ગુજરાતનાં દ્વારકામાં ઝડપાયું 10 કરોડનું ચરસ; કોણ બનાવે છે ‘ઉડતા ગુજરાત’ ?
ગુજરાત નશીલા દ્રવ્યોનું હબ બનવા જઇ રહ્યું હોય તેમ દ્વારકાના મોજપ બંદરથી બિનવારસી હાલતમાં ચરસના 21 પેકેટ મળતા ખળભળાટ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે હજુ 4 દિવસ પહેલા જ અંદાજે 16 કરોડની આંતર રાષ્ટ્રીય કિમતના લગભગ 32 પેકેટ રૂપેણ બંદર પાસેથી મળ્યા હતા. અત્યારે જે 21 પેકેટ ઝડપાયા છે તેની આંતર રાષ્ટ્રીય બજારમાં કિમત અંદાજે 10 થી 11 કરોડ આંકવામાં આવી રહી છે.
ગુજરાતમાં છાસવારે માદક દ્રવ્યો ઝડપાય છે. કચ્છના ક્રિક વિસ્તારમાં હોય કે કંડલા પોર્ટ પર પાકિસ્તાન ,અફઘાનિસ્તાનની માદક દ્રવ્યોના કંસાઇનમેન્ટ મોટી માત્રામાં ઝડપાયા છે. જ્યારે જ્યારે નશીલા દ્રવ્યો ઝડપાય છે ત્યારે પોલીસ અને તપાસ એજન્સીઓ પોતાની પીઠ થાબડે છે. પરંતુ આવે છે ક્યાંથી અને કેરિયર કોણ છે ? તે અંગે કોઇ માહિતી સામે આવતી નથી. હજુ 4 દિવસ પહેલા જ આ જ વિસ્તારમાંથી ઝડપાયેલા 16 કરોડની કિમતના ચરસ અંગે પણ કોઇ ખાસ માહિતી સામે આવતી નથી. ત્યાં જ વધુ 10 કરોડની કિમતનું ચરસ પકડાતાં હવે પોરબંદર-દ્વારકા પોલીસ સહિતની એજન્સીઓ સક્રિય થઈ છે.
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકાના દરિયામાંથી 42 લાખનું ચરસ પકડાયું
ગુજરાતનો સમુદ્રી કાંઠો હજુ પણ રેઢો ?
મુંબઇમાં 1992 આસપાસ થયેલા સિલસિલાબંધ વિસ્ફોટો દરમિયાન મુંબઈ બ્લાસ્ટના કનેકશન ગુજરાતમાં ખુલ્યા હતા. યાદ અપાવી દઈએ કે,માયાનગરી મુંબઈ દહલાવી દેનારી આ ખોફનાક હિંસા 12 માર્ચ, 1992ના રોજ ઘટી હતી . મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં 257 લોકોનાં મોત થયાં હતાં. મુંબઇમાં ઉપરા- છાપરી એક પછી એક એમ 12 પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટમાં ગુજરાતની ભૂમિકા સક્રિય રહી હોવાનું સામે આવ્યું. પોરબંદર નજીકના ગોસાબારા બંદરથી વિસ્ફોટકો સમુદ્રી માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. જેમાં એક આરોપી મમુ મિયા પંજૂમિયાની સક્રિય ભૂમિકા રહી હતી. વર્ષ 2006-2007માં મુંબઈ બ્લાસ્ટના 15-16 વર્ષે દુબઈમાં આવેલી દાઉદ ઇબ્રાહિમની બિલ્ડિંગ કેથે પેસિફિકમાં થી રેડ કોર્નર નોટિસ હેઠળ ઝડપાયો હતો. ત્યાર બાદ મુંબઇમાં 26/11 હોટેલ તાજ પર હુમલો અને કસાબ સહિતના આતંકીઓ પોરબંદરથી સમુદ્રી માર્ગે જઈને હૂમલો કરી આવ્યા હતા.
હવે, માદક દ્રવ્યોની હેરાફેરી મોટા પાયે ચાલુ થઈ છે અને ઝડપાય છે એ જોતાં લાગે છે કે ગુજરાતનો 1600 કિલો મીટરનો સમુદ્રી કાંઠો હજુ પણ રેઢા પડ જેવો છે.