લાડકી

મહાભારત આવું પણ હોઈ શકે

લાફ્ટર આફ્ટર – પ્રજ્ઞા વશી

મને એક વાર એક બહેને પૂછેલું કે, મહાભારતની શરૂઆત ક્યારે થઈ હશે ? મેં એ બહેનના ગહન પ્રશ્નનો જવાબ પણ ગહન રીતે જ આપ્યો. આમ તો બહેન, આ પ્રશ્ર્નનો જવાબ હજી સુધી કોઈ આપી શક્યું નથી, પણ છતાં આપને મારી વિદ્વત્તા ઉપર માન હોય એટલે જવાબ તો આપવો જ રહ્યો. જુઓ, બહેન, મહાભારત કેમ, ક્યારે, ક્યાં, કોના વડે, કોના વચ્ચે, કોની પ્રેરણાથી, કયા સ્થળે, કયા પ્રકારનું અને એમાં કયાં કયાં પ્રેરકબળોએ ભાગ ભજવ્યો એ હજી સુધી કોઈ કરતાં કોઈ સત્તાવાર રીતે કહી શક્યું નથી.

પેલાં બહેન મારી વિદ્વત્તા અને વાક્પટુતા ઉપર ઓળઘોળ થઈ ગયાં હોય એમ એમની વિસ્ફારિત આંખો દ્વારા હું સમજી ગઈ અને એ પ્રભાવ હેઠળ એ બહેન, બીજી ભૂલ કરી બેઠાં અને વળતું પૂછી બેઠાં: તો પછી સાથે સાથે એનાં ઉત્તમ ઉદાહરણ પણ સમજાવો તો જરા એની ગહનતાનો વધુ ખ્યાલ આવે. અને એ પછી મેં મારી યુદ્ધ અંગેની ઉદાહરણોની વિદ્વત્તા અસ્ખલિત રીતે વહાવવી શરૂ કરી.

જુઓ બહેન, કોઈ ઑડિટોરિયમમાં સરસ નાટક જોવા લોકોની મેદની ભેગી થઈ હોય, દરેકે ૨૦૦ રૂપિયાની મોંઘીદાટ ટિકિટ ખરીદી હોય… દૂર દૂરથી પેટ્રોલ ફૂંકીને આવ્યા હોય અને શો નવની જગ્યાએ ૧૦ વાગ્યે પણ ચાલુ ન થાય અને પછી અચાનક ઑડિયન્સને ખબર પડે કે નાટકનો હીરો હિરોઈન જોડે ખરેખરનો રફુચક્કર એટલે કે ભાગી ગયો છે અને હવે નાટક ભજવી શકાય એમ નથી… પછી જે ઑડિયન્સ ઉશ્કેરાય ને ભાંગફોડ કરે એ યુદ્ધનો જ એક પ્રકાર કહેવાય… અહીં કોઈને પણ ક્યાં ખબર હતી કે યુદ્ધ ક્યાં, ક્યારે ને કેમ થવાનું છે?

ઉદાહરણ બીજું – કોઈ અગ્રણી સાંસદ છાયાવતી વડા પ્રધાન વિશે એકાદ વિસંવાદી કે એલફેલ વિધાન જાહેરમાં કરે અને પછી કેટલાક પક્ષ છાયાવતી તરફ અને કેટલાક પક્ષો વડા પ્રધાન તરફી મીડિયામાં તડાફડી મચાવે અને પ્રજા ઉપર કાળો કેર વર્તાવે એ પણ તો એક યુદ્ધ જ છે ને? એમાં પણ કોઈને ખબર હતી કે ક્યાં, ક્યારે ને કેમ યુદ્ધ ફાટી નીકળશે અને એમાં કોણ ઘાસલેટ, પેટ્રોલ છાંટશે ? આધુનિક મીડિયા યુદ્ધોમાં ચેનલો મોટે ભાગે શકુનિ કે મંથરાની ભૂમિકા પૂરી પાડે છે જે પણ અડફેટે ચડે એનાં મ્હોંમાં માઇક ઘુસાડતાં પૂછશે, હાં, તો આપકો ક્યા લગતા હૈ? છાયાવતી કા યહ વિધાન ઠીક થા…? ક્યા પ્રધાનમંત્રી કા કોઈ વજૂદ હૈ કિ નહીં ? ક્યા આપ કુછ કહના ચાહોગે ? બહેન, આવાં યુદ્ધોનો પ્રકાર એટલે પાણી વલોવીને માખણ કાઢવાનો મિથ્યા પ્રયાસ. આ તો ઠીક છે પણ, બહેન, સૌથી ગંભીર-ગહન અને ક્યારેય ન ઊકલી શકે કે ન સમજી શકાય એવાં સેંકડો નાનાં નાનાં યુદ્ધો હર ક્ષણે, હર ઘરમાં થતાં રહે છે, જેનું એક ઉદાહરણ આપી હું મારી વાત પૂરી કરીશ. પણ એમાં પણ ક્યાં, ક્યારે ને કેમ, જેવા પ્રશ્ર્નનો કોઈ સાચો ઉત્તર આજ સુધી મળ્યો નથી કે મળવાનો પણ નથી. દા.ત. :

