આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલ

Modi 3.0: અજિત પવાર બાદ હવે એકનાથ શિંદેપણ નારાજ, મહારાષ્ટ્રમાં વિધાનસભા પહેલા ઘણા ફટાકડા ફૂટશે

મુંબઈઃ ગઠબંધનની સરકાર હોય ત્યારે નારાજગીનો સૂર રેલાતો જ રહે છે. એકને મળે અને બીજું રહી જાય તેવી સ્થિતિમાં રિસામણા-મનામણા થતા રહે છે. બે દિવસ પહેલા જ વડા પ્રધાન Narendra Modi ત્રીજીવાર શપથ લીધાં અને તેમની આગેવાનીમાં એનડીએ સરકારે સત્તા સંભાળી. શપથ પહેલા જ મહારાષ્ટ્રના સાથી પક્ષ એનસીપી (અજિત પવાર)ના પક્ષે તેમને મળેલા રાજ્યકક્ષાના પ્રધાનપદ મામલે નારાજગી દર્શાવી અને એનસીપીના નેતા પ્રફુલ પટેલ પહેલા કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા હોય ઉતરતું પદ નહીં સંભાળે તેમ કહી નારાજગી દર્શાવી.

તો હવે બીજી બાજુ શિવસેના (શિંદે) તરફથી પણ નારાજગીના સૂર રેલાવા માંડ્યા છે. શિંદે જૂથને એક જ પ્રદાન પદ મળ્યું છે ને તે પણ રાજ્યકક્ષા (સ્વતંત્ર કારભાર). શિંદેસેનાના મવાળના સાંસદ શ્રીરંગ બર્નેએ જણાવ્યું હતું કે અમે ભાજપની વધારે બેઠક લાવનારો ત્રીજા નંબરનો પક્ષ છીએ. અમને એક કેબિનેટ બર્થ મળવાની અપેક્ષા હતી, પરંતુ તેમ બન્યું નથી.

Read more: Modi 3.0: જાણો મહારાષ્ટ્રના પ્રધાનોને કયા ખાતા મળ્યા?

શિંદેસેનાને એ વાતનું ખરાબ લાગ્યું છે કે તેમનાથી ઓછી બેઠક લાવનારાને એક એક કેબિનેટ બર્થ મળ્યો છે. બિહારના લોક જનશક્તિ પક્ષને પાંચ બેઠક પર વિજય મળ્યો છે છતાં ચિરાગ પાસવાન કેબિનેટમાં ગયા છે. તેનાથી પણ વિચિત્ર વાત તો એ છે કે હિન્દુસ્તાની અવામ મોરચાના 79 વર્ષીય જીતીન માંઝીના પક્ષને માત્ર એક બેઠક મળી છે છતાં તેઓ કેબિનટ પ્રધાન બની ગયા છે જ્યારે શિંદેસેનાએ મહારાષ્ટ્રમાં સાત બેઠક પર વિજય મેળવ્યો છે, પરંતુ તેમણે કેબિનેટ બર્થથી વંચિત રહેવું પડ્યું છે.

જોકે શિવસેનાના નેતા શ્રીકાંત શિંદેએ આવી નારાજગીનો ઈનકાર કર્યો છે અને પોતે એનડીએના સંનિષ્ઠ સાથીપક્ષ તરીકે કામ કરશે, તેમ જણાવ્યું છે, પરંતુ શિંદેસેનાના હાથમાં ઓછું આવ્યું છે તે વાત નકારી શકાય નહીં.

Read more: મહારાષ્ટ્ર ચૂંટણી માટે તૈયાર રહો: પાર્ટી સ્થાપના દિવસે એનસીપી (એસપી) કાર્યકરોને શરદ પવારની હાકલ

ચાર મહિના બાદ વિધાનસભાની ચૂંટણી છે. હોઈ શકે ભાજપ વિધાનસભામાં સાથી પક્ષોને સરાભરા કરવાનું વિચારી રહ્યો હોય, પરંતુ જે રીતે લોકસભામાં ભાજપ સહિતની મહાયુતીએ જનતાના જાકારાનો સામનો કરવો પડ્યો છે તે જોતા આવનારા સમયમાં બેઠકોની વહેંચણી અને પક્ષની ભૂમિકા મામલે ફટાકડાં ફૂટે તો નવાઈ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button