બાળકોમાં તણાવ ન ઊભો થાય તે માટે કરો આ નાનકડો ઉપાય
તણાવ શબ્દ આમ તો બાળકો માટે છે જ નહીં. બાળકો તો હસતા રમતા જ હોય. પણ આજના સમયમાં શિક્ષણનો ખોટી રીતે નાખવામાં આવેલો બોજ અને અન્ય કારણોને લીધે બાળકો પણ તણાવના શિકાર બની જાય છે. બાળકો હોય કે પુખ્ત વયના તણાવ શરીર અને મન બન્નેને ભારે અસર કરે છે ત્યારે આનો સાદો ઉપાય છે. કસરત. હા વાત ભલે જૂની હોય પણ સમજવા જેવી છે કે કસરત શા માટે તાણ ઓછી કરવામાં ઉપયોગી થાય છે.
બાળકો માટે દરરોજ કસરત કરવી અને શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ ફાયદાકારક છે. જર્નલ ઓફ સાયન્સ એન્ડ મેડિસિન ઇન સ્પોર્ટ્સમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૈનિક કસરત બાળકોને શિક્ષણ સહિતના તણાવથી છૂટકારો આપે છે. સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે સહભાગીઓએ દરરોજ એક કલાકથી વધુ સમય સુધી વ્યાયામ કર્યું હતું તેમનામાં ઓછા સક્રિય બાળકો કરતાં તણાવપૂર્ણ કાર્યો કરતી વખતે કોર્ટિસોલનું ઉત્પાદન ઓછું હતું.
શરીરમાં કોર્ટિસોલના સ્તરને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે . સ્વિત્ઝર્લેન્ડની યુનિવર્સિટી ઓફ બેસલના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જે બાળકો દરરોજ કસરત કરે છે તેઓમાં તણાવ ઓછો હોય છે.
જ્યારે બાળકો દોડે છે, તરે છે અથવા ચઢાણ કરે છે, ત્યારે મગજ કોર્ટિસોલના વધારાને કંઈક હકારાત્મક સાથે સાંકળવાનું શીખે છે. પરીક્ષા સમયે પણ કસરત કરવાથી ફાયદો થાય છે.
શારીરિક પ્રવૃત્તિ મગજમાં ગુડ ન્યુરોટ્રાન્સમીટર એટલે કે એન્ડોર્ફિન્સના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. દરરોજ એરોબિક કસરત કરવાથી શરીરમાં, ચયાપચય અને હૃદયમાં મોટા ફેરફારો આવે છે.
સંશોધકોએ 10 થી 13 વર્ષની વયના 110 બાળકો પર સંશોધન કર્યું હતું. આ બાળકોને એક અઠવાડિયા દરમિયાન તેમની દૈનિક શારીરિક પ્રવૃત્તિને ટ્રેક કરવા માટે સેન્સર પહેરવામાં આવ્યા હતા. સંશોધકોએ તણાવપૂર્ણ અને બિન-તણાવપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે બે અલગ-અલગ પ્રસંગોએ સહભાગીઓને લેબમાં બોલાવ્યા. તેઓએ તેમના લાળમાં કોર્ટિસોલની માત્રાને માપીને બાળકોના શારીરિક તાણના પ્રતિભાવનું પરીક્ષણ કર્યું. સંશોધકોએ ઇલેક્ટ્રોએન્સફાલોગ્રામ (EEG) દ્વારા સહભાગીઓના મગજના તરંગોને રેકોર્ડ કરીને તણાવ કાર્ય માટેના પ્રતિભાવોની પણ તપાસ કરી.
નિષ્ણાતોના કહેવા અનુસાર તણાવ આપણી વિચારવાની રીતમાં દખલ કરી શકે છે. આપણામાંના ઘણાએ અતિશય તણાવને કારણે બ્લેકઆઉટનો અનુભવ કર્યો છે. તણાવને નિયંત્રિત કરવામાં મદદ કરવા ઉપરાંત, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અન્ય ઘણા ફાયદાઓ ધરાવે છે. તેથી, તમારા બાળકને બહાર રમવા જેવી સાદી શારીરિક પ્રવૃત્તિમાં જોડાવા માટે તૈયાર કરો. બાળક ઘરમાં બેસી ભણ્યા જ કરે કે અન્ય પ્રવૃત્તિઓ કર્યા કરે, તેના કરતા તે ભલે બહાર રમે, દોડે, પડે તના પર વધારે ધ્યાન આપો. એ વાત ખરી કે શહેરોમાં આજકાલ બાળકોને રમવાની જગ્યા ઓછી છે, સુરક્ષાના પ્રશ્નો વધી ગયા છે, તેમ છતાં બાળકની શારીરિક કસરત થાય તેવી વ્યવસ્થા માતા-પિતા અને શાળાએ અચૂક કરવી જોઈએ.