શું મોદીને વડા પ્રધાન તરીકે ત્રીજી ટર્મ માટે જનાદેશ છે: મોદીની નહીં, ભારત સરકાર છે: શરદ પવાર
પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક સતત ત્રીજી મુદત માટે પદના શપથ લીધાના એક દિવસ પછી એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે સોમવારે જાણવા માગ્યું હતું કે શું તેમની પાસે દેશનું નેતૃત્વ કરવાનો ‘જનાદેશ’ છે.
ભાજપના ટીકાકાર પવારે ધ્યાન દોર્યું હતું કે ભગવી પાર્ટી હમણાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવવાથી દૂર રહી ગઈ હતી અને કેન્દ્રમાં નવી ગઠબંધન સરકાર બનાવવા માટે તેમણે સાથી પક્ષોનો ટેકો લેવો પડ્યો હતો.
તેઓ એનસીપી પચીસમા સ્થાપના દિવસ નિમિત્તે પુણેથી લગભગ 125 કિ.મી. દૂર અહમદનગરમાં પાર્ટીના એક મેળાવડામાં બોલી રહ્યા હતા જ્યાં પાર્ટીના નવા ચૂંટાયેલા સાંસદોનું સન્માન કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા (9 જૂને) પરંતુ શપથ ગ્રહણ કરતાં પહેલાં શું તેમની પાસે દેશનો જનાદેશ હતો? શું દેશની જનતાએ તેમને સંમતિ આપી હતી? તેમની (ભાજપ) પાસે બહુમતી નહોતી. તેઓએ તેલુગુ દેશમ પાર્ટી અને બિહારના મુખ્ય પ્રધાન (નીતીશ કુમાર)ની મદદ લેવી પડી ત્યારે તેઓ સરકાર બનાવી શક્યા છે, એવું રાજ્યસભાના સાંસદ શરદ પવારે કહ્યું હતું.
ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાને કહ્યું હતું કે વર્તમાન ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર અગાઉની સરકારો કરતાં અલગ છે.
ચૂંટણીના સમયગાળા દરમિયાન મોદી જ્યાં પણ ગયા (પ્રચાર માટે) ત્યાં તેમણે સરકારનો ઉલ્લેખ ભારત સરકાર તરીકે નહોતો કર્યો. તેઓ મોદી સરકાર, મોદીની ગેરંટી એવી વાતો કરતા હતા. આજે મોદીની એ ગેરંટી રહી નથી.
આજે ગઠિત થયેલી મોદી સરકાર નથી રહી. આજે તમારા મતને કારણે તેમને કહેવું પડે છે કે આ મોદી સરકાર નથી, ભારત સરકાર છે. આજે તમારા કારણે તેઓએ એક અલગ અભિગમ અપનાવવો પડશે એમ પીઢ રાજકારણીએ કહ્યું હતું. (પીટીઆઈ)