મહિલાએ બેન્ક અધિકારીના સ્વાંગમાં આયર્ન-સ્ટીલ માર્કેટ કમિટીને રૂ. 54 કરોડનો ચૂનો ચોપડ્યો
થાણે: રાષ્ટ્રીયકૃત બેન્કની અધિકારીના સ્વાંગમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન આયર્ન એન્ડ સ્ટીલ માર્કેટ કમિટી સાથે રૂ. 54 કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કલંબોલી સ્થિત કમિટીના અધિકારી દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ મહિલાએ કમિટીના સભ્યો અને પદાધિકારીઓને જૂન, 2022માં પોતાની ઓળખપનવેલની રાષ્ટ્રીયકૃત બેન્કની મેનેજર તરીકે આપી હતી. મહિલાએ બાદમાં તેમનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો અને કમિટીનું ભંડોળ ફિકસ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા માટે તેમને મનાવી લીધા હતા. નકલી દસ્તાવેજો સાથે ક્વોટેશન સુપરત કરીને ઉચ્ચ વ્યાજ દર આપવાનું તેમને વચન આપ્યું હતું.
આ પણ વાંચો: ફ્લૅટ ખરીદનારાઓ સાથે 3.82 કરોડની છેતરપિંડી: બિલ્ડર વિરુદ્ધ ગુનો
કમિટીના સભ્યો અને પદાધિકારીઓએ રૂ. 54.28 કરોડનું રોકાણ કર્યું હતું અને મહિલાએ તેમને બોગસ અને ચેડાં કરેલી રસીદો આપી હતી. જોકે ફિકસ્ડ ડિપોઝિટની મુદત પૂરી થતાં જ કમિટીએ રિફંડ અને વ્યાજ માગ્યું હતું. એ સમયે મહિલાએ ઉડાઉ જવાબ આપવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત તે રોકાણ કરેલી રકમ પાછી આપવા ગલ્લાંતલ્લાં કરવા લાગી હતી.
મહિલાએ 24 મે, 2024ના રોજ બેન્કની ટ્રેઝરી અને રોકાણ વિભાગ દ્વારા જારી કરાયો હોવાનું દર્શાવતો પત્ર આપ્યો હતો, જેમાં નાણાંનું વળતર અને વ્યાજની રકમ પાછી આપવા માટે વધુ સમય માગ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે પોલીસે સોમવારે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)