લાડકી

માત્ર પ્રેમ કરતાં જ નહીં, પારખતાં પણ શીખો…

સંબંધોને પેલે પાર – જાનકી કળથિયા

તમને કોઈ વ્યક્તિ સાચો પ્રેમ કરે છે એ ઓળખવા શું કરવું જોઈએ? પ્રેમ છે કે માત્ર આકર્ષણ એ જાણવાની કોઈ ટ્રીક ખરી? પ્રેમ અને વ્હેમ વચ્ચેનો ભેદ કંઈ રીતે પારખી શકાય? શું પ્રેમના નામે આપણી લાગણીનો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? ‘ગમી જવું’ અને ‘પ્રેમ થઈ જવો’ વચ્ચે શું ફેર છે?

આજકાલ ‘પ્રેમ’ શબ્દને એટલો સસ્તો બનાવી નાખ્યો છે કે હાલતાં ચાલતાં એનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં કરવા લાગી છે. આપણા જીવનની સૌથી વધુ રોમાંચિત કરી મૂકે એવી લાગણી જો કોઈ હોય તો એ પ્રેમ છે. આ લાગણીનો અનુભવ થવો એ કદાચ કુદરતી કરિશ્મા કહી શકાય. કોઈના અખંડ પ્રેમનું ભાગીદાર બનવું એ બાબત જ વ્યક્તિને સ્પેશ્યલ ફિલ કરાવે છે. કોઈના મનમંદિરમાં આપણું સામ્રાજ્ય સ્થાપિત થઈ જવું, કોઈના હૃદયમાં આપણા નામનો અડિંગો જમાવી દેવો, કોઈની સૂતા સમયની છેલ્લી વિશ અને ઊઠતા સાથેની પહેલી પ્રાર્થનામાં માત્ર આપણું નામ હોવું- આ બાબતો આપણા મનમાં ઉચ્ચ લેવલનો ડોપમાઇનનો સ્ત્રાવ પેદા કરે છે.

પરંતુ શું આટલી બાબતોથી જ આપણે કોઈના પ્રેમમાં છીએ કે આપણને કોઈ વ્યક્તિ પ્રેમ કરે છે એ સાબિત થઈ જાય છે? બહુ મૂંઝવણભર્યો આ પ્રશ્ર્ન છે. કારણ કે અત્યારના સોશ્યલ મીડિયાના યુગમાં કોઈપણ વ્યક્તિને ઈમ્પ્રેસ કરવા માટેના ભાતભાતના નુસખાઓ બતાવવામાં આવતાં હોય છે. ચાલાક વ્યક્તિ એ શીખી લે તો લાગણીસભર વ્યક્તિને બહુ જલ્દીથી પોતાનામાં વશ કરી શકે છે. અને આ રીતે બંધાયેલો સંબંધ ક્યારેય લાંબો ચાલતો નથી. રિયલાઈઝ થતાંની સાથે જ પેલી લાગણીશીલ વ્યક્તિ અંદરથી તૂટી જતી હોય છે. પોતાનો ઉપયોગ થઈ ગયો એ વાતને લઈને જીવનભર રોજ મરીને એ જીવતી હોય છે. ખાસ કરીને યંગ જનરેશન અને સાથોસાથ દરેક ઉંમરના વ્યક્તિઓ જ્યાં આવીને અટવાઈ છે એવા કેટલાંક પ્રશ્નો જેમ કે સાચો પ્રેમ કેવી અનુભૂતિ કરાવે? સાચા પ્રેમને કંઈ રીતે ઓળખી શકાય? અને આકર્ષણથી પ્રેમને કઈ રીતે અલગ પાડી શકાય એ જાણવાનો થોડો પ્રયાસ આપણે કરીએ.

