આપણું ગુજરાત

શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને ત્રંબામાં યોજાયું સંત સંમેલન ; સનાતન ધર્મના અપમાનને નહીં સહવાની ચીમકી

રાજકોટ: સનાતન ધર્મના પ્રશ્નોને લઈને લીમડી, જુનાગઢ બાદ આજે રાજકોટના ત્રંબામાં ત્રીજી સનાતન ધર્મ સંત સંગોષ્ઠી યોજાય હતી. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આજે 11મી જૂને રાજકોટના ત્રંબામાં હિન્દુ ધર્મના સાધુ-સંતોનું સંમેલન દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયુ હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો સહિત 1,500થી 2,000 જેટલા સાધુ-સંતો હાજર રહ્યા હતા.

આ સંમેલનમાં દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય, મોરારિબાપુ, સંત શેરનાથ બાપુ, મૂકતાનંદ બાપુ, કૈલાશગિરિ મહારાજ, કનીરામ બાપુ, કરસનદાસ બાપુ, વલકુબાપુ, નિર્મળાબા પાળીયાદ, વિજયબાપુ, રમેશભાઈ ઓઝા, ઇન્દ્રભારતી બાપુ, દિલીપદાસજી મહારાજ, લલિતકિશોર બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં 2 હજાર જેટલા સાધુ સંતો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં સંપ્રદાયોના પુસ્તકોમાં દેવી દેવતાઓ વિશે પુસ્તકોમાં કરવામાં આવેલ ખોટા અને મનઘડત ચિત્રણ સામે પગલાં લેવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

ચાપરડાના મહંત મુકતાનંદ બાપુએ સભાને સંબોધતાએ કહ્યું હતું કે સનાતન પરંપરા પ્રાચીન છે, તે સગુણ અને નિર્ગુણ બંને પરંપરાને માનનારી છીએ. પરંતુ આજે સૌએ એક થવાનો સમય છે. આપણે આપણી પરંપરામાંથી ઘણું ભૂલ્યા છીએ અને આજે આપણું નેતૃત્વ દ્વારકાના શંકરાચાર્ય આપનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સંગઠન કોઈ દંગલ કરવા કે કોમવાદ કરવા નથી માંગતુ. સનાતન ધર્મ આજ સુધી ટક્યો છે કારણ કે તેણે કોઇની લીટી ભૂંસી નથી. આ સંગઠન દેશ અને ધર્મની સેવા કરવા માંગે છે. સંસ્કૃતના વિદ્યાલયો ખોલવામાં આવશે સંસ્કૃત ભાષાને જાણીને વેદ અને ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરી યુવાનો સાધુ-સાધ્વી બનીને મઠોનું રક્ષણ કરે. સંસ્કૃત વેદશાળાઓ સ્થપાય અને યુવાનો ધર્મ તરફ વળે. સાથે જ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ છે.

સંમેલનમાં ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત એસપી સ્વામીએ જણાવ્યું હતું કે અમે પણ સનાતનનો ભાગ છીએ અને કોઈપણ દેવીદેવતાઓનું અપમાન થાય તેવું લખાણ મૂળ સંપ્રદાયમાં ક્યાંય નથી. અમે એ આચાર્ય પરંપરામાંથી આવીએ છીએ કે જેમાં દેવીદેવતાઓનું અપમાન થાય તેવું વાંચવું પણ નહી. શિક્ષાપત્રીમાં આવા કોઈ ઉલ્લેખ નથી અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે રાજાશાહીમાં રાજા સાથે ચર્ચાઓ થતી પરંતુ લોકશાહીમાં આ સ્થાન રહ્યું નથી.

આ પણ વાંચો: આવતીકાલે ત્રંબામાં શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને સાધુ-સંતોનું સંમેલન : સ્વામીનારાયણ સંપ્રદાય પર લેવાશે પગલાં

આ સંમેલનમાં ઉપસ્થિત રહેનાર કથાકાર રમેશ ઓઝાએ જણાવ્યું હતું કે વ્યાસપીઠ પ્રત્યે જવાબદારી નિભાવવાની છે. ધર્મ નબળો નથી, ધર્મની રક્ષા થકી આપણી રક્ષા સંભવ છે. અમુક જગ્યાએ સનાતનને હાનિ પહોંચે છે તે હકીકત છે. બાજુવાળો ઠોસા મારે ત્યારે કહેવું પડે કે તમારી આ વ્હાલ કરવાની રીત અમને ગમતી નથી. સનાતનની ગંગાની સમીપ રહો. જે શબ્દ પ્રયોગો થાય ત્યાં તકલીફ છે, બીજાને નીચા પાડવામા આવે છે તે ન થાય તેટલા માટે સૌ સંપીને રહો તે સનાતન ધર્મની સેવા છે.

આ બેઠકમાં દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે વાત સનાતન ધર્મની ચાલતી હોય ત્યારે સંત અને સનાતન ક્યારેય પેદા નથી થતાં હમેંશા રહે છે, જેમાં વ્યભિચાર નથી થતો તેણે સનાતન કહે છે. વિશ્વમાં કોઈ વસ્તુ પહેલાં નથી હોતી તો તે પ્રાપ્ત થતું નથી. વેદો પહેલેથી શ્વાસમાં પ્રાપ્ત હતા. સનાતન ધર્મ સંરક્ષણ ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મના પ્રચાર, પ્રસાર કરવામા આવશે. ધર્મનું પાલન કરવું એ જ ધર્મની રક્ષા છે. આપણી વૃત્તિમાં ધર્મનો પ્રવેશ કરાવવા માટેની આ ઘોષણા છે.

મોરારીબાપુએ કહ્યું હતું કે અમે રખડું માણસ છીએ અમે કોઈ બેઠકમાં હાજર ન રહી શકીએ તો માફ કરજો. જગદગુરુ આદિ શંકરાચાર્ય પંચ દેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે. આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ. અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું છે.ભગવાન રામ, કૃષ્ણ, શિવ, સૂર્ય, ગણેશ, હનુમાનજી, ભગવાન વ્યાસ સનાતન છે તેનો નાશ કોઈ નહીં કરી શકે.

આ સંગઠનના ગુજરાત અધ્યક્ષ તરીકે શેરનાથ બાપુ અને કાર્યકારી અધ્યક્ષ કનીરામ બાપુની નિમણૂક કરવામાં આવી છે. તો મહામંત્રી તરીકે લતીત કિશોર બાપુને નીમવામાં આવ્યા છે તો સભ્ય તરીકે નિર્મળાબા, શિવરામસાહેબ, વિજયબાપુ, કરશનદાસ બાપુ, દુર્ગદાસ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, રઘુરામ બાપુ સહિતના કુલ 20થી વધારે સાધુ સંતોને ભારતના સભ્યોને નિયુક્તિ પત્ર સોંપવામાં આવ્યા હતા. મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝાને સનાતન સન્માન પત્રક અપાયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button