંકનું પેમેન્ટ ડૉલરમાં રોકડું ચૂકવી દીધું..એની સાથે એણે એક ચબરખી આપીને કહ્યું : ‘વાંચી લો’ પેલીએ એની પર ખાસ ધ્યાન ન આપ્યું એટલે પેલા શખસે નમ્ર સ્વરે કહ્યું : ‘મારું નામ ડી.બી.કોપર છે અને મારી પાસે બોમ્બ છે !’ એમ કહીને પેલાએ પોતાની બ્રિફકેસ ખોલી.એમાં ખરેખર ટાઈમ બોમ્બ હતો. પેલી એર હોસ્ટેસ ધ્રૂજી ગઈ. પેલાએ કહ્યું : ‘ડરો નહીં.. મારી આ નોટ તમારા ફલાઈટ કેપ્ટનને આપો-વંચાવો અને તાબોડતોબ એનો અમલ કરો!’

ભયભીત એર હોસ્ટેસે પાઈલટની કેબિનમાં જઈને પેલી નોટ વંચાવી. ફ્લાઈટ કેપ્ટને ક્ધટ્રોલ ટાવરને જાણ કરી. પેલા ડી. બી. કોપરે એના કાગળમાં ત્રણ માગણી કરેલી :
(૧) એને બે લાખ ડૉલરની રોકડ કરન્સી આપવામાં આવે. (૨) ચાર પેરાશૂટ આપવામાં આવે. (૩) આ ફ્લાઈટ સિએટલ લેન્ડ થાય ત્યારે એર ફયુલની ટેન્કર હાજર હોવી જોઈએ….

એરલાઈન્સ અને એરપોર્ટ સિક્યુરિટી સ્ટાફે ફ્લાઈટના ૯૦ જેટલાં પેસેન્જરની સુરક્ષા માટે હાઈજેકરની બધી માગણી સ્વીકારી લીધી. ‘ટેકનિકલ’ કારણસર ફ્લાઈટને મોડી કરવામાં આવી ત્યારે ડી. બી. કોપરે ખંડણીરૂપે માગેલા બે લાખ ડૉલર (જેની કિંમત આજે ૧૦ લાખ ડૉલર થાય !) રોકડા ઉપરાંત ચાર પેરાશૂટ એને સોંપી દેવામાં આવ્યા ત્યારે એ ફ્લાઈટના પેસેન્જરોને ખ્યાલ પણ ન હતો કે એમને હાઈજેક કરવામાં આવી રહ્યા છે..!

આખરે એ ફ્લાઈટ સાંજે સિએટલ લેન્ડ થઈ પછી વિમાનની ફ્યૂલ ટાંકી ભરવામાં આવી. અપહરણકર્તા ડી.બી.કોપરે પાઈલટ અને ફલાઈટ સ્ટાફની બે વ્યક્તિને રોકી રાખીને બધા પેસેન્જરોને જવા દીધા પછી પાઈલટને વિમાન નેવાડા થઈને મેક્સિકો તરફ લઈ જવા કહ્યું.

લાંબી ફ્લાઈટ પછી મોડી રાતના અંધારામાં નેવાડાના એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું ત્યારે બધાના આશ્ર્ચર્ય વચ્ચેએમાં પેલો અપહરણકર્તા ડી. બી. કોપર જ હાજર નહોતો..! બે લાખ ડૉલરની બેગ તથા એને આપેલા ચાર પેરાશૂટ પણ ગાયબ હતા ..!

રાતના અંધારામાં ઊડતા વિમાનમાંથી એ બહાર કૂદી પડ્યો કે એનું શું થયું એ રહસ્ય આજે પણ ઉકેલાયું નથી!

એકધારી શોધ-તપાસ પછી આ ઘટનાના દસેક વર્ષ બાદ ઓરેગોન સિટીના એક અવાવરુ સ્થળેથી બે વપરાયેલા પેરાશૂટ તથા ત્યાંની એક નાની મોટેલની રૂમમાંથી પેલા ડી. બી. કોપરને અપાયેલી ખંડણીની અમુક રોકડ રકમ સાથે બેગ પણ પોલીસને મળી ખરી, પણ સિએટલ ફલાઈટના હાઈજેકર ડી. બી. કોપર આજની તારીખે પણ અલોપ જ છે!

ડી.બી.કોપર જેવી તો અનેક વણઉકેલાયેલી ઘટના-કથાઓ છે, જેના પરથી અફ્લાતૂન રોમાંચક મર્ડર – મિસ્ટરી-સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કે વેબ-શો સરજી શકાય! (સંપૂર્ણ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button