કોઈ વ્યક્તિ આપણને ખરેખર પ્રેમ કરે છે એનો અહેસાસ આપણા અંતરાત્માને થઈ જ જતો હોય છે. છતાંય કેટલીક બાબતો પરથી સાચા પ્રેમને સરળતાથી પારખી શકાય. જેમ કે આપણું પ્રિયજન આપણા દેખાવને નહીં, સ્વભાવને અગત્યતા આપતું હોય. આપણી ‘ના’ પાછળનો ગર્ભિત મર્મ જાણી શકતું હોય. આપણી પાસેથી ગિફ્ટ કે અન્ય એક્સપેન્સિવ વસ્તુઓનો જરાય આગ્રહ ન રાખતું હોય. આપણી શારીરિક તેમજ માનસિક હેલ્થ માટે સતત ટોકયાં કરતું હોય. પોતાની પાસે જે કાંઈપણ હોય એમાંથી આપણને આપવાના પ્રયાસ કરતું હોય. પાસે રહેવા કરતાં સાથે રહેવાના મહત્વને સમજી શકતું હોય. આપણાથી થયેલી ભૂલો બદલ જ્યારે આપણે ’સોરી’ કહીએ એ ન સાંભળી શકતું હોય. આપણી આંખોમાંથી નીકળતાં આંસુઓ પાછળ રહેલી વેદના સારીપેઠે સમજી શકે એમ હોય. આપણા મૂડ ઓફ હોવાની એના વર્તન પર કોઈ અસર ન વર્તાતી હોય. ભૂલ કોઈની પણ હોય, વાત કરવાની પહેલ કે સોરી બોલવાની શરૂઆત એના પક્ષે થતી હોય. આપણામાં ખામીઓ હજાર હોય છતાંય આપણી કદર કરતું હોય. ટોન્ટમાં ક્યારેય વાત ન કરતું હોય. આપણી તકલીફ વખતે સતત કેર કરતું હોય. દરેક પરિસ્થિતિમાં આપણી ખુશીને પ્રાધાન્ય આપતું હોય. આપણી ચોઇસ કે શોખને બદલી નાખવાનો આગ્રહ ક્યારેય ન કરતું હોય. મિત્રો કે સંબંધીઓ વચ્ચે આપણને ઉતારી પાડવાના પ્રયાસ ન કરતું હોય. આપણે જેવા છીએ એવા જ સ્વીકાર કરવામાં નાનપ ન અનુભવતું હોય. ડીગ્રી, દેખાવ કે દીવાનગીમાં ફર્ક હોય તોય એનો અહેસાસ ન કરાવતું હોય. આપણા મૌન પાછળના શબ્દો અને ગુસ્સા પાછળનો પ્રેમ ભલીભાંતી જાણી શકતું હોય. આપણી સાથે વાત કરવા માટે થઈને દિવસો સુધી રાહ જોઈ શકતું હોય. સાથે વાત ન થઈ શકયાની પરિસ્થિતિય સમજી શકતું હોય. જ્યાં સફાઈની જરૂરિયાત ન પડતી હોય. આપણી આર્થિક સ્થિતિને અનુરૂપ અપેક્ષા રાખતું હોય. જો આપણું પ્રિયજન ઉપર જણાવ્યા મુજબના વર્તનો પૈકીના મોટાભાગના વર્તન કરતું હોય તો સમજી જવું કે એ ટૂંકાગાળાનું આકર્ષણ નહીં પણ લાંબાગાળાનો શાશ્ર્વત પ્રેમ છે. જ્યાં બે વ્યક્તિઓ એકબીજાના આત્મા સુધી પહોંચવાની સફરનો આનંદ લઈ રહ્યાં છે.

કોઈપણ માણસ આપણા પ્રેમમાં છે કે પછી આપણો વ્હેમ છે એ જાણવાની બેસ્ટ ટ્રીક છે ‘સમય આપવો અથવા માંગવો’. કારણ કે અમૂલ્ય અને અતિપ્રિય એવી વસ્તુ છે ‘સમય’. અનિવાર્ય સંજોગો સિવાય જો આપણું પાર્ટનર દિવસના ૨૪ કલાકમાંથી અડધો કલાક પણ સમય ન આપી શકતો હોય તો રિલેશનશિપમાં એ બાબત વોર્નિંગ બેલ સમાન છે. કોઈક વ્યક્તિ આપણા માટે ખાસ છે, આપણા પ્રાયોરિટી લિસ્ટમાં ટોપ પર છે, જેના લીધે આપણે સ્પેશ્યલ ફિલ કરીએ છીએ, જેના આવવાથી આપણામાં પોઝિટિવ ચેન્જીસ આવ્યા છે, જે સતત આપણી રાહ જુએ છે, જે આપણા માટે પ્રાર્થે છે, જેના માટે આપણે એનું સઘળું જ છીએ, જે આપણા એક બોલથી એનાથી બનતું તમામ કરી બેસવા તત્પર છે એવી આપણી ગમતી વ્યક્તિ આપણી પાસેથી કશી જ અપેક્ષા ન રાખતી હોય, સિવાય કે સમય, તો વગરકહ્યે, વણમાંગ્યે એ આપવું એ આપણી ફરજ બને છે. એટલે સાચા પ્રેમને પારખવા માટેના વિવિધ વિકલ્પો પૈકીનો બેસ્ટ વિકલ્પ એ છે કે આપણું પાર્ટનર આપણને એના બીઝી શિડયુલમાંથી કેટલો સમય આપી શકે છે. એના આધાર પર રિલેશનશિપનો પાયો નિવ નખાતો હોય છે.

બાકી બહાનાઓ તો જોઈએ એટલાં માર્કેટમાં રેડી જ છે. ‘સોરી યાર, હું એક અગત્યના કામમાં બીઝી હતી/હતો એટલે તારા કોલનો જવાબ ન આપી શકાયો’, ‘હમણાં ઓફિસમાં કામ જ એટલું હોય છે ને કે મરવાનોય ટાઈમ નહીં મળતો.’ ‘તારા સમ યાર, નેક્સ્ટ ટાઈમ એવું નહીં થાય, પ્રોમિસ.’ ‘સવારે મોડે સુધી સુવાઈ ગયું એટલે આપણે લેટ થશે.’ ‘ગેસ્ટ આવી ગયાં એમાં આપણો પ્રોગ્રામ કેન્સલ થયો.’ ‘તે જ એવું કર્યું જેથી મારો મૂડ ઓફ થઈ ગયો.’ આ બધા જ હાથવગા બહાનાઓ છે જે સ્પષ્ટ સાબિત કરે છે કે આપણું પ્રિયજન આપણા પ્રેમમાં હોવાનો માત્ર ડોળ કરી રહ્યું છે. બની શકે ક્યારેક વ્યક્તિ અમુક સિચ્યુએશનમાં ફસાઈ હોય તો ઉપર મુજબનું સ્ટેટમેન્ટ આપે પરંતુ વારંવાર આવું થતું હોય તો ચેતી જવું હિતાવહ છે કારણ કે ગમે એવી ઈમરજન્સીમાં પણ માણસ બે-ચાર કલાકે તો ફ્રી થઈને એની પરિસ્થિતિ જણાવી જ શકે. અહીં પ્રેમના નામે લાગણીઓ સાથે રમત રમાઈ રહી છે, પ્રેમની ઓથે બીજું કશુંક મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પ્રેમ નામનું તત્વ હાંસિયામાં અને બીજું કશુંક હાવી થઈ રહ્યું હોય છે.

એક વાત બરાબર સમજી લેવી કે પ્રેમમાં ક્યારેય કશી ડિમાન્ડ હોતી જ નથી, પ્રેમમાં તો માત્ર આપવાનું હોય છે. અઢળક, ભરપૂર અને બેશુમાર લૂંટાઈ જવાનું હોય છે. પ્રિયજનની ખુશીમાં ખૂંવાર થઈ જવાનું હોય છે. એના ગળે બાઝેલા ડૂમાં સહિત એને છાતીએ વળગાડીને એમાં ઓળઘોળ થઈ જવાનું હોય છે. જે મળે છે, જેટલું મળે છે એ બધું જ ક્ષણોમાં સદીઓ બરાબર જીવી લેવાનું હોય છે. હૃદય વીંધીને આત્મા સુધી પહોંચવાની કઠિન કેડીએ કંટાળ્યા વગર કદમ માંડવાના હોય છે. આ રોમાંચિત સફર શોર્ટ ટર્મની નહીં, પણ છેલ્લા શ્ર્વાસ સુધીની હોય છે.

કલાઈમેક્સ:
કોઈને ગમી જવું એ આકર્ષણ છે, પણ જીવનભર ગમતાં રહેવું એ પ્રેમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button