ઇન્ટરનેશનલનેશનલ

ત્રીજી મુદતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી વિદેશયાત્રા ઈટાલીમાં: જી-7 સમિટમાં હાજરી આપશે

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકેની ત્રીજી મુદતમાં પોતાની પહેલી વિદેશયાત્રા માટે આ અઠવાડિયે ઈટાલી જવા રવાના થશે. તેઓ જી-7ની એડવાન્સ્ડ ઈકોનોમીસ પરની વાર્ષિક સમિટમાં હાજરી આપશે.

ઈટાલીના આપુલિયા ક્ષેત્રમાં 13થી 15 જૂન દરમિયાન બોર્ગો એગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં જી-7 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સમિટમાં યુક્રેન યુદ્ધ અને ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષના મુદ્દા ઉપસ્થિત થાય એવી શક્યતા જોવાઈ રહી છે.

આ પણ વાંચો: ઇઝરાયલ વોર કેબિનેટના પ્રધાને રાજીનામું આપ્યું, નેતન્યાહુ સરકારને મોટો ફટકો

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન, ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોં, જાપાનીઝ વડા પ્રધાન ફુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો આ સમિટમાં હાજરી આપનારા અન્ય નેતાઓ છે. યુક્રેનના પ્રમુખ વોલોડાયમર ઝેલેન્સ્કી રશિયા દ્વારા તેમના દેશમાં કરવામાં આવેલી ઘૂસણખોરીના મુદ્દે રજૂઆત કરવા માટે એક સત્રમાં હાજરી આપશે.

મોદીની ઈટાલીની નિર્ધારિત મુલાકાત અંગેની માહિતી ધરાવતા લોકોએ કહ્યું હતું કે મોદી 13 જૂને ઈટાલી જવા નીકળશે અને 14 જૂને મોડી રાતે પાછા ફરશે. વડા પ્રધાન તરીકેની ત્રીજી મુદતમાં આ તેમની પહેલી વિદેશયાત્રા રહેશે.

આ પણ વાંચો: ‘….તો હું એપલના ડિવાઈસીસ પર પ્રતિબંધ લગાવી દઈશ’ ઈલોન મસ્કે Apple ને આપી ધમકી

મોદીની ઈટાલી મુલાકાત અંગે હજી સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મોદીની સાથે જનારા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળમાં વિદેશ બાબતોના પ્રધાન એસ. જયશંકર, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને એનએસએ અજીત ડોવાલ રહેશે એવું માનવામાં આવી રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સહિત કેટલીક દ્વીપક્ષી મંત્રણાઓ કરે એવી શક્યતા જોવાઈ રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જાપાનના હિરોશીમામાં આયોજિત જી-7 સમિટમાં પણ મોદીએ હાજરી આપી હતી અને આ સમિટની સાથે તેમણે ઝેલેન્સ્કી સહિત સંખ્યાબંધ નેતાઓ સાથે મંત્રણાઓ પણ કરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button