એશિયન ગેમ્સ માટે મહિલા હોકી ટીમ ચીન જતા પહેલા કેપ્ટને આપ્યું સૌથી મોટું નિવેદન
બેંગલુરુઃ ભારતીય મહિલા હૉકી ટીમની કેપ્ટન સવિતાએ ટીમ હાંગઝોઉ માટે રવાના થતા પહેલા કહ્યું હતું કે તેની ટીમ એશિયન ગેમ્સમાં સારું પ્રદર્શન કરીને આવતા વર્ષે પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થવા માંગે છે. ભારતીય મહિલા હૉકી ટીમ 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ માટે મંગળવારે રાત્રે રવાના થઈ હતી.
ભારતીય ટીમને પુલ-એમાં કોરિયા, મલેશિયા, હોંગકોંગ, ચીન અને સિંગાપોરની સાથે રાખવામાં આવી છે. જાપાન, ચીન, થાઈલેન્ડ, કઝાકિસ્તાન અને ઈન્ડોનેશિયાને પુલ- બીમાં સ્થાન મળ્યું છે. દરેક પુલમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ગોલ્ડ મેડલ જીતનારી ટીમ પેરિસ ઓલિમ્પિકમાં પ્રવેશ કરશે.
ભારત તેની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરે સિંગાપોર સામે રમશે. સવિતાએ કહ્યું હતું કે અમે લાંબી રાષ્ટ્રીય શિબિરમાં સખત મહેનત કરી છે અને જે ક્ષેત્રોમાં અમારે સુધારો કરવાની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે અમારા મજબૂત મુદ્દાઓ અને વિરોધી ટીમો અનુસાર અમારી વ્યૂહરચના તૈયાર કરી છે.
તેણે કહ્યું હતું કે અમને આશા છે કે આ ટૂર્નામેન્ટ અમારા માટે સારી રહેશે અને અમે સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરીશું. અમારો ઉદ્દેશ્ય 2024માં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાનો છે અને તેથી અમે સારી રીતે જાણીએ છીએ કે આ ટૂર્નામેન્ટ કેટલી મહત્વપૂર્ણ છે અને અમારું લક્ષ્ય હાંસલ કરવા માટે અમારે શું કરવાનું છે.