એકસ્ટ્રા અફેર

પાટીલને મંત્રીપદ બહુ મોડું મળ્યું, નીમુબેનને લોટરી લાગી

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

અંતે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદે શપથ લઈ લીધા અને તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લઈ લીધા. મોદી સરકારના 71 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્યકક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર હવાલા સાથેના રાજ્ય કક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા છે.

એનડીએની આ મોરચા સરકારમાં શપથ લેનારા 72 મંત્રીઓમાંથી 11 મંત્રી સાથી પક્ષોના છે. એનડીએ મોરચાના પક્ષોમાંથી ભાજપ સિવાય જેડીયુ, જેડીએસ, શિવસેના અને ટીડીપીના સાંસદોએ કેન્દ્રીય મંત્રીપદના શપથ લીધા છે. મોદીએ પોતાના સાથીઓને સાચવવા માટે મોટા પ્રમાણમાં મંત્રીપદ આપવાં પડશે એવું મનાતું હતું પણ તેના બદલે સાથી પક્ષોના 11 મંત્રી જ છે તેથી ભાજપનો હાથ ઉપર છે એ સ્પષ્ટ છે.

સાથી પક્ષોમાં તો એ લોકો જેનાં નામ આપે તેને મંત્રી બનાવવા પડે તેથી મોદી પાસે કોઈ પસંદગી નહોતી પણ ભાજપમાંથી મંત્રીઓની પસંદગી કરવામાં મોદીએ જોખમ લેવાનું ટાળ્યું છે. છેલ્લી ટર્મમાં મોદી કેબિનેટના સીનિયર મંત્રીઓને રીપીટ કરાયા છે.

રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારામન, પીયૂષ ગોયલ, જુએલ ઓરમ, ધર્મેન્દ્ર પ્રધાન, સર્બાનંદ સોનોવાલ, કિરેન રિજિજુ, અશ્વિની વૈષ્ણવ સહિતના જૂના જોગીઓને મોદીએ ફરી તક આપી છે. સામે સ્મૃતિ અનુરાગ ઠાકુર અને નારાયણ રાણે જેવા જૂના જોગીઓને પડતા પણ મૂક્યા છે. સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓ હારી જતાં તેમના સ્થાને ખાલી પડેલી જગાઓ પર શિવરાજસિંહ ચૌહાણ અને મનોહરલાલ ખટ્ટર જેવા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને સમાવી લેવાયા છે.

ભાજપ પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી નથી એ જોતાં ભાજપ સરકારે બહુ અસરકારક રીતે કામ કરવું પડશે. બલ્કે કામ જ કરવું પડશે એમ કહીએ તો ચાલે. છેલ્લાં 10 વર્ષમાં ભાજપે હિંદુ-મુસ્લિમના નામે ઉન્માદ પેદા કરીને કે કામ ઓછું કરીને ને પ્રચાર વધારે કરીને ચલાવ્યું એવું હવે નહીં ચાલે. ભાજપ ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમાર એ બે મુસ્લિમ તુષ્ટિકરણના ચેમ્પિયનોની કાંખઘોડી પર ઊભો છે તેથી હવે હિંદુ-મુસ્લિમ જરાય ચાલવાનું નથી તેથી ભાજપ સરકાર પાસે લોકોનાં કામ કરવા સિવાય વિકલ્પ નથી. વિપક્ષ પણ મજબૂત છે એ જોતાં ભાજપે સતર્ક રહેવું જ પડે તેથી મોદીએ પસંદ કરેલી ટીમ યોગ્ય જ છે.

મોદી મંત્રીમંડળની રચનામાં ગુજરાતને મોટો ફાયદો થયો છે. ભાજપના ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા ગઢ ધરાશાયી થઈ ગયા ત્યારે મધ્ય પ્રદેશ અને ગુજરાત એ બે જ રાજ્યો ભાજપને પડખે રહ્યાં છે. મધ્ય પ્રદેશે તો તમામ 29 લોકસભા બેઠકો ભાજપને આપી દીધી. ગુજરાતમાં ગેનીબેન ઠાકોરે પોતાની તાકાત પર જીતીને ભાજપને તમામ 26 બેઠકો જીતવાની હેટ્રિક ના કરવા દીધી પણ છતાં ગુજરાતમાં ભાજપનો દેખાવ જોરદાર રહ્યો છે.

ગુજરાતે લોકસભામાં ભાજપને 26માંથી 25 બેઠકો જીતાડીને આપી તેનું ફળ મળ્યું છે. મોદી મંત્રીમંડળમાં ગુજરાતમાંથી છ સાંસદ મંત્રી બન્યા છે કે જેમાં પાંચ સાંસદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે એક સાંસદને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અમિત શાહ, જેપી નડ્ડા, એસ. જયશંકર, સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા એમ પાંચ સાંસદે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે જ્યારે નીમુબેન બાંભણિયાને રાજ્ય કક્ષાનાં મંત્રી બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના છ મંત્રીમાંથી અમિત શાહ ગાંધીનગરથી, સી.આર. પાટીલ નવસારીથી, મનસુખ માંડવિયા પોરબંદરથી અને નીમુબેન બાંભણિયા ભાવનગરથી સાંસદ છે જ્યારે એસ.જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. પાંચ કેબિનેટ મંત્રીમાંથી અમિત શાહ, એસ. જયશંકર અને મનસુખ માંડવિયા છેલ્લી મોદી કેબિનેટમાં પણ મંત્રી હતા. નડ્ડા આ પહેલાં મોદી કેબિનેટમાં રહી ચૂક્યા છે જ્યારે પાટિલ પહેલી વાર મંત્રીમંડળમાં આવ્યા છે અને સીધા કેબિનેટ મંત્રી બન્યા છે. નીમુબેન બાંભણિયા પહેલી જ વાર લોકસભામાં ચૂંટાયાં છે અને રાજ્યકક્ષાનાં મંત્રી બની ગયાં છે.

અમિત શાહ, એસ. જયશંકર અને મનસુખ માંડવિયા મોદી મંત્રીમંડળમાં આવશે એ નક્કી હતું. પાટીલે પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કરેલી યશસ્વી કામગીરીને કારણે મંત્રીમંડળમાં સ્થાન મળશે એ નક્કી હતું પણ નીમુબેન બાંભણિયાને સાચા અર્થમાં લોટરી લાગી છે.

નીમુબેન બાંભણીયા કોળી છે અને ઓબીસી છે. આ ઉપરાંત મહિલા આગેવાન છે તેથી તેમને તક મળી છે. ગુજરાતમાંથી પૂનમબેન માડમને મહિલા સાંસદ તરીકે તક મળશે એવું મનાતું હતું પણ મોદીએ માડમને બદલે નવાં નીમુબેનને તક આપી છે. ભાવનગર બેઠક પર નીમુબેન બાંબણિયાએ કૉંગ્રેસ-આપના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા સામે 4.55 લાખ મતે જીત મેળવી હતી. આ કારણે પણ તેમને તક મળી હોય એવું બને.

જો કે સૌથી મહત્વની પસંદગી સી.આર. પાટીલની છે. નવસારી લોકસભા બેઠક ભાજપના સી.આર. પાટીલનો ગઢ છે. આ ચૂંટણીમાં પાટીલે કૉંગ્રેસના નૈષધ દેસાઈ સામે 7.73,લાખ મતની જંગી સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો હતો. 2009, 2014, 2019 અને હવે 2024 એમ ચોથી વાર લોકસભાની ચૂંટણીમાં જીતનારા પાટીલની નરેન્દ્ર મોદી સાથેની નિકટતા જાણીતી છે. આ કારણે જ પાટીલને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખપદ આપ્યું હતું.

પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો જીતાડીને નવો રેકોર્ડ બનાવ્યો પછી તેમને કેન્દ્રમાં મોટી તક મળશે એ નક્કી મનાતું હતું. આ માન્યતા સાચી પડી છે અને પાટીલ પહેલા જ ધડાકે કેબિનેટ મંત્રી બની ગયા છે.

પાટીલની સાંસદ તરીકે આ ચોથી ટર્મ છે એ જોતાં ખરેખર તો તેમને બહુ મોડું મંત્રીપદ મળ્યું છે. પાટીલ કરતાં જુનિયર એવા મનસુખ માંડવિયા અને દર્શના જરદોષ જેવાં તેમના કરતાં વહેલાં મંત્રી બની ગયાં પણ પાટીલને તક નહોતી મળતી. પાટીલની ઉંમર 70 વર્ષની નજીક છે તેથી સાંસદ તરીકે આ પાટીલની કદાચ છેલ્લી ટર્મ છે તેથી મોદીએ તેમને તક આપી દીધી છે.

ગુજરાતમાંથી એક સાથે છ મંત્રી છે અને મોદી પોતે પણ ગુજરાતના છે. ગુજરાતને કેન્દ્રીય મંત્રીમંડળમાં કેબિનેટ સ્તરે આટલું બધું પ્રતિનિધિત્વ પહેલી વાર મળ્યું છે ત્યારે આશા રાખીએ કે ગુજરાતને તેનો મહત્તમ ફાયદો થાય. ગુજરાતના વિકાસની ગતિ ઝડપી બને અને ગુજરાત પ્રગતિનાં નવાં શિખર સર કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button