શું ડોનાલ્ડ ટ્રમ્પનું મોત થઇ ગયું? ટ્રમ્પના પુત્રના ‘X’ એકાઉન્ટ પર સતત વિચિત્ર પોસ્ટ મુકાઇ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના ‘X’ એકાઉન્ટ પરથી સતત વિવાદાસ્પદ પોસ્ટ થઇ રહી છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમનું એકાઉન્ટ હેક થયું છે, જો કે તેમણે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના ‘X’ એકાઉન્ટ પરથી એક વાંધાજનક પોસ્ટમાં એવું લખાણ જોવા મળી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું મૃત્યુ થઈ ગયું છે, અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અમેરિકાની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે.
હેકરે ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના એકાઉન્ટથી પોસ્ટ કરી છે કે, ‘મને એ જણાવતા ખુબ દુઃખ થઈ રહ્યું છે કે, મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે નથી રહ્યા. વર્ષ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હું ભાગ લઈ રહ્યો છું.’
ઉપરાંત અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ જો બાઇડન તેમજ ઇલોન મસ્ક અંગે પણ વાંધાજનક લખાણો આ એકાઉન્ટ પરથી કરવામાં આવી રહ્યા છે. જો કે ટ્વીટને પગલે ખળભળાટ મચી જતા તમામ ટ્વીટ ડિલીટ કરી નાખવામાં આવી હતી.
હેકિંગની આ ઘટનાને પગલે લોકોએ સોશિયલ મીડિયામાં અલગ અલગ રિએક્શન આપ્યા હતા. અનેક લોકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે ચિંતા જતાવી હતી. આ પ્રકારની ઘટનાઓ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મની ઓનલાઈન સુરક્ષામાં ખામીઓ જ નહિ પરંતુ ખોટી માહિતી ફેલાવવા અને નકારાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ થઇ રહ્યો છે તેવું સાબિત કરે છે.