જોયું ? મેં નહોતું કહ્યું કે મહાભારત પુરુષોને લીધે જ થાય છે ? ‘મહાભારત’ સિરિયલ જોતાં જોતાં શ્રીમતી અચાનક ઉવાચ. પછી તો પૂછવું જ શું ? પતિદેવ (શ્રીમાન) તાડૂક્યા: તારું બોલેલું વિધાન પુરવાર કરવું પડશે. આમ અચાનક સમજ્યા વિચાર્યા વિના લવારા કરવાની તારી આદત ક્યારે જશે ?
કેમ ? સત્યવચન કડવું લાગ્યું?

સત્ય હોય તોને?

ત્યાં જ સામે ટી.વી. પર મહાભારતમાં કૃષ્ણ દ્રૌપદીને મળવા એકલા જઈ રહ્યા છે એ સીન શરૂ થયો. એટલે શ્રીમતીએ ‘કી’ પોઇન્ટ પકડીને બીજું એક સત્યવચન ફટકાર્યું. જોયું, જોયું.. આમ પારકી સ્ત્રીઓને એનાં ભવનમાં એકલાં મળવા જાય તો પછી મહાભારત નહીં તો શું થાય ?

મમ્મીની આ વાત સાથે હું સહમત છું, એમ કહેતી દીકરી પણ ઘરેલુ મહાભારતમાં વગર વિચાર્યે કૂદી પડી.
શ્રીમાન અકળાયા, પણ આખરે પુરુષ (પાછું સ્ત્રીની જેમ એ લોકોની બુદ્ધિ કંઈ પગની પાનીએ થોડી રહે છે!) મહાનાયક કૃષ્ણ કે જે સમગ્ર પુરુષજાતિના લીડર. કૃષ્ણ લાંછન કે શ્રીમાનજીનું ઇન્સલ્ટ… ગળું ખોંખારીને એ તરત જ બોલ્યા: તો, સાંભળ. મહાભારત એક સ્ત્રી, એટલે કે દ્રૌપદીને લીધે થયું હતું અને મહાભારતકાળ બાદ સાંપ્રતયુગ સુધી જેટલાં પણ નાનાં મોટાં સામાજિક, કૌટુંબિક, રાજકીય કે ઘરેલુ યુદ્ધો થાય છે તે માત્ર ને માત્ર સ્ત્રીઓને જ કારણે થાય છે અને મારું આ વિધાન બસો ટકા સાચું છે અને એ હું પુરવાર કરવા સમર્થ છું, સમજ્યાં?

હવે દીકરો પણ ઘી હોમવા કૂદ્યો. હું પપ્પાના આ બસો ટકા સત્યાધીન વિધાન સાથે પૂરેપૂરો સહમત છું અને હું એમના આ યુદ્ધમાં છેવટ સુધી અંતિમ પડાવ સુધી તન-મન-ધનથી તૈયાર છું… ‘જય મહાકાલ’. હું આ યુદ્ધનું બ્યૂગલ વગાડી (સીટી વગાડવા ગયો પણ સીટી ફૂટી જ નહીં.) શુભારંભ કરવાનો આદેશ આપું છું!
ત્યાં તો દીકરી તરત જ સીટી વગાડતાં બોલી, ડફોળ, એક સીટી ફોડતાં તો આવડતી નથી અને આદેશ આપવા નીકળી પડ્યો છે. પપ્પાનો ચમચો, કેમ બટર લગાવે છે તે બરાબર ખબર છે મને…!

