Onion Price: ડુંગળીના ભાવ ફરી રોવડાવશે? આ કારણે ભાવમાં તોતિંગ વધારો થઇ શકે છે

નાસિક: કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ લોકોને મોંઘવારીમાંથી રહાત મળે એવી આશા છે, પરંતુ ડુંગળીના વધી રાહેલા ભાવ (Onion Price Hike) લોકોની આશાઓ પર પાણી ફેરવી દે એવી શક્યતા છે. દેશમાં ડુંગળીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે, છેલ્લા 15 દિવસના સમયગાળામાં ડુંગળીના ભાવમાં 30-50 ટકાનો વધારો થયો છે. હાલમાં દેશમાં ડુંગળીની આવક ઘટી રહી છે. હવે કેન્દ્રની નવી સરકાર ડુંગળીની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે કેટલાક પગલાં લેશે તેવી લોકોને અપેક્ષા છે.
મહારાષ્ટ્રના નાસિકની લાસલગાંવના યાર્ડમાં ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે અહીં જથ્થાબંધ ડુંગળીના સરેરાશ ભાવ 26 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે ગયા મહિનાની 25 તારીખે આ દર 17 રૂપિયા પ્રતિ કિલો હતો. જો કે, શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ રાજ્યના ઘણા બજારોમાં પ્રતિ કિલો રૂ. 30ને પાર કરી ગયો છે.
આ પણ વાંચો : Food Inflation: ટમેટાં-બટાકાં-ડુંગળીની કિંમતોએ વધારી ચિંતા, ચૂંટણીટાણે પ્રજાને લાગશે મોંઘવારીનો ઝટકો?
માંગમાં વધારો થતા અને આવકમાં ઘટાડો થતા આ ભાવ વધારો થઇ રહ્યો છે. ખેડૂતોને આશા છે કે કેન્દ્ર સરકાર હવે ડુંગળી પરની નિકાસ ડ્યુટી હટાવી શકે છે અને આ અપેક્ષાના આધારે વેપારીઓ અને ખેડૂતો ડુંગળીનો સંગ્રહ કરી રહ્યા છે. તેમને લાગે છે કે નિકાસ ડ્યૂટી હટાવ્યા બાદ ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને આ સમયે તેઓ તેમની ડુંગળીના સારા ભાવ મળવાની આશા રાખી રહ્યા છે. જેને કારણે બાજારમાં ડુંગળીની આવક ઘટી ગઈ છે.
હાલમાં ડુંગળીની નિકાસ પર 40 ટકા એક્સ્પોર્ટ ડ્યુટી છે, જેને કારણે ડુંગળીનો ઓછો જથ્થો નિકાસ થઇ રહ્યો છે. આગામી 17 જૂનના રોજ ઈદ-ઉલ-અઝહાનો તહેવાર ઉજવવામાં આવશે, તેથી વેપારીઓ દાવો કરે છે કે સ્થાનિક માંગ હજુ થોડા સમય માટે વધશે. મહારાષ્ટ્રમાંથી આવતી ડુંગળીની માંગ સતત વધી રહી છે, ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાંથી માંગ વધુ છે.