T20 world Cup: Pakistan v/s Canada: કૅનેડા આજે જીતશે તો પાકિસ્તાન આઉટ
ચાર દિવસ પહેલાં કૅનેડાએ આયરલેન્ડને પરાજયનો કરન્ટ આપ્યો હતો
ન્યૂ યોર્ક: પાકિસ્તાને રવિવારે જ્યાં ભારત સામેનો શૉકિંગ પરાજય સહન કર્યો ન્યૂ યોર્કના એ જ મેદાન પર આજે (ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી) બાબર આઝમ અને તેની નિરુઉત્સાહી ટીમનો અન્ડરડૉગ કૅનેડા સાથે મુકાબલો છે.
પાકિસ્તાન (0 પોઇન્ટ) જો અમેરિકા (ચાર પોઇન્ટ) સામે હારી શકે તો કૅનેડા (બે પોઇન્ટ) સામે કેમ નહીં અને કૅનેડા જો આયરલેન્ડ (0 પોઇન્ટ)ને હરાવી શકે તો પાકિસ્તાનને કેમ નહીં એવી ક્રિકેટ વર્તુળમાં ચર્ચા છે.
યુએસએ અને ભારત સામે હારી ચૂકેલું પાકિસ્તાન આજે કૅનેડા સામે પણ પરાજિત થશે તો આ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે. જોકે પાકિસ્તાન જીતશે તો હવે પછીના કોઈક રાઉન્ડમાં બાબરની ટીમની રોહિત એન્ડ કંપની સાથે ફરી ટક્કર થઈ શકે.
ગ્રૂપ “એ”માં બાબરની ટીમનો અમેરિકા સામે સુપર ઓવરમાં અને ભારત (ચાર પોઇન્ટ) સામે છ રનથી પરાજય થયો હતો.
દરેક ગ્રૂપમાં પ્રત્યેક ટીમે ચાર લીગ મૅચ રમવાની છે. દરેક ગ્રૂપની ટોચની બે ટીમ સુપર એઇટ રાઉન્ડમાં જશે.
2007માં વેસ્ટ ઇન્ડિઝના વન-ડે વર્લ્ડ કપમાં આયરલેન્ડ સામેની હાર બદલ ઇન્ઝમામ-ઉલ-હકની ટીમ સ્પર્ધાની ભારત ફેંકાઈ ગઈ હતી. એટલે જો પાકિસ્તાન આજે કૅનેડાને હળવાશથી લેશે અને હારશે તો બાબરની ટીમનું પાછા પાકિસ્તાન જવાનું મુશ્કેલ થઈ જશે.
યાદ રહે, આ વિશ્વ કપની પહેલી મૅચમાં (પહેલી જૂને) ભારતીય મૂળના કુલ છથી દસ ખેલાડીનો સમાવેશ ધરાવતી બે ટીમ કૅનેડા-અમેરિકા વચ્ચે જે મૅચ રમાઈ હતી એમાં કૅનેડાએ પહેલાં તો 20 ઓવરમાં પાંચ વિકેટે 194 રન બનાવ્યા હતા અને પછી અમેરિકાના બૅટર્સને સારી ટક્કર આપી હતી જેને કારણે મોનાંક પટેલના નેતૃત્વમાં અમેરિકાની ટીમ 42 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ 18મી ઓવરમાં જીતી શકી હતી.
કૅનેડાની ટીમ મજબૂત છે. ચાર દિવસ પહેલાં સાદ બિન ઝફરના સુકાનમાં કૅનેડાએ આયરલેન્ડની ચડિયાતી ટીમને પરાજયનો આંચકો આપ્યો હતો.
કૅનેડાએ સાત વિકેટે 137 રન બનાવ્યા બાદ પૉલ સ્ટર્લિંગની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 125 રન બનાવી શકી અને કૅનેડાનો 12 રનથી વિજય થયો હતો. બૅટર નિકોલસ કિર્ટન (35 બૉલમાં 49 રન)એ જીતનો સુપરહીરો હતો.
ભારતીય મૂળના શ્રેયસ મોવ્વા (36 બૉલમાં 37 રન અને બે કૅચ)નું પણ એ જીતમાં મોટું યોગદાન હતું. કૅનેડાની ટીમમાં બીજા ભારતીય મૂળના પ્લેયર્સમાં પરગટ સિંહ, દિલપ્રીત બાજવા અને નવનીત ધાલીવાલનો સમાવેશ છે.
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાંની વોર્મ-અપ મૅચમાં કૅનેડાએ નેપાળને 63 રનથી હરાવ્યું હતું.
Also Read –