હવે જા જા… મોટી મમ્મીની ચમચી, તું પણ કેમ બટર લગાવે છે મમ્મીને, એ મને ખબર છે….! (બળતામાં ઘી હોમવાની પ્રથા દરેક ઘરમાં મહાભારતથી જ હશે.) ખામોશ… શ્રીમતીએ ગળું ગરમ કરીને શંખનાદ ફૂંક્યો જ ફૂંક્યો…. મને મારી દીકરી ઉપર પૂરો વિશ્ર્વાસ છે. તમને અમારા સ્ત્રી-સંગઠન સામે જલન છે. સ્ત્રીઓના વિકાસ સામે, એકતા સામે વાંધો છે અને એટલે… પુરુષોની જલનવૃત્તિને કારણે જ યુદ્ધો વધી રહ્યાં છે.
શ્રીમતી સ્ત્રી-સંગઠન – એકતા ઉપર પ્રવચન લંબાવે તે પહેલાં શ્રીમાન ઉવાચ: સત્ય તો એ છે કે દ્રૌપદી જો કટુવેણ બોલી ન હોત તો કૌરવોએ બદલો લીધો ન હોત અને મહાભારતનું યુદ્ધ થયું ન હોત અને બીજી વાત કે આપણે શા માટે એવા વિખવાદમાં પડીને આપણું લગ્નજીવન બગાડવું…! ચાલ, હવે રહેવા દે, ડાર્લિંગ. આવા ખોટા વિખવાદમાં ને વિખવાદમાં તું રસોઈ કરવાનું જ ભૂલી ગઈ છે તે તો યાદ છે ને?

હા હા, એ તો તમને હું જીતતી લાગી એટલે વાત બદલવા લાગ્યા છો, પણ એમ કાંઈ હું હાર સ્વીકારું એવી નથી. કૃષ્ણની રાસલીલા અને કાવાદાવાના કારણે જ યુદ્ધ થયું હતું, એ વાત નક્કી છે. જો સખી દ્રૌપદી અને બીજી હજારો પટરાણી સાથે રાસલીલા ન કરી હોત તો કૌરવોને આટલી બધી ઈર્ષ્યા ન થઈ હોત અને કદાચ બે-ચાર ગામ લખી પણ આપ્યાં હોત…

ચાલો, આ વાત છોડો, પણ આજના યુગમાં પણ શું છે? એક ઉદાહરણ આપણા ઘરનું જ આપું. તે દિવસે તમારા દૂરનાં સગાં-વહાલાં વગર કહ્યે રહેવા આવ્યાં… એટલે તમે તો ચોવીસ કલાક એમની આગળ ને પાછળ. હજી એ ગયાં ત્યાં તમારાં નજીકનાં સગાં-વ્હાલાં પધાર્યાં. (એ તો મને પાછળથી ખબર પડેલી કે તમે જ એમને આગ્રહ કરી કરીને બોલાવેલાં.) ઉપરથી કામવાળીએ ઇ.ક. લીધેલી…

આ ઇ.ક. એટલે શું, મમ્મી? દીકરાએ પૂછ્યું. તું તો મમ્મીને ઉશ્કેરીશ જ નહીં, હોં… મમ્મીને બોલવામાં વચ્ચે ડિસ્ટર્બન્સ ન કર, સમજ્યો ? હું પપ્પાને વચમાં વચમાં કંઈ પૂછું છું ?

ઇ.ક.’ એટલે બેહણાંની રજા. નહીં જાણતાં હો તો જાણી લો. જો વચમાં કોઈ બોલશો નહીં. હમજ્યાં? હવે મમ્મી તાડૂકી… એની આંખો હવે મોટી થવા લાગી હતી અને અવાજમાં છાયાવતીનો ઘોઘરો સૂર અહાલેક જગાવી રહ્યો હતો.

મહેમાન આવેલાં તે દિવસે કામવાળીએ સીધો પપ્પાને જ ફોન કર્યો – હેલો, સાહેબજી, તમે મારી વાત ઝટ હમજી હકો છો, ભલા માનુસ છો એટલે તમને ફોન કર્યો છે.

મારી કાકી હાહુ ગુજરી ગઈ તે બેહણાંમાં જવાનું છે. આજે જરાં મારી ઇ.ક. ગણવાનું હેઠાણીને કહી દેજો… ને હેઠાણીને જરાં (મારા વતી) પગાર ની કાપવાનું હોં હમજાવી દેજો… તમે તો ભલા માનુસ રીયા જ છોને સાહેબજી!!

તે આ ભલા માનુસ ભાટાઈ કરતાં ફોન પર હજી બોલે જ છે કે, હા, હા, કામિનીબહેન, તમે તમારે ક્રિયાપાણી પતાવીને જ આવજો… ને એમાં વળી… તમે તો ઘરનાં જ છો… તે હેં વળી પગાર હું કાપવાનો…?

શ્રીમાનના લટકા જોઈને ફોન લેવા દોડી તો પેલી કામણગારીએ કામણ કરીને ફોન કટ કર્યો, એટલે કે સ્વીચ ઑફ જ કરી દીધો. એક કામવાળી મારો નંબર હોવા છતાં ભલા માનુસને ફોન શા માટે કરે ? આ કડવા સત્યનો જવાબ છે તમારી પાસે ? ઑલ રેડી, દૂરનાં સગાંઓ હજી માંડ ઘર ખાલી કરીને ગયાં હોય ત્યાં નજીકનાં વ્હાલાં-દવલાંને બોલાવી…ઉપરથી કામવાળીને… ચાલુ પગારે રજા આપનાર તમે બીજા કૃષ્ણ બનવાની કોશિશ શા માટે કરી તે કહો! અને જો આમ ને આમ ચાલતું રહે તો ઘરેલુ મહાભારત કઈ રીતે વિરામ પામશે, તે કહો.

આવાં આવાં તો અનેક ઉદાહરણ આપણા ઘરમાં રચાઈ ચૂકેલાં છે કે જે યુદ્ધનાં સ્મરણો મારા મગજમાં ઘમસાણ યુદ્ધ મચાવી રહ્યાં છે. તમે કહો તો હું ગણાવું. હું બીજાં પણ અનેક ઉદાહરણો ટાંકી શકું એમ છું. ધીરે ધીરે અનેકગણા મોટા થઈ ગયેલા ડોળા… ખરજનાં સૂરમાં તરડાતો કર્કશ અવાજ અને રસોઈ માટે હાથમાં લીધેલું જાડું – ધોખા જેવું વેલણ જોઈને, શ્રીમાનને મસ્તકે ચડેલી બુદ્ધિ સીધી પગની પાનીએ આવી ગઈ.. અને એમણે ટી.વી. ચેનલ બદલી. મહાભારત સિરિયલની જગ્યાએ રામાયણ સિરિયલનું દૃશ્ય ધોબીપુરાણ’ શરૂ થયું. મૂઓ આ ધોબી ! શ્રીમતી તાડૂક્યાં. જોયું, જોયું? રામાયણ પણ એક પુરુષને કારણે જ રચાયું હતું… સતી સીતાનો શો વાંક હતો? કહો જોઈએ.. મારા કડવા સત્યને પડકારવાની તાકાત છે તમારી પાસે ? ઈધર કૂંઆ, ઉધર ખાઈ, કરેં તો ક્યા કરેં ? વાત સાવ જ આડા પાટે ચડી ગઈ હતી – અને એમ પણ સ્ત્રીના રૌદ્ર કરાલ સ્વરૂપ સામે કોણ ટકી શક્યું છે ભલા ?

શાસ્ત્રોક્ત લડાઈ હોય, શસ્ત્રની લડાઈ હોય કે ઍટમબોમ્બ ફાટવાનો હોય તો એનો ફ્યૂઝ પણ કાઢી શકાય, પણ શ્રીમતીના કડવા સત્યાસત્યને પડકારવો કે લડત ચાલુ રાખવામાં સવારનું લન્ચ તો ગયું જ ગયું, પણ સાંજનું ડિનર પણ જશે, એના કરતાં તો જાન બચી તો લાખોં પાયે એ વિધાનના સત્યને ગળે લગાવીને શ્રીમાન તેમજ એનો ચમચો ધીમે રહીને એવાં સરક્યાં કે પછી એઓ ઠેઠ ત્યારે જ પાછાં આવ્યાં કે જ્યારે એમને સ્ત્રી-હઠયોગનું જ્ઞાન બરાબર લાધ્યું… અને સીધાં પિઝા હટનાં શ્રીમતીને ખૂબ ભાવતા પિઝાનો રસથાળ લઈને, બોલ્યું-ચાલ્યું માફ, ડિયર… કહેવા સુધીની સુબુદ્ધિ સુમતિ સાથે… લૌટ કે બુદ્ધુ ઘર કો આયે…!!

જાન બચી તો લાખોં પાયે…!